એકનો એક દીકરો… આંધળાની લાકડી હતી… રાંકનું રતન હતું…

 

નાગવાળાને વિદાય આપી તે દિવસે સંધ્યા ટાણે ફઈબાએ ઓરડામાં દીવો મૂક્યો … એટલે ધમ્મરવાળાએ બે’નને નજીક બોલાવી કહ્યું:  ‘બોન, જતી વખતે નાગના મનમાં કોઈ પ્રકારની ચિંતા તો નહોતીને?

 

નાગવાળાનું સ્વાગત!

નાગવાળો પત્નીની વાતની ઉપેક્ષા કરીને ચાલ્યો ગયો એથી આલણદેના હૈયા પર ભારે ચોટ લાગી ગઈ.

પરંતુ ઢોલિયે પડેલા વૃદ્ધ પિતાની છાતી ગજ ગજ ઊછળવા માંડી.

એકનો એક દીકરો હતો . . .આંધળાની લાકડી હતી..રાંકનું રતન હતું … આજ સુધી ધમ્મરવાળાએ પુત્રને પળ માટે ય અળગો કર્યો નહોતો. પરંતુ આજ ખભે ખાંપણ ભે2વીને જતા પુત્રને જોઈ વૃદ્ધ પિતાના પ્રાણમાં નવું ચેતન પ્રગટ્યું હતું.

ધમ્મરવાળાની સંભાળનો સઘળો બોજો ફઈબાએ પોતાના મસ્તકે લીધો હતો. બાપુની સેવા – ચાકરી માટે સવલો, કરસન ને અરજણ બાપુની પાસે જ રહેતા હતા.

એ સિવાય, ધમ્મરવાળાના બેચાર વૃદ્ધ સાથીદારો, ગામના શેઠિયાઓ , કામદાર વગેરે બાપુના ઓરડે આવતા જતા અને જીવરામ વૈદે નાગવાળાને ધરપત આપતાં કહ્યું હતું કે :  ‘તમે સાવ નચિંત રહેજો … હું હંમેશ બે વાર બાપુ પાસે જઈશ અને બરાબર ધ્યાન રાખીશ.’

પથારીવશ પિતાને છોડતી વખતે નાગવાળો નિશ્ચિત થઈ શક્યો હતો.

નાગવાળાને વિદાય આપી તે દિવસે સંધ્યા ટાણે ફઈબાએ ઓરડામાં દીવો મૂક્યો … એટલે ધમ્મરવાળાએ બે’નને નજીક બોલાવી કહ્યું :  ‘બોન, જતી વખતે નાગના મનમાં કોઈ પ્રકારની ચિંતા તો નહોતીને ?’

‘ના ભાઈ … પણ વહુનો ચહેરો જોઈને મને એટલું લાગ્યું કે નાગના જવાથી વહુને રાજીપો નથી થીયો.’

‘વહુ તો હજી બાળક છે … પરણીને હાલી આવે છે … મનમાં આશાયું રમતી હોય ને ધણીને આ રીતે મારવા મરવાના મેદાનમાં જાવું પડે એટલે રાજીપો ક્યાંથી થાય ? પણ આપણી જાત્ય માટે ઘરબાર કે

પરિવાર કરતાં માભોમકા ભારે મોટી છે ! તું વહનું મન કોળેલું રીયે એવું કરતી રે’જે !’  ધમ્મરવાળાએ કહ્યું.

ફઈબાએ કહ્યું :  ‘તમારી વાત સાચી છે … વહુની ચિંતા તમે કરશો નઈં … ગમે તેમ તો ય કાઠીની દીકરી છે ને ?’

બરાબર આ વખતે ત્રણચાર સંબંધીઓ આવી પહોંચ્યા એટલે ફઈબા અંદરના બારણે થઈને બીજા ઓરડામાં ચાલ્યાં ગયાં

સવલાએ ઊભા થઈ ચાકળા પાથરી દીધા …

આવનારાઓમાં એક ગામનો શેઠ હતો , એક કાઠી હતો, એક પટેલ હતો ને ચોથો ગામોટ હતો.

ચારે યે રામરામ કર્યા . તબિયતના ખબર અંતર પૂછ્યા ને પછી ચાકળા પર બેસી ગયા.

ધમ્મરવાળાએ ચારે ય સંબંધીઓ સામે પ્રસન્ન નજરે જોઈને હળવું હાસ્ય વેર્યું.

ગામના શેઠે કહ્યું :  ‘મોટા બાપુ, ચારપાંચ દી થીયાં ગામતરે ગીયો’તો . આજ રોંઢા ટાણે આવ્યો ત્યારે ખબર પડ્યા કે નાના બાપુ જેતપર ગીયા છે ! ’

‘હા શેઠિયા … ગીયા વગર ચાલે એવું નો’તું.

‘ પણ બાપુ , અમારી વાણિયાની જાત તમારી ઘોડે ઉતાવળ નોં કરે … આગળ પાછળનું જોઈ જાણીને પછી જ પગલું ભરે !’

‘તમારી વાત સાચી છે … અમે ડાહીના ગાંડા ને તમે ગાંડીના ડાહ્યા . તમારું લોહી ભારે ઠંડું … અમારા લોહીમાં જ કૂદકો મારવાની ટેવ ! હું સમજું છું કે એકના એક દીકરાને મેં કેમ મોકલ્યો એ તમને નવાઈ લાગે છે ! પણ આમાં નવાઈ તો ઈ છે કે મારે પથારીમાં પડ્યા રે’વું પડ્યું … સાદ પડે ને કાઠીનો દીકરો જો ઢોલિયે બેસી રીયે તો એની જનેતા લાજી મરે. પણ શુ કરું ? … મને ઢોલીયે બાંધી રાખ્યો ને મારે નાગવાળાને મોકલવો પડ્યો.’

‘આપની વાત બરાબર છે … પણ નાના બાપુ હજી પરણીને હાલ્યા આવે છે ! અને આ કામ તો …’

વચ્ચે જ ધમ્મરવાળા બોલી ઉઠયા ‘શેઠિયા અમારાં જીવતર જ મરવા મારવાના મેદાન માટે વિધાતાએ ઘડ્યાં હોય છે ! અમને ધન

સાચવતાં કે કેળવીને ખાતાં નોં આવડે ! પણ અમને ધન તો શું … રાજપાટ ને જીવતરને પણ લાત મારતાં જરૂર આવડે !’

શેઠે કહ્યું : ‘બાપુ , આપની વાત સાચી છે..મારું કે’વાનું તો એમ હતું કે ભાઈને ધિંગાણાનો કાંઈ અનુભવ નઈ. વળી, એકનું   એક રતન. પાછા તમે પથારીએ પડ્યા  ને પરાઈ ધરતીના રક્ષણ માટે  જાવાનું…..’

ધમ્મરવાળા આછું હસતાં હસતાં ઢોલિયામાં બેઠા થઈ ગયા અને રૂપના પતરા જેવી દાઢીએ હાથ પસારતાં બોલ્યા :  ‘વાણિયા, રંગ છે તારી જાતને ! જો રાવણ પાસે વાણિયો પરધાન હોત તો રાવણની લંકા જાત નઈં … ! તેં તો શેઠિયા બહુ ઝીણી નજર કરી ! હવે તારી નજરનો જવાબ આપી દઉં . કાઠીના દીકરાને ધાવણમાં જ ધિંગાણાના પાઠ મળી ગીયા હોય. એને અનુભવ લેવા માટે કોઈ પાઠશાળામાં જાવાનું ન હોય ! એકનું એક રતન પણ સાચું . પણ રતન છાતીએ બાંધીને રાખીએ તો એનું તેજ હણાઈ જાય ! વળી, માણહ માથે કાંઈ બે વાર મોત થોડું આવે છે ? અને ધરમ શાસ્તર પણ કીયે છે કે પાંચમની છઠ કરવાની કોઈમાં તાકાત નથી . મારી પથારીની તો મને ય ચિંતા નથી. આપણા ગામને પાદર જો તરકડાંનું ધાડું આવે હું આ પથારી ફંગોળીને સૌથી પે’લો ગામ બા’રો નીકળું . અને શેઠિયા , પોતાની કે પરાઈ ધરતીના ભેદ તો સવારથી બુદ્ધિનાં સોગઠાં છે ! ધરતી માતા તો સહુની જનેતા છે !’

શેઠિયો અવાક્ બનીને ધમ્મરવાળા સામે જોઈ રહ્યો. ધમ્મરવાળાએ કરસન પાસેથી હુક્કાની નેળ લીધી.

ગામના પટેલે કહ્યું :  બાપુ , ભાઈ પાછા ક્યારે પધારશે ?’

‘ પટલ , ઈ તો કીમ કઈ શકાય ? આજ સવારે ગીયો છે. પરમ શિરામણ ટાણે પોંચી જાશે. પછી તો બેગડાનું ધન ક્યારે આવે ને કેટલા દી ધિંગાણું ચાલે ઈ કાંઈ ગણતરી થઈ શકે નંઈ …  ‘ધમ્મરવાળાએ કહ્યું.

ત્યાં બેઠેલો વૃદ્ધ કાઠી બોલી ઊઠ્યો :  ‘અરે , મારો સુરજોનાથ નાના બાપુને હેમખેમ ને વિજયની માળા સાથે અહીં પુગાડી દેશે . મોટા બાપુની તલવારનું સત કોઈ દી ઝાંખું પડ્યું નથી ને નાના બાપુની તલવારના સત માથે સુરજાનાથનાં તેજ ભભકી રીયાં છે !’

આમ વાતો ચાલતી હતી ત્યાં જીવરામ વૈઘ આવ્યા . બાજઠ પર

ચોવડી ધડકી મૂકી ને જીવરા વૈદે એના પર બેસીને ધમ્મરવાળા સામે જોઈને કહ્યું :  ’બાપુ , આમ ઢોલિયામાં ઝાઝી વાર બેસવું નઈ’

ધમ્મરવાળાએ હુક્કાની નેળ સવલીના હાથમાં પકડાવતાં કહ્યું : ‘હજી હમણાં જ જરા તલપ ભાંગવા બેઠો થીયો’તો…’

આ તરફ નાગવાળો પોતાના અઢીસો સાથીદારો સાથે આડ માર્ગ વાજોવાજ જઈ રહ્યો હતો . રોંઢાટાણે સહુએ એક નદી કાંઠે ભાતાં વાપરીને ઘોડાંને થોડો આરામ આપ્યો હતો . આજ આરતીટાણે સનાળે પહોંચીને વિસામો લેવાનો હતો.

કોઈ જાતની રોકટોક વગર સહુ સનાળે પહોંચી ગયા . સનાળાના કાઠી દરબારે આ બધા મે’માનોનું હેતથી સ્વાગત કર્યું. ખીચડીનાં દેગડાં ચડાવવામાં આવ્યાં . ગામની રબારણોએ બાજરાના રોટલા ટીપવા માંડ્યા.

અને સનાળાનો દરબાર પણ પોતાના પચાસ સાથીઓને લઈને નાગવાળા સાથે આવવા તૈયાર થયો. સનાળાના દરબારે એક મહત્ત્વના સમાચાર પણ આપી દીધા કે, ,  આવતા ગુરુવારે મામદ બેગડાનો સીપેસાલાર એમદખાન દોઢ હજાર જેટલા તરકડાઓને લઈને જેતપરને ધમરોળવા નીકળવાનો છે.’

નાગવાળાએ કહ્યું : ‘તો તો એ લોકો મોડામાં મોડા શુકરવારે સાંજના પો’ચી જાય …’

‘હા … પણ મને પાકી બાતમી મળી છે કે ઈ બધા શનિવારે સવારે જેતપરના પાદરમાં આવી પહોંચશે. એના કોઈ નજાુમીએ શનિવારનું મૂરત કાઢી આપ્યું છે.’

તઈં તો ઈ મુરત અધવચ્ચે આપણે જ સાચવી લેવું . આપણે પરમ દી બુધવારે દી ઊગ્યે પોંચી જાશું !’

‘બરાબર છે …’

‘ તઈં એમદખાન જખ મારે છે !’  કહી નાગવાળાએ સનાળાના દરબારનો વાંસો થાબડ્યો.

ત્યાર પછી હર્ષ અને આદરપૂર્વક સહુએ વાળુ કર્યું. ઘોડાઓને પણ ચંદી, નીરણ વગેરેની વ્યવસ્થા કરી અને રાતના પાછલા પા’ેરે સહુ જેતપર તરફ રવાના થયા.

ત્રણસો બે ઘોડાં ને ત્રણસો બે અસવાર ! જે માર્ગથી નીકળે

ઈ માર્ગે ધૂળની ડમ્મર ચડે ને વાટમાં કોઈ મળે તો આભો જ થઇ જાય !

આમ છતાં બધા કાઠીઓ ઘણા સાવધ હતા , વાટે કોઇ તરકડા મળે એવો સંભવ નહોતો …. કારણ કે તરકડાંઓએ હજી આખો કાઠિયાવાડ કબજે કર્યો નહોતો. ગુજરાત ધમરોળાઇ ગયું હતું. પણ કાઠિયાવાડમાં તરકડાંઓના દાંત ખાટા થઈ ચૂક્યા હતા. એક જૂનાગઢનો પ્રદેશ અને થોડો ગીરનો ભાગ કબજે કરવા જતાં તરકડાંઓની આંખો ઓડે આવી ગઈ હતી.

અને કોઈ તરકડો એકલો નીકળતો નહોતો. એને વઢાઈ જવાનો ભય રહેતો. આ ભયના નિવારણ ખાતર મહમદ બેગડાએ સમગ્ર કાઠિયાવાડ કબજે કરવાની યોજના ઘડી હતી . બે ત્રણ નાનાં રજવાડાં મહમદ બેગડાને શરણે થઈ ગયાં હતાં અને મુસલમાન પણ બની ગયાં હતા. પરંતુ કાઠિયાવાડ હાથમાં આવે એમ નહોતું . બેગડાની યોજના ઘણી ચોક્કસ હતી. જો જેતપુરનો ગઢ ભેળાઈ જાય તો ઘણાં રજવાડાંઓ આપોઆપ શરણે થઈ જાય અને મૌલવીઓની ભાવના પણ પાર પડે ! આટલા ખાતર મહમદ બેગડાએ પાકો અંદાજ કાઢીને બે હજાર તુરકોનું સૈન્ય તૈયાર કર્યું હતું અને રણમેદાનમાં જવાંમર્દ ગણાતા એમદખાનને સિપેહસાલાર બનાવી આ કાર્ય તેના હાથમાં સોંપ્યું હતું.

આ વાતની ખબર ચાંપરાજવાળાને પડી ગઈ હતી અને તેણે શરણાગતિના બદલે મરદના મોતે મરવાની તૈયારી કરવા માંડી હતી.

ઉગમણા આભમાં સુરજાનાથની સોનેરી ટશરો ફૂટી ને નાગવાળો ધારેલા સમયે પોતાના સાથીઓ સાથે જેતપરના ગઢના દરવાજા પાસે પહોંચી ગયો.

તરકડાઓ જેતપર ઉપર ત્રાટકવાના છે એ સમાચાર માત્ર જેતપરમાં જ નહીં પણ, આખા કાઠિયાવાડમાં ફેલાઈ ચૂક્યા હતા.

અંદરોઅંદરના નાના નાના મતભેદોને કારણે કેટલાંક રાજ્યોએ પ્રેક્ષક તરીકે રહેવાનું પસંદ કર્યું. કેટલાકે પોતાના ઘરના બચાવ પાછળ મન પરોવ્યું ને કેટલાને એમ પણ થયું કે બળિયા સાથે બાથ ભીડવા જતાં ભીંસાઈને ભુક્કો થઈ જવું પડે ! આમ માનનારાઓ સાવ અલિપ્ત રહ્યા હતા.

જેતપર ગામ નાનું નહોતું . ત્યાં લખપતિ શેઠિયાઓ રહેતા ધીંગા પટેલો રહેતા, ઉત્તમ વેદપાઠીઓ પણ વસતા . આમ, ગામ બધી રીતે સુખી ને સમૃદ્ધ હતું. નવાઈની વાત તો એ હતી કે ગામમાંથી કોઈ જવા તૈયાર નહોતું થતું. તરકડાંઓનો ભય કોઈના કાળાને કચડતો નહોતો. માત્ર કેટલાંક કુટુંબોએ પોતાનાં બાળબચ્ચાં ને સ્ત્રીઓને જુદ઼ે જુદે સ્થળે સગાંવહાલાંઓ કે મિત્રોને ત્યાં મોકલી આપ્યાં હતાં.

અને ગામે પણ નિશ્ચય કર્યો હતો કે ગઢ તોડીને તરકડાંઓ ગામમાં આવે એટલે એક એક ઘર રણમેદાન બની જાય. અને દરેકે એવી પ્રતિજ્ઞા પણ કરી હતી કે ઓછામાં ઓછા એક તરકડાને ભોમાં ભંડારીને પછી જ મોતને ભેટવું.

આમ, ગામમાં અનેરો ઉત્સાહ હતો. ગઢ ઉપર બચાવની સઘળી તૈયારી થઈ ચૂકી હતી . એકાદ વરસ સુધી આખા ગામને અનાજનો તૂટો ન પડે એવી કાળજી પણ રખાઈ હતી.

નાગવાળો ને સનાળા દરબાર આવી પહોંચ્યાના સમાચાર મળતાં જ ચાંપરાજવાળો ડાયરામાંથી ઊભો થઈ ગયો અને પોતાના કેટલાક સાથીઓ સહિત મે’માનોનો આદરસત્કાર કરવા સામો ગયો.

સનાળાના દરબાર ને નાગવાળાનો ઘણા જ ભાવભર્યા હૈયે સત્કાર કરીને ચાંપરાજવાળો બધા કાઠીઓને પોતાના દરબારગઢમાં લઈ આવ્યો.

અરસપરસ કુશળ સમાચાર પુછાષા પછી ચાંપરાજવાળાએ દરેક મહેમાનના નાવણની ને શિરામણની તૈયારી કરવાની રાજનાં માણસોને આજ્ઞા કરી..

નાગવાળાએ કહ્યું :  ‘ચાંપરાજભાઈ, અમે મે’માનગીરી માણવા નથી આવ્યા.’

‘ઈ હું ક્યાં નથી સમજતો ? પણ મને વાવડ મળી ગીયા છે કે એહમદખાન શનિવાર ભળકડે ગઢને ઘેરો ઘાલવાનો છે અને બે દીની મુદત આપીને પછી ગઢને તોડવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે આપણે આપણી નિરાંત શું કામ ગુમાવવી જોઈ!’

‘મારા બાપુએ મને એક યોજના બતાવી છે.’  નાગવાળાએ કહ્યું.

‘કઈ ?’  ચાંપરાજવાળો ને ડાયરાના બીજા માળસો નાગવાળા સામે જોઈ રહ્યા.

નાગવાળાએ કહ્યું :  ‘આપણી પાસે કુલ લડવૈયા કેટલાક છે ?’

‘ધાર્યા લડવૈયા ભેગા થઈ શક્યા નથી. પાંચસો જેટલા સાથીઓ મારા છે ને ચારસો બીજા આવી ગયા છે. તમારા જુદા…’

‘અમારા ત્રણસો .એટલે લગભગ બારસો લડવૈયા થીયા. એહમદખાનનું કટક નાનુંસૂનું નથી. બે હજાર લડવૈયાની વાત તો મેં સાંભળી છે.’

‘ઈ વાત સાચી છે . બે હજાર લડવૈયા ને પાંચસો માણસ બીજું પણ હશે અને વધુ કુમક મોકલવાની પણ તૈયારી રાખી છે . એહમદખાનની ગણતરી એવી છે કે અમદાવાદથી કુમક બોલાવવી નહીં પડે. જૂનાગઢમાં ત્રણેક હજાર સૈનિકો રાખ્યા હોય છે. એમાંથી કદાચ કુમક તૈયાર રાખે.’  ચાંપરાજવાળાએ કહ્યું.

નાગવાળાએ પ્રશ્ન કર્યો :  મુકાબલો કરવાની તમે કઈ યોજના ઘડી છે ?’

‘ જો , ભાઈ નાગ … શુકરવારે સવારે ગઢના ત્રણેય દરવાજા દેવાઈ જાશે ને એક વરહ સુધી દાણાપાણીનો વાંધો આવે એમ નથી. એહમદખાન ભલે ગઢ હાર્યે માથું પછડ્યા કરે અને જે દી ગઢનો દરવાજો તૂટશે તે દી સુરજાનાથની જે’  બોલાવીને આપણે કેસરિયાં કરશું. કાં તો ઈ નઈં ને કાં આપણે નઈં. મોટા બાપુએ કઈ યોજના બતાવી છે ?   ’

‘મોટા ભાઈ , બાપુની યોજના તો કરાફાતની છે. એક પણ તરકડો જેતપરનો ગઢ ન જોઈ શકે એવી યોજના છે.’

‘એમ ?’  આખો ડાયરો ઉલ્લાસભર્યા સ્વરે ગહેકી ઊઠ્યો.

ત્યાં તો નાવણ – શિરામણની તૈયારી થઈ ગયાના સમાચાર આવ્યા.

ચાંપરાજવાળાએ કહ્યું : ‘નાગ, પહેલાં નાવણ શિરામણ કરી લઈ. અને મોટા બાપુને જે યોજના હશે તે મુજબ જ આપણે ચાલશું. નિરાંતે અમને સમજાવજે.

સહુ નાવણ – શિરામણ માટે ઊભા થયા.