Abtak Media Google News

નવી બનતી સાઈટ પાસે બાળક રમી રહ્યો હતો ત્યારે સર્જાયો જીવલેણ અકસ્માત : રીક્ષા ચાલક સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાતી ફરિયાદ

શહેરના જામનગર રોડ પર ગાયત્રીધામ નજીક નવી બિલ્ડીંગની સાઇટ પર રમતા દોઢ વર્ષના બાળકને રીક્ષા ચાલકે હડફેટે લેતા મોત નીપજ્યું છે. આ બનાવમાં મૃતક બાળકના મજુર પરિવાર દ્વારા રીક્ષા ચાલક સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

વિગતો મુજબ મુળ મઘ્યપ્રદેશનો વતની અને હાલ જામનગર રોડ પર ગાયત્રીધામ નજીક નવી બનતી સુંદરમ શિલ્પ નામની બિલ્ડીંગની સાઇટમાં આવેલ લેબર કોલોનીમાં રહેતા તોલુભાઇ હટીલાનો દોઢ વર્ષનો દીકરો વિકાસ ગઇકાલે સાંજે સાઇટ પર રમતો હોય ત્યારે કોઇ અજાણ્યા રીક્ષા ચાલકે તેને હડફેટે લીધો હતો. જેથી વિકાસને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક સીવીલના કે.ટી ચિલ્ડ્રન હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જાયા બાદ રીક્ષા ચાલક ભાગી ગયો હોય ધટના અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં અજાણ્યા શખસ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરવામાં આવી છે. મૃતક બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. તેનો પરિવાર દોઢ વર્ષથી આ સાઇટ પર મજુરી કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે.

ખોખડદળ નદીના પુલ પર અજાણ્યા વાહન ઠોકરે બાઈક ચાલક કાળનો કોળિયો બન્યો

કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે વંશરાજ નગરમાં રહેતા નરેન્દ્રભાઇ વિજયભાઇ ચૌહાણ (ઉ.34) ગઇકાલે બપોરના સમયે પોતાનું બાઇક લઇ કામ સબબ નીકળા હોય ત્યારે કોઠારીયા રીંગ રોડ પર ખોખડદળ નદીના પુલ પર કોઇ કારણસર તેમનો અકસ્માત સર્જાયો હતો. જેના કારણે તેમને ઇજાગ્રસ્ત હાલમાં સારવાર માટે 108માં સીવીલ હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ નરેન્દ્રભાઇને મૃત જાહેર કર્યા હતા. આ અંગે હોસ્પીટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા સ્ટાફે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.