Abtak Media Google News

રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુની વિદાય બાદ હવે શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો અને અન્ય રોગ પ્રસરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગંભીરતાપૂર્વક પ્રયાસો થાય તે સુનિશ્ચિત કરવાના આશય સાથે મ્યુનિ. કમિશનર  આનંદ પટેલે આરોગ્ય શાખાના તમામ અધિકારીઓ અને તમામ આરોગ્ય કેન્દ્રોનાં મેડિકલ ઓફિસરઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.મચ્છરોનો ઉપદ્રવ જણાય તો બાંધકામ સાઇટ પણ સિલ કરવા આદેશ અપાય છે.

આ બેઠકમાં કમિશનરે વર્તમાન ઋતુમાં મચ્છરજન્ય અને અન્ય રોગચાળો પ્રસરે નહીં તે બાબત પર વિશેષ ભાર મૂકી ગંભીરતાથી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ લેવા તમામ સંબંધિત અધિકારીઓ અને મેડિકલ ઓફિસરશઓને ખાસ સૂચના આપી હતી.

આરોગ્ય શાખાના અધિકારીઓ સાથેની બેઠક  આરોગ્યલક્ષી સેવાઓની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર

કમિશનરએ એમ કહ્યું હતું કે, ચોમાસા બાદ હવે શિયાળો દસ્તક દઈ રહ્યો છે એવા સંજોગોમાં મચ્છરજન્ય રોગ થવાની સંભાવના રહેતી હોય છે ત્યારે ફિલ્ડ વર્ક અને આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારવા પર વધુ ધ્યાન આપવું જરૂરી બને છે. ગત વરસોના અનુભવના આધાર પર મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો નોધાયા હોય તેવા વિસ્તારો આઇડેન્ટિફાય કરી તેના પર વધુ ગંભીરતાપૂર્વક ધ્યાન આપી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ લેવા પણ પણ જરૂરી બની જાય છે. જે તે આરોગ્ય કેન્દ્ર હેઠળના વિસ્તારોમાં થતી સર્વેલન્સ, ફિલ્ડ વર્ક અને અટકાયતી પગલાંઓ પર મેડિકલ ઓફિસરએ સતત મોનીટરિંગ કરવા અને આ કવાયત પરિણામલક્ષી બની રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે.

મ્યુનિ. કમિશનર  આનંદ પટેલે મચ્છરજન્ય રોગચાળા સામે મચ્છરની ઉત્પતિ અટકાવવા માટે થઇ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી. સાથોસાથ કમિશનરે બાબત પર પણ ભાર મુક્યો હતો કે, મચ્છરની ઉત્પતિ અટકાવવા માટે સર્વેલન્સ દરમ્યાન જ્યાં પરિસ્થિતિ ગંભીર દેખાતી હોય ત્યાં સંબંધિતોને નોટિસ આપવા અને આમછતાં સંબંધિત વ્યક્તિ દ્વારા આવશ્યક પગલાં લેવાયાનું જોવા ન મળે તો જે તે સ્થળ સીલ કરી દેવા પણ ખાસ સૂચના આપી હતી.

વર્તમાન સમય સંજોગોને નજર સમક્ષ રાખી તમામ આરોગ્ય કેન્દ્રોમાં આવશ્યકતા મુજબની દવાઓનો પર્યાપ્ત માત્રામાં જથ્થો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા મ્યુનિ. કમિશનરશ્રીએ આરોગ્ય શાખાને સૂચના આપી હતી.

આ ઉપરાંત આરોગ્ય શાખાએ મચ્છરજન્ય રોગચાળાથી બચવા લોકોએ કેવીકેવી તકેદારી રાખવી જોઈએ તેમજ લોકોએ મચ્છરની ઉત્પતિ અટકાવવા માટે શું કરવું જોઈએ તે અંગેની માહિતીથી લોકોને વાકેફ કરવા માટે ઘનિષ્ઠ આઈ.ઈ.સી. પ્રવૃત્તિઓ હાથ ધરવા પણ આરોગ્ય શાખાને સૂચના આપી હતી.

આ મીટીંગમાં ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી  ડો. લલિત વાંઝા, નાયબ આરોગ્ય અધિકારી ડો. ભૂમિ કામાણી અને ડો. મિલન પંડ્યા તેમજ ડો. જયદીપ જોશી, મેલેરિયા શાખાના  વૈશાલી રાઠોડ, મેડિકલ ઓફિસરઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.