Abtak Media Google News

કોવીડ મહામારીની પ્રવર્તમાન પરિસ્થતિમાં અનેક નર્સ નાઇટીન્ગલની જેમ જ નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી રહી છે. આજે વાત કરવી છે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલ એક નાનકડા દુધઇ ગામની. મૂળ થાનના વતની હેતલબેન રાઠોડ છેલ્લા ચાર વર્ષથી દુધઈ ગામના હેલ્થ સબ સેન્ટરમાં ફિમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે. હાલ કોરોના મહામારી વચ્ચે જ્યાં શહેરી વિસ્તારોમાં અનેક આરોગ્યકર્મીઓ હોસ્પિટલોમાં કોવીડના દર્દીઓને સારવાર આપી રહ્યા છે, ત્યારે શહેરથી દૂર એક નાનકડા ગામડામાં હેતલબેન વિપરીત પરિસ્થિતિમાં પણ ગામના લોકોને કોરોના સામે રક્ષણ આપવાનું અનોખું કાર્ય કરી રહ્યા છે.

Advertisement

સરકાર દ્વારા દેશભરમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે દુધઈ ગામમાં પણ હેલ્થ સબ સેન્ટર ખાતે રસીકરણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં રસી આપવાનું કામ હેતલબેનને સોંપવામાં આવ્યું હતું. રસીકરણ શરુ થયાના બે દિવસ સુધી રાહ જોયા બાદ પણ ગામમાંથી કોઈ પણ માણસ રસી લેવા ન આવતા હેતલબેને આ સમસ્યાનો એક નવો જ રસ્તો કાઢી લીધો. રસીકરણના ત્રીજા દિવસથી ગામના આશા વર્કર વૈશાલીબેન વ્યાસને સાથે રાખી હેતલબેને ગામમાં ઘરે ઘરે જઈને લોકોને રસી આપવાનું અનોખું અભિયાન શરુ કર્યું. ઘરે બે વર્ષનો પુત્ર હોવા છતાં તેને ઘરે મૂકી, આવા બળબળતા તાપમાં પણ હેતલબેન અને વૈશાલીબેન જેવા નિષ્ઠાવાન આરોગ્યકર્મીઓ ગામને કોરોનાથી રક્ષિત કરવા ઘરે ઘરે ફરી રસી આપવાનું કાર્ય કરી લોકોને સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આટલું જ નહિ, રસી આપવા સાથે ગામના લોકોમાં રસી અંગે ફેલાયેલી ગેરમાન્યતાઓ અને અફવાઓ દૂર કરવા હેતલબેને લોકોને રસી અંગે માહિતગાર કર્યા હતા. તેમજ પહેલા પોતે રસી લઇ લોકોમાં રસીની વિશ્વસનીયતા અંગે જાગૃતતા ફેલાવી હતી. જેના પરિણામે આજે દુધઇ ગામમાં 45 વર્ષથી વધુ વય ધરાવતા આશરે 300 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે અને હાલ રસીનો બીજો ડોઝ આપવાનું કામ ચાલી રહ્યું છે. જોવા જેવી વાત તો એ છે કે, હેતલબેનના આ અનોખા અભિયાનથી લોકોમાં એટલી જાગૃતતા આવી છે કે, લોકો હવે સામે ચાલીને રસીનો બીજો ડોઝ લેવા સેન્ટર પર આવે છે. આ અંગે વાત કરતા હેતલબેન જણાવે છે કે, કોરોના મહામારી આવ્યા બાદ અમે ગામલોકોને સરકારની માર્ગદર્શિકા અનુસાર વારંવાર હાથ ધોવા, માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને જરૂર વગર ઘરેથી બહાર ન નીકળવા જેવી બાબતો અંગે માહિતગાર કર્યા હતા. જેથી કોરોના જેવી મહામારીથી ગામ સુરક્ષિત રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.