Abtak Media Google News

૧૮ હજાર ગામડાઓમાં વાંધા અરજી નિકાલની ૯૭ ટકા કામગીરી પૂર્ણ

રાજ્યના ૧.૨૫ કરોડ સર્વે નંબરમાંથી કોઈપણ ખેડૂતનો વાજબી ફરિયાદ-વાંધો મળશે તો ખેડૂતને સંતોષ થાય તે રીતે ઉકેલ લવાશે તેવી ખાતરી મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભામાં ઉચ્ચારી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ જમીન માપણીની કામગીરી સેટેલાઈટ ઈમેજથી કરવાનો જોરદાર વિરોધ કરી સમગ્ર કામગીરી જૂની પદ્ધતિ મુજબ મેન્યુઅલી કરવાની માગ કરી હતી.

વિધાનસભામાં રાજ્યની જમીનોની સેટેલાઈટ દ્વારા રિ-સર્વે-માપણી અંગેનો બિન-સરકારી સંકલ્પ રજૂ કરતાં કોંગ્રેસના ધારાસભ્ય સી.કે.રાઉલજીએ હૈદરાબાદની સીકોન પ્રા.લિ. અને આઈઆઈસી ટેકનો.પ્રા.લિ દ્વારા કરાવવામાં આવેલી જમીન માપણી પાછળ રૂ. ૬૩ કરોડ જેટલી રકમનો ખર્ચ કર્યા પછી પણ આજે રાજ્યના ૧.૨૫ લાખ ખેડૂતોના જમીનના માપ, ક્ષેત્રફળ, આકાર અને નામ સહિત અસંખ્ય ભૂલોને કારણે ગામેગામ ખેડૂતો વચ્ચે હિંસક અથડામણ થવાની દહેશત વ્યક્ત કરી હતી. ઈ-ધરા કેન્દ્રોમાં પણ ૭-૧૨, ૮-અના ઉતારાની નકલોમાં પણ ખેડૂતોના નામમાં અસંખ્ય ભૂલોનો ભોગ નિર્દોષ અને અભણ ખેડૂતો બની રહ્યા છે. કોંગ્રેસના સભ્ય પુંજાભાઈ વંશે ખેડૂતોની જમીનોની વધઘટ અંગેના કારણે દર્શાવાતા નથી. હદ-નિશાન કરવામાં આવતા નથી, પ્રમોલગેશનની કામગીરી બારોબાર ખેડૂતની જાણ બહાર કચેરીમાં કરવામાં આવે છે. સરકારે ખાનગી કંપનીઓને બદલે જાણકાર નિવૃત્ત અને બેરોજગાર યુવાનો થકી આ કામગીરી કરાવવી જોઈએ.

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ કામગીરીને વૈજ્ઞાનિક, અદ્યતન અને ખેડૂતોના હિતમાં હોવાનું જણાવી કહ્યું કે, માપણી ચોક્કસાઈપૂર્વક થવાને કારણે ભવિષ્યમાં જમીનોના ઝઘડા થશે નહીં. રાજ્યના ૧૮ હજાર ગામડાના સવા કરોડ સર્વે નંબરોમાંથી ૯૭ ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, ૭.૪૫ લાખ વાંધા અરજીમાંથી ૬.૮૦ લાખનો નિકાલ કરાયો છે. છતાં વાજબી વાંધા મળશે તો ઉકેલ લાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.