Abtak Media Google News

રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ-9 અને ધોરણ-11ની ખાનગી સ્કૂલો શરૂ કરવા માટે 1 જાન્યુઆરીથી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ બોર્ડે ટ્રસ્ટો પાસેથી નવી શાળા શરૂ કરવા માટેની દરખાસ્તો મંગાવવાની સત્તાવાર જાહેરાત કરી છે. જેમાં ટ્રસ્ટો 1 જાન્યુઆરીથી લઈને 29 ફેબ્રુઆરી સુધી નવી શાળા શરૂ કરવા ઓનલાઈન અરજી કરી શકશે. ઓનલાઈન અરજી સાથે રૂ. 20 હજારની અરજી ફી પણ ઓનલાઈન ભરવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારબાદ આવેલી અરજીઓની ચકાસણી કર્યા બાદ બોર્ડની કારોબારી સમિતિ દ્વારા દરખાસ્ત મંજૂર કે નામંજૂર કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

ઓનલાઈન અરજી સાથે રૂ. 20 હજારની અરજી ફી પણ ઓનલાઈન ભરવા માટે સૂચના અપાઈ

નવા શૈક્ષણિક વર્ષ 2024-25થી કાયમી ધોરણે ગ્રાન્ટ નહીં લેવાની શરતવાળી ખાનગી માધ્યમિક એટલે કે ધોરણ-9 અને ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ-11ની શાળાઓ શરૂ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવાનું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. નવા વર્ષથી શાળાઓ શરૂ કરવા કાયદેસર રીતે નોંધાયેલા ટ્રસ્ટે બોર્ડ સમક્ષ અરજી કરવાની રહેશે. આ માટે 1 જાન્યુઆરી, 2024થી બોર્ડની વેબસાઈટ પર અરજી કરવાની કાર્યવાહી શરૂ કરાશે અને 29 ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે. નવી શાળાની ઓનલાઇન અરજી કરવા માટે જરૂરી આવશ્યક આધારો અંગેની સૂચના ધ્યાનપૂર્વક વાંચી ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અરજી સાથે જરૂરી તમામ આધાર-પુરાવાનું સ્પષ્ટ વાંચી શકાય તે રીતે સ્કેનિંગ કરી ઓનલાઈન બિડાણ તરીકે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. ઓનલાઇન દરખાસ્ત કરવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ ઇ-મેલ પર મળેલા આઇ.ડી અને પાસવર્ડ મારફતે લોગીન કરીને ઓનલાઇન મારફતે રૂ. 20 હજારની અરજી ફી ભરીને ઓનલાઇન દરખાસ્ત માટેની અરજી કરી શકાશે. આ દરખાસ્ત ફી કોઇ પણ સંજોગોમાં પરત મળવાપાત્ર રહેશે નહીં. ઓનલાઇન અરજીના આધારે નવી શાળાની અરજી અંગે બોર્ડનો નિર્ણય શાળામંડળ વતી ઓનલાઇન અરજી કરનાર સંચાલક મંડળને પત્ર દ્વારા જણાવાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.