ગુજરાતમાં કોંગ્રેસની હાર થતાં વિદ્રોહના લબકારા લાગ્યાં !!

કોંગ્રેસમાં આંતરિક સંઘર્ષ વધ્યો, જી-૨૩ ગ્રુપના નેતાઓ ગાંધી પરિવાર વિના દેશભરમાં બેઠકો યોજી આપશે સંદેશ

રાહુલ ગાંધી જ્યારે  તમિલનાડુ હશે ત્યારે કોંગ્રેસના ૨૩ નેતાઓ જમ્મુમાં હશે

રાહુલ ગાંધીના ઉત્તર અને દક્ષિણ ભારતના નિવેદન પછી વિરોધ વધ્યો

રાજ્યની ટૂંક સમય અગાઉ યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો ૬ મહાનગરોમાં લહેરાયો હતો જ્યારે કોંગ્રેસ રાજકોટ જેવા શહેરોમાં ડબલ ડિજિટ સુધી પણ પહોંચી શક્યું ન હતું. કોંગ્રેસના ચિહ્ન પર ચૂંટણી જંગ લડતા મોટાભાગના ઉમેદવારોને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેના પરિણામે રાજકોટ જેવા શહેરના કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધરી દીધું હતું અને ગુજરાત પ્રદેશ પ્રમુખના રાજીનામાં સહિતની વાતો પણ પ્રકાશમાં આવી. કોંગ્રેસની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરાજય અને આમ આદમી પાર્ટીનો ઉદય ક્યાંક કોંગ્રેસને હાસ્યામાં ધકેલી રહ્યું છે ત્યારે કોંગ્રેસમાં આગામી સમયમાં વધુ વિગ્રહ પ્રકાશમાં આવે તો નવાઈ નહીં.

રાહુલ ગાંધીએ તાજેતરમાં ઉત્તર-દક્ષિણ ભારતની રાજનીતિને લઈને જે નિવેદન કર્યું હતું તેની પર તેમની જ કોંગ્રેસ પાર્ટીની અંદરથી અવાજો ઉઠવા પામી છે. પાર્ટીના ઉત્તર ભારતના કેટલાક વરિષ્ઠ નેતાઓ પણ આનાથી નારાજ છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસના અધ્યક્ષ પદ માટે ભૂતકાળમાં બળવો અપનાવતા સોનિયા ગાંધીને પત્ર લખી ચૂકેલા આ ૨૩ નેતાઓ શનિવારે જમ્મુમાં પાર્ટીના નેતૃત્વ અને ગાંધી પરિવારને જોરદાર સંદેશ આપી શકે છે.

કોંગ્રેસના એક નતાએ નામ ન આપવાની શરતે કહ્યું છે કે, રાહુલ ગાંધી માટે આ એક સંદેશ છે, અમે દેશને કહીશું કે ઉત્તર અને દક્ષિણ ભારત એક છે. કોંગ્રેસના અન્ય વરિષ્ઠ નેતાએ કહ્યું કે, આજે કોંગ્રેસમાં જે થઈ રહ્યું છે તે ગયા વર્ષે ડિસેમ્બરમાં કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં થયેલા કરારનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. તેમણે કહ્યું હતું કે, હજી સુધી કોઈ સુધારણા અથવા ચૂંટણીઓ જોવા મળી નથી.

ગુલામ નબી આઝાદને ઉચિત માન-સન્માન નહીં મળતા નેતાઓમાં અસંતોષનો માહોલ

સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના નેતાઓ પણ પાર્ટીના વર્તનથી દુ:ખી છે જેમ કે, ગુલામ નબી આઝાદ સાથે થયું હતું. ગુલામ નબી આઝાદ તાજેતરમાં રાજ્યસભામાંથી નિવૃત્ત થયા છે. એક નેતાએ કહ્યું કે, જ્યારે અન્ય પક્ષો આઝાદને બેઠક આપવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે વડા પ્રધાને તેમના વિશે ઘણી સારી વાતો કહી હતી, ત્યારે અમારી પાર્ટીએ તેમના પ્રત્યે કોઈ માન બતાવ્યું નહીં. રોબર્ટ વાડ્રાના કેસ લડતા વકીલને પણ રાજ્યસભામાં લાવવામાં આવ્યા હતા.

રાહુલ ગાંધી જશે તમિલનાડુના પ્રવાસે જ્યારે જી-૨૩ ગ્રુપના નેતાઓ ખેડશે દેશભરનો પ્રવાસ

મહત્વનું છે કે રાહુલ ગાંધી શનિવારે ચૂંટણીલક્ષી રાજ્ય તમિલનાડુની મુલાકાતે જશે. સૂત્રોઅ અનુસાર આ સમય દરમિયાન કોંગ્રેસના આ ૨૩ નેતાઓ જમ્મુમાં પોતાની શક્તિ પ્રદર્શન કરશે. જમ્મુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્મા, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિંદર સિંઘ, કપિલ સિબ્બલ, રાજ બબ્બર, વિવેક ટંખા અને ગુલામ નબી આઝાદ એક સંબોધનને સંબોધન કરશે. મનીષ તિવારી પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાની સંભાવના છે. જ્યારે બીજી બાજુ જી-૨૩ ગ્રુપના નેતાઓ દેશભરમાં ગાંધી પરિવારના સભ્યો વિના જ પ્રવાસ ખેડીને ઉત્તર અને દક્ષીણ ભારત એક જ હોવાનો સંદેશ આપશે જેને જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે, હવે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને વિગ્રહમાં વધારો થશે.