Abtak Media Google News

કોકાકોલા તેનો નવો પ્લાન્ટ રાજકોટમાં સ્થપવાનું છે. જેના માટે રાજ્યમાં અંદાજે 3 હજાર કરોડનું રોકાણ પણ થવાનું છે. કંપનીએ 2026 સુધીમાં પ્લાન્ટ કાર્યરત કરી દેવાનો લક્ષ્ય રાખ્યો છે. અહીંના પ્લાન્ટમાં જ્યુસ અને ગેસયુક્ત પીણા બનાવવામાં આવનાર છે.

હિન્દુસ્તાન કોકા-કોલા બેવરેજીસ, કોકા-કોલા કંપનીની બોટલિંગ શાખા અને ગુજરાત સરકારે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. જેમાં કોકોકોલા રાજ્યમાં રૂ. 3,000 કરોડનું મોટુ રોકાણ કરવાની છે. આ એમઓયુમાં રાજકોટમાં જ્યુસ અને ગેસયુક્ત પીણા બનાવવા માટેની સુવિધા ઉભી કરવાનું જણાવાયું છે. 2026 માં આ પ્લાન્ટ શરૂ થશે તેવું જાહેર કરાયુ છે.

2026 સુધીમાં નવો પ્લાન્ટ શરૂ કરી દેવાનો લક્ષ્યાંક: અહીંના પ્લાન્ટમાં જ્યુસ અને ગેસયુક્ત પીણા બનાવાશે: રાજ્યમાં કુલ 3 હજાર કરોડના રોકાણની કંપનીની જાહેરાત

કંપનીના નિવેદન મુજબ, આ સાહસ રાજ્યમાં કોકાકોલાની કુલ કર્મચારીઓની સંખ્યાને 1,500 કરતાં વધુ વ્યક્તિઓ સુધી લઈ જવાનો પ્રસ્તાવ છે. એચસીસીબીના ચીફ પબ્લિક અફેર્સ, કોમ્યુનિકેશન્સ અને સસ્ટેનેબિલિટી ઓફિસર હિમાંશુ પ્રિયદર્શીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અમારું રોકાણ એ ગુજરાતની સંભવિતતા અને તેના લોકો પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતા પ્રત્યેની અમારી માન્યતાનો પુરાવો છે. તે માત્ર અમારા વ્યવસાયિક કામગીરીને વધારવા માટે જ નહીં, પરંતુ તેના વિશે પણ છે. અમે એક એવા રાજ્યમાં મૂળિયાંને વધુ ઊંડું કરવા જઈ રહ્યા છીએ જે એક ચાવીરૂપ બજાર છે અને નવીનતા માટે પ્રેરણાનો સ્ત્રોત છે.

પ્રિયદર્શીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે આ પ્રોજેક્ટને પ્રાદેશિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે ગણીએ છીએ, જે સ્થાનિક પ્રતિભાઓ માટે નવી તકો લાવશે અને ગુજરાતની આર્થિક અને સામાજિક પ્રગતિ માટે અમારી પ્રતિબદ્ધતાને મજબૂત કરશે.

કંપનીએ રાજકોટમાં પ્લાન્ટ સ્થાપવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પરંતુ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે હજુ સુધી સ્થાનિક કક્ષાએ આ અંગે કોઈ માહિતી મળી નથી. આ ઉપરાંત રાજકોટના ઉદ્યોગ વિભાગે પણ હાલ સુધી કોઈ દરખાસ્ત મળી ન હોવાનું જણાવ્યું છે. એટલે હાલના તબક્કે હજુ પ્રોજેક્ટ રાજ્ય સરકાર તથા ગાંધીનગરના ઉદ્યોગ વિભાગ સુધી જ પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ જાહેર થયા મુજબ સાણંદની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ-2માં કોકા કોલા પ્લાન્ટ સ્થાપવા માટે 1.60 લાખ ચોરસ મીટરનો એક પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કોકા કોલાએ ગુજરાતમાં પોતાના બોટલિંગ પાર્ટનર્સ દ્વારા પહેલેથી બે મોટા રોકાણ કરેલા છે. ગુજરાત સરકારે ફટાફટ મંજૂરીની પ્રક્રિયા કરી દીધી છે અને કંપનીને જમીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. કોકા કોલા અમદાવાદથી 33 કિલોમીટર દૂર ગોબલેજ પાસે પહેલેથી એક ફેસિલીટી ધરાવે છે જેમાં તેની બોટલિંગ પાર્ટનર હિંદુસ્તાન કોકા કોલા બેવરેજ લિમિટેડ કામ કરે છે. જ્યારે કોકા કોલાની બીજી ફેસિલિટી સાણંદ ખાતે આવેલી છે. આ બંને માટે કોકા કોલાએ કુલ મળીને 18 કરોડ ડોલરનું રોકાણ કરેલું છે.

રાજ્યમાં હાલ કોકાકોલાના બે પ્લાન્ટ, 285 વિતરકો અને 2.24 લાખ રિટેલર્સ

ગુજરાતમાં, કોકાકોલાના નેટવર્કમાં અંદાજે 285 વિતરકો અને 224,000 થી વધુ રિટેલર્સનો સમાવેશ થાય છે, જે રાજ્યમાં તેની વ્યાપક પહોંચ અને અસરને પ્રકાશિત કરે છે.  તેની વર્તમાન સુવિધાઓ, ખેડા જિલ્લાના ગોબલેજ અને અમદાવાદ જિલ્લાના સાણંદમાં, માત્ર ઔદ્યોગિક સીમાચિહ્નો જ નથી પણ રાજ્યના સામાજિક-આર્થિક ઘડતરમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવે છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

હાઈવેની નજીક જ્યાં પુષ્કળ પાણી હશે ત્યાં પ્રોજેક્ટ સ્થપાશે

સૂત્રોના જણાવ્યા મુજબ કોકાકોલા હાઈવેની નજીકમાં જ પોતાનું પ્લાન્ટ સ્થાપશે. હાલ સુધી જગ્યાની ઓળખ કરવામાં આવી નથી. પણ ટ્રાન્સપોર્ટેશનની સરળતા માટે હાઇવે નજીક જ પ્રોજેક્ટ આવશે. વધુમાં અહીં મેન્યુફેક્ચરિંગ માટે પાણીની વધુ જરૂરિયાત હોય, જે જગ્યાએ પાણી પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ હશે ત્યાં જ કંપની પ્લાન્ટ સ્થાપશે તેવું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.