Abtak Media Google News

આવકવેરા વિભાગે ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુ અને તેમના સંબંધીઓ અને મિત્રોનાં 10 સ્થળ દરોડા પાડ્યા છે. જ્યાંથી અધધ ધ 300 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી છે. બે દિવસથી ચાલી રહેલા આ ઓપરેશનમાં પહેલા 200 કરોડ મળ્યા હતા. એમાં વધુ 100 કરોડ રોકડા મળતાં આંકડો 300 કરોડે પહોંચ્યો છે.

આવકવેરા વિભાગના મોટા દરોડા, રોકડ ગણતા બે દિવસ જેટલો સમય લાગ્યો

આ દરોડો બલદેવ સાહુ એન્ડ ગ્રુપ સાથે સંબંધિત છે. નિર્દેશકોના નામમાં અમિત સાહુ, રિતેશ સાહુ અને ઉદય શંકર પ્રસાદનો સમાવેશ થાય છે. શુક્રવારે ત્રીજા દિવસે 6 મોટાં અને 6 નાનાં મશીનોમાંથી જપ્ત કરાયેલાં નાણાની ગણતરી કરવામાં આવી હતી. આ હજુ પણ ચાલુ છે. સ્ટેટ બેંકની બોલાંગીર અને સંબલપુર શાખાઓમાં 300 કરોડ રૂપિયાથી વધુની ગણતરી પૂર્ણ થઈ ગઈ છે તેમજ ટિટલાગઢમાં દારૂનો ધંધો સંભાળતા સંજય સાહુ અને દીપક સાહુના ઘરેથી 8 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. રાઇસ મિલર અને ટ્રાન્સપોર્ટર રાજકિશોર જયસ્વાલના પરિસરમાંથી પણ મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી. આવકવેરા વિભાગના મહાનિર્દેશક સંજય બહાદુરે શુક્રવારે દિલ્હી જતા સમયે ભુવનેશ્વર એરપોર્ટ પર મીડિયાને જણાવ્યું હતું કે રોકડની રકમ એટલી મોટી છે કે એની ગણતરી કરવામાં હજુ બે દિવસ લાગશે.

આ પછી જ આ અંગેની માહિતી સત્તાવાર રીતે આપી શકાશે. બુદ્ધ જિલ્લામાં રાઇસ મિલ અને બૌદ્ધ ડિસ્ટિલરી પ્રાઇવેટ લિમિટેડ પર દરોડા શુક્રવારે મોડી સાંજે સમાપ્ત થયા હતા. અન્ય નવ જગ્યાએ હજુ તપાસની પ્રક્રિયા ચાલુ છે. ઈન્કમટેક્સ વિભાગે બુધવારે દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. દરોડાના પ્રથમ દિવસે 30 કબાટમાં ભરેલી ચલણી નોટો મળી હતી. બીજા દિવસે નોટો ભરેલી અનેક થેલીઓ મળી હતી. લોકર હજુ ખોલવાનાં બાકી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, બલદેવ સાહુ અને ગ્રુપ ઓફ કંપનીઝના બોલાંગીર અને સંબલપુરમાંથી રૂપિયા મળ્યા છે. આ ઉપરાંત રાઇસ મિલર અને ટ્રાન્સપોર્ટર રાજકિશોર જયસ્વાલના પરિસરમાંથી પણ મોટી રકમ જપ્ત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.