Abtak Media Google News

અમદાવાદ શહેરમાં સરોગસીથી જન્મેલી બાળકીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં 48 કલાક પહેલા સરોગસીથી જન્મેલી બાળકીની કસ્ટડી મેળવવા માટે જૈવિક માતા પિતાએ ગુજરાત હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ અરજી કરી છે.

આ મામલે ચીફ જસ્ટીસ અરવિંદકુમારની વડપણ હેઠળની બેંચે અરજન્ટ સુનાવણીની મંજૂરી આપી છે. તેની સાથે સાથે હાઈકોર્ટે બાળકીની કસ્ટડી સોંપવા બાબતે એફિડેવિટ કરી વલણ સ્પષ્ટ કરવા નિર્દેશ આપ્યા છે. બાયોલોજિકલ માતા પોતાની બાળકીની કસ્ટડી જેનેટિક પિતાને સોંપવા માટે તૈયાર છે, પરંતુ પોલીસ બાળકીની કસ્ટડી સોંપવાથી રોકી રહી હોવાની ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.જે બાદ કોર્ટે સરકારપક્ષ અને ગોમતીપુર પોલીસ સામે નોટિસ ઇસ્યુ કરી છે. આ સાથે પોલીસને સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ કર્યો છે. આ જેવિક માતાપિતા મૂળ રાજસ્થાન અજમેરના વતની છે.

અરજદાર પોતે રાજસ્થાનમાંથી આવે છે અને પરિણીત છે. પરંતુ સંતાન ન હોવાથી સંતાન પ્રાપ્તિની ઈચ્છા માટે સેરોગસીનો સહારો લીધો હતો. જેને પગલે તેઓ સારવાર માટે સપ્ટેમ્બર 2021માં અમદાવાદ આવ્યા હતા. આ પેચીદા કિસ્સામાં અરજદાર એવા જેનેટિક પિતાએ એક વર્ષ અગાઉ સરોગેસીના માધ્યમથી સંતાન પ્રાપ્તિ માટે એક મહિલાના સંપર્કમાં આવ્યા હતા.ત્યાર બાદ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ સરોગેસી માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. આ દરમિયાન માતા બનેલી મહિલા સામે જુવેનાઈલ એક્ટ મુજબ ફેબ્રુઆરી 2022માં અમદાવાદના ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મહિલા સામે ફરિયાદ થઇ હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી. આ પોલીસ ફરિયાદમાં મહિલા પર બાળકને કિડનેપ કરવાનો આરોપ લાગ્યો હતો. જે બાદ મહિલાને જેલમાં રાખવામાં આવી હતી. આ દરમિયાન આ મહિલાએ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો.

આરોપી મહિલાએ બે દિવસ પહેલા જ અસારવા સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. હજી પણ ગોમતીપુર પોલીસ બાળકીની કસ્ટડી અરજદાર માતાપિતાને આપવા દેતી નથી. સરોગેટ મહિલા પણ બાળકને અરજદારને આપવા તૈયાર છે. આ મામલે હવે સરોગેટ મધરને ડિસ્ચાર્જ કરાશે તો તેને ફરીથી જેલમાં જવું પડશે. તેની સાથે નવજાત બાળકીને પણ જેલમાં જ જવુ પડે.

આ અંગે અરજદારના વકીલ પૂનમ મહેતાએ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, સરોગેસી કરાર દરમિયાન બાળકીના જન્મ બાદ તરત જ તેની કસ્ટડી પિતાને સોંપવા માટેની શરત મૂકી હતી. જેથી જો માતાને કસ્ટડી સોંપાય અને તેને જેલમાં મોકલાશે. તો આ સ્થિતિમાં શા માટે નવજાત બાળકી કોઇપણ ગુના વગર સજા ભોગવવા જેલમાં જાય? આ અંગે ગુજરાત હાઇકોર્ટે અમદાવાદ સેન્ટ્રલ જેલ પ્રશાસનને અરજન્ટ નોટિસ ઇશ્યુ કરી છે. આ સાથે માતા તેની દીકરીની કસ્ટડી સોંપવા માટે તૈયાર છે તે અંગેનું સોગંદનામું રજૂ કરવા માટે પણ નિર્દેશ આપ્યા છે. અરજદાર પોતે રાજસ્થાનમાંથી આવે છે અને પરિણીત છે. કોર્ટે ગોમતીપુર પોલીસને પણ સોગંદનામું રજૂ કરીને જવાબ આપવા કહ્યું છે.

શું છે સરોગસીનો કાયદો

સરોગસી રેગ્યુલેશન એક્ટ 2021 મુજબ, એક મહિલા જેની ઉંમર 35થી 45 વર્ષ છે. આ મહિલા વિધવા અથવા છૂટાછેડા લીધેલી છે ત્યારે જ સરોગસી માટે સંમતિ આપી શકે છે. કાયદેસર રીતે પરણેલા યુગલો માટે સરોગેટ માતા બની શકે છે. જે લોકો મેડિકલ કન્ડિશનને કારણે બાળક નથી કરી શકતા, તે લોકો જ સરોગસી કરાવી શકે છે.

કેન્દ્ર સરકારે 2021ના કાયદામાં કોમર્શિયલ સરોગસી પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જેથી કૂખ ભાડે આપવાનો ધંધો બંધ કરી શકાય. સરોગસીમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી હતી કે જે મહિલા સરોગેટ બનશે તે કપલમાંથી કોઈ એક સાથેની સંબંધી હશે. આ કામ મદદ માટે કરવામાં આવશે, સરોગસી માટે પૈસાની આપલે કરવામાં આવશે નહીં. જો કોઈપણ વ્યક્તિ આમ કરે છે તો તેને 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીના દંડની સજા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.