Abtak Media Google News
  • સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સહિત જુદા જુદા વિસ્તારોમાં સરકાર રૂ.૨૦,૦૦૦ કરોડના ખર્ચે વીજ લાઇનો ભૂગર્ભ કરવા સહિતની કામગીરી કરી રહી છે

રાજ્ય સરકાર ૨૦૨૪-૨૫માં તમામ પરંપરાગત સ્ત્રોતની સરખામણીએ સસ્તી પડતી બિન પરંપરાગત સ્ત્રોતમાંથી ૯,૫૦૦ મેગાવોટ વીજળી ખરીદવા કરાર કરનાર છે, તેમ ઊર્જામંત્રી કનુભાઇ પટેલે વિધાનસભામાં જાહેર કર્યું હતું.ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જાણવા માગ્યું કે, સરકારના પોતાના વીજ મથકોની ક્ષમતા ખાનગી ત્રણેય એકમો કરતાં વધારે હોવા છતાં શા માટે ખાનગી એકમો પાસેથી વીજળી ખરીદાય છે? ૨૦૨૧થી ૨૦૨૩ દરમિયાન રૂ.૩૯,૫૭૯ કરોડની રકમ ખાનગી એકમોને ફિક્સ કોસ્ટ પેટે ચૂકવાઇ છે ત્યારે સરકાર પોતાના એકમો પાસેથી શા માટે વીજળી ખરીદતી નથી. તેના ઉત્તરમાં ઊર્જામંત્રીએ કહ્યું કે, સરકારી એકમો જૂના છે.

સરકાર પોતે વીજ મથક ઊભું કરવા માગે તો થર્મલ એકમ માટે પ્રતિ મેગાવોટ દીઠ રૂ.૪થી ૮ કરોડનો ખર્ચ થાય અને ૪થી ૫ વર્ષે એકમ ઊભુ થાય. આની સામે ખાનગી એકમો અદ્યતન છે અને એની પાસેથી વીજળી ખરીદવાની કામગીરી કેન્દ્રીય વીજ નિયમન પંચ અને ગુજરાત વીજ નિયમન પંચના આદેશો મુજબ જાહેર મેરિટ ઓર્ડર પ્રમાણે ખરીદાય છે. હાલ જે પ્રશ્નો વારંવાર પૂછાય છે એની પાછળના રશિયા યુક્રેન વોર અને ઇન્ડોનેશિયાની નીતિના કારણ અગાઉ કહી દીધા છે. આ સિવાય ફિક્સ કોસ્ટની ચૂકવણી જે તે ખાનગી એકમ કે સરકારી એકમ પાસેથી વર્ષમાં સતત ૮૫ ટકાથી વધુ એકમ ચાલુ હોય અને વીજળી આપે એને ચૂકવાય છે.

૭૫ ટકાથી નીચે પ્લાન્ટ ચાલે તો પેનલ્ટી વસૂલાય છે.અન્ય એક પૂરક પ્રશ્નના ઉત્તરમાં ફિક્સ કોસ્ટ અને ફ્યુઅલ એડજસ્ટમેન્ટ કોસ્ટની ગણતરીની પ્રાથમિક વિગતો પણ તેમણે આપીને કહ્યું કે,આપણે ટાટા, એસ્સાર અને અદાણી પાસેથી હવે ૫થી ૮ ટકા જ વીજળી ખરીદીએ છીએ. બીજી તરફ રાજ્યમાં પવન, સૌર ઊર્જામાંથી આપણને ૨૦૨૩માં ૨.૮૯ પ્રતિ યુનિટના દરે ૧૦,૦૦૦ મેગાવોટ ખરીદી છે. કોંગ્રેસના સભ્ય અર્જુન મોઢવાડિયાના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારો સહિત જુદા જુદા વિસ્તારોમાં સરકાર રૂ.૨૦,૦૦૦ કરોડના ખર્ચે વીજ લાઇનો ભૂગર્ભ કરવા સહિતની કામગીરી કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.