Abtak Media Google News

ડીએમકેમાં સર્વોપરીતા સાબીત કરવા કરૂણાનીધિના બન્ને પુત્રો સામ-સામે અલગીરી અને સ્ટાલીન વચ્ચે પિતાના સમર્થકો અંકે કરવા જંગ

ડીએમકેના વડા કરૂણનીધીના નિધન બાદ હવે તેમના સામ્રાજયમાં તિરાડો પડવા લાગી છે. કરૂણનીધીના પુત્ર અલગીરી અને સ્ટાલીન વચ્ચે ડીએમકેમાં સર્વોપરીતા સપવા માટે મહાભારત થશે તે નિશ્ચીત છે. હાલ ડીએમકેમાં ફરીથી સમાવવામાં નહીં આવે તો માઠા પરિણામો આવશે તેવું અલગીરી અડકતરી રીતે કહી ચૂકયા છે.

અહીં ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪માં સર્વોપરીતા સપવાની માથાકૂટમાં કરૂણનીધીએ તેના પુત્ર અલગીરી અને તેમના ટેકેદારોને ડીએમકેમાંથી હટાવી દીધા હતા. કરૂણનીધીના બન્ને પુત્રો વચ્ચે અવાર-નવાર તકરારોના કારણે પક્ષને નુકશાન થયું હતું. હવે કરૂણનીધીના નિધન બાદ ડીએમકેનો કાર્યભાર સ્ટાલીન સંભાળી રહ્યાં છે.

અલગીરીએ સ્ટાલીન ઉપર પક્ષના હોદ્દાઓ વેંચવાનો આરોપ મુકયો છે. ડીએમકેમાં અલગીરીના પ્રવેશને રોકવા માટે સ્ટાલીન અને તેના ટેકેદારો તમામ પ્રકારના ષડયંત્રો રચતા હોવાનો આક્ષેપ પણ થયો છે. અલગીરીએ દાવો કર્યો છે કે, કરૂણનીધીના વફાદાર ટેકેદારોનો તેને સાથ મળી રહ્યો છે. તેમણે કહ્યું છે કે, જો ડીએમકે મને ફરીથી પક્ષમાં નહીં સમાવે તો તે પોતાની જ કબર ખોદી કાઢશે.

તામિલનાડુનું રાજકારણ વર્ષોથી ગરમા ગરમ રહ્યું છે. પરિવારવાદની દરેક સીમા તામિલનાડુના સ્થાનીક પક્ષોમાં વટાવી દેવાઈ છે. જેવી રીતે જયલલીતાના અવસાન બાદ અન્ના ડીએમકેમાં ફાડા પડયા હતા અને વિવાદો સર્જાયા હતા તેવી જ રીતે કરૂણનીધીના નિધન બાદ તેના પુત્રોમાં સર્વોપરીતા સાબીત કરવા મોટાપાયે ધમાસાણ થશે તે નિશ્ચીત જણાય રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.