‘આક્ષેપ’ માનવતાની નબળાઇ કે સબળાઇ..?

માનવસભ્ય સંસ્કૃતિ અને માનવગત સ્વભાવની મૂળભૂત લાક્ષણિકતામાં મનના ભાવની અભિવ્યક્તિ, વિચારોનું આચરણ અને સંબંધોમાં સંતુલનના ભાવ રાખવાના કુદરતના ઉપકારક ગુણોથી માનવી સમગ્ર સૃષ્ટિમાં સર્વશ્રેષ્ઠ પૂરવાર થઇ રહ્યો છે. માનવી ગુણ અને અવગુણના મિશ્ર સ્વભાવનો સ્વામી છે ત્યારે કુદરતી કર્મનો સિદ્વાંત જોવા જઇએ તો પ્રકૃતિમાં કોઇ એવી વસ્તુ નથી કે જે બિનઉપયોગી હોય. દરેક સર્જન પાછળ કંઇકને કંઇક હેતૂ અને સિદ્વી છૂપાયેલી હોય છે. હા, તેનો ઉપયોગ  અને બિનઉપયોગી ધોરણથી તે વસ્તુનું મહત્વ અંકાતુ હોય છે.

માનવ સ્વભાવમાં પણ મનના ભાવ એ કુદરતની દેણગી ગણીએ તો સારા અને ખરાબ બંને ભાવ જો કુદરતના અપાયેલાં ગુણો ગણીએ તો માનવ જાતની એક એવી વૃતિ છે કે જે ગુણ અને અવગુણની ભેદરેખાથી પર છે. માનવના આ ગુણને ‘આક્ષેપ’ કહેવામાં આવે છે.

માનવ જાત સામાજીક વ્યવસ્થા સાથે આક્ષેપની આ વૃતિ એવી રીતે જોડાઇ ગઇ છે કે આક્ષેપએ માનવ માટે આશિર્વાદ ગણવો કે અભિષાપ તે નક્કી કરવું બુદ્વિને દાદ માંગતો વિષય બની રહ્યો છે. અન્ય પર આક્ષેપ લગાવીને જવાબદારીની સાથેસાથે મનના ભાર અને ભાવને અન્યત્ર વાળી શકાય છે. દરેક બાબતમાં આક્ષેપ વૃતિથી કોઇપણ પરિબળ કે પરિમાણમાં પોતીકાં અને પારકાંનું વિભાજન થઇ જાય છે. બીજા શબ્દમાં કહીએ તો આક્ષેપ થાય તો જ વ્યક્તિ, વ્યક્તિત્વ અને પરિસ્થિતિમાં અરિસો સાફ થઇ જાય છે. માનવી માટે આક્ષેપ કરવાનું પરિપેક્ષ્ય, હરિફ, સમાજ કે દુનિયા પૂરતું સિમિત રહ્યું નથી. જીંદગીમાં ધાર્યુ ન થાય તો માણસ આક્ષેપ કરવામાં કુદરતને પણ બક્ષતો નથી.

આક્ષેપ કરવાની વૃતિ માણસની નબળાઇમાં વધુ ખીલે છે એવું નથી. નિષ્ફળતા અને નુકશાની અને વિનાશકતા સાથે જ આક્ષેપ જોડાયેલ છે તેવું નથી. જ્યાં જ્યાં સફળતા, સિદ્વિ અને કંઇક વિશિષ્ટ પ્રવૃતિ સર્જન કે પરિણામ મળ્યાં હોય ત્યાં પણ આક્ષેપની જગ્યા તો અનામત જ રહેશે. આક્ષેપ કરવા માટે કોઇ પૂરવાઓની જરૂર રહેતી નથી પણ થયેલા આક્ષેપો સાચાં ખોટા પૂરવાર કરવા માટે જે પૂરાવાઓનો ઉપયોગ થાય છે તેનાથી પરિસ્થિતિ, વ્યક્તિત્વ અને સમગ્ર વ્યવસ્થા હોય છે તેના કરતાં પણ વધુ સ્પષ્ટ થઇ જાય છે. આક્ષેપને સત્ય ઉજાગર કરવાની ચાવી પણ બનાવી શકાય અને સત્ય પર લિપણ-પુછણ કરવાના પ્રયાસ તરીકે પણ આક્ષેપનો ઉપયોગ કરવામાં આવે છે.

આક્ષેપ ભલેની લીટી ટૂંકી કરવા માટે હાજરા-હજુર હથિયાર તરીકે અને સામાવાળાએ કરેલા સતકાર્ય પર એક જ ઝટકે પાણીઢોર કરવા માટે વાપરવામાં આવતો હોય પરંતુ આક્ષેપ સામે અડી જનાર અને આક્ષેપને પડકાર સમજી સ્વિકાર કરી લેનારને આક્ષેપથી જે ફાયદો થાય છે તે જેને થયો હોય એને જ કદર હોય. માનવ સમાજ માટે આક્ષેપ દેખીતી રીતે વ્યક્તિગત નબળાઇ ગણાય પણ આક્ષેપને પડકાર સમજી જજૂમનાર વ્યક્તિ માટે આ જ આક્ષેપનું પરિવર્તન શક્તિશાળી બનવા નિમિત બને છે. દુનિયાની ઘણી એવી ઘટનાઓ અને સર્જાયેલા ઇતિહાસ પાછળ આક્ષેપ અને તેની પ્રતિક્રિયાથી સર્જાયેલી ક્રાંતિએ ઇતિહાસ સર્જી દીધો છે.

આક્ષેપ કરવાની વૃતિ મનુષ્યજાતની જન્મજાત વૃતિ છે. કુદરતે આપેલાં તમામ ગુણ-અવગુણ અસ્થાને ન હોય તેમ ભલે આક્ષેપ કરવાની વૃતિને માણસ જાત માટે અપલખણ ગણવામાં આવ્યો હોય પરંતુ આ આક્ષેપને પડકાર સમજી સામના કરનારને જે સિદ્વિ મળે છે તે થયેલાં આક્ષેપના કારણે જ મળેલી કૃપા બની રહે છે. આમ આક્ષેપ મનુષ્ય માટે નબળાઇ નહીં પણ સબળ બનવાનું નિમિત બને છે.