Abtak Media Google News

બે-બે વખત અધિકારીઓ ઉપર હુમલાના બનાવો બન્યાં છતા ઉચ્ચ અધિકારીઓ મૌન

છેલ્લા દાયકામાં ખનીજ ચોરો બેફામ બની ખેડૂતો અને અધિકારી સામે જંગે ચડતા અચકાતા નથી

ગધેથડથી નાગવદરની નદીમાં એકપણ લીઝ નહિ હોવા છતા નદી તળીયા ઝાટક: કરોડો રૂપિયાની રેતી ચોરી કરી ભૂમાફીયાઓ આઝાદ બન્યાં

ઉપલેટા પંથકમાંથી પસાર થતી ભાદર વેણું અને મોજ નદીમાંથી છેલ્લા દોઢ દાયકાથી ખનન ચોરીના બનાવો 24 કલાક બની રહ્યા છે. છાશવારે અધિકારીઓ ઉપર ભુમાફીયાઓ હુમલા કરવા સુધી પહોંચી ગયા હોવા છતા ઉચ્ચ અધિકારીઓ મૌન ધારણ કરી શું કહેવા માંગે છે.

વેણું નદી ગધેથર પાસે ગાયત્રી આશ્રમ પાસેથી શરૂ થઇ છેક નિલાખા ગામે આવેલ ભાદર નદીમાં ભળી જતા 30 કિ.મી.ના એરિયામાં ભુમાફીયાઓ દિન દહાડે અન અધિકૃત રીતે ખુલ્લેઆમ રેતી કાઢી કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે. ગધેથર ગામથી નાગવદર ગામ સુધી એકપણ સરકારી ચોંપડે લીઝ ન હોવા છતા આ વિસ્તારમાંથી હાલમાં રેતી વગરની નદી જોવા મળી રહી છે. લીઝ ન હોવા છતા રેતી ગઇ ક્યા તેવો સવાલ જનતામાં ઉઠી રહ્યો છે. આ વિસ્તારમાં રાત્રિના સમયે ખુલ્લેઆમ નદીમાંથી રેતી કાઢી નાગવદર ગામ પાસે આવેલ જુના ગાયત્રી મંદિર તેમજ સ્મશાન પાછળના ભાગે રેતીના સટા કરી ભૂમાફીયાઓ ખુલ્લેઆમ વર્ષે કરોડો રૂપિયા કમાઇ રહ્યા છે.

જ્યારે મોજ નદી અને ભાદર નદીમાં કાઠાના ગામોમાંથી ખુલ્લે આમ રેતી ચોરી થઇ રહી છે. અધિકારીઓ રેડ નાખવા છતા ભુમાફીયાઓ આમીદ બની રહ્યા છે. આ પંથમાં આવેલ વેણું, મોજ અને ભાદર નદીમાંથી દરરોજ 500 કરતા વધુ ડમ્પરો રેતીના ભરાઇ રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના મોટા સિટીમાં જઇ લાખો રૂપિયાના ભાવે રેતી વેંચી ભૂમાફીયાઓ કરોડોમાં આરોળટટા થઇ ગયા છે ત્યારે સ્થાનીક અધિકારી હાથ ટૂંકા પડી રહ્યા છે અને ઉચ્ચ અધિકારીઓ આ બધું દેખતા હોવા છતા મૌન ધારણ કરી છે.

સ્થાનિક અધિકારી ઉપર સતત ભુમાફીયાઓની નજર

ભૂમાફીયાઓ એટલી હદે આમીદ છે કે મામલતદાર જેવા અધિકારીઓની 24 કલાક જાસુસી કરે છે. તેઓ ઓફિસેથી નિકળી ક્યા જઇ રહ્યા છે. તેની સતત પાછળ-પાછળ ભુમાફીયાઓના માણસો પીછો કરી રહ્યા હોય છે.

ભુમાફીયાઓ ઉપર પાસાનું શસ્ત્ર ઉગામવું જોઇએ

આ પંથકમાં ભુમાફીયાઓ એટલા આમીદ થઇ ચુક્યા છે કે છાશવારે અધિકારીઓ અને ખેડૂતો ઉપર હુમલો કરી તેને ધમકાવાના પ્રયાસો કરી જાન લેવા સુધી પહોંચી ગયા છે ત્યારે ઉપર બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ પાસાનું શસ્ત્ર ઉગામી ભુમાફીયાઓની શાન ઠેકાણે લાવવી જોઇએ.

ધોરાજીના ડી.સી. ઉપર પણ જેસીબી ચડાવ્યું હતું

થોડાક વર્ષો પહેલા ધોરાજીના પ્રાંત અધિકારીઓ ઉપર પણ ભુમાફીયાઓએ જેસીબી ચડાવી જાન લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં પણ તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં ન આવતા ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે.

અગાઉ પણ મામલતદાર ઉપર હુમલાની ઘટના બની’તી

એકાદ વર્ષ પહેલા પોરબંદર રોડ ઉપર આવેલ કવિરાજ હોટલ પાસે ભુમાફીયાઓ એક સંપ થઇ મામલતદાર મહાવદિયા અને ટીમ ઉપર હુમલો થયાની ઘટના બની હતી. ત્યારે પણ ઉચ્ચ અધિકારી મૌન ધારણ કરી લીધું હતું.

મામલતદાર અને તેમની ટીમ ઉપર હુમલો કરનાર ચારેય શખ્સો જેલ હવાલે

Screenshot 4 31

તાજેતરમાં મામલતદાર મહેશ ધનવાણી અને તેમની ટીમ ઉપર નાગવદર ગામ પાસે તપાસમાં ગયા ત્યારે નાગવદર ગામના સંજય ભૂપતભાઇ ભીંટ, ભિમા મશરીભાઇ ભીંટ, સાગર જેસાભાઇ ભિંટ અને પરેશ અરજણભાઇ ભિંટ સહિતના શખ્સોએ મામલતદારની ટીમના કપડા પકડી મારામારી ઉપર ઉતરી આવતા મામલતદાર તમામ સામે ફરજમાં રૂકાવટની ફરીયાદ કરતા પોલીસે તમામ શખ્સોને પકડી બે દિવસના રિમાન્ડ પર લઇ પુછપરછ કરી હતી. ગઇકાલે રિમાન્ડ પુરા થતા તમામ ચારેય શખ્સોને જેલ હવાલે કરાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.