Abtak Media Google News

વરસાદ ખેંચાતા હવે મોલાતને બચાવવા સિંચાઇ માટે વધુ વીજળી અપાશે

જૂલાઇ માસમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવ્યું હતું. ઓગસ્ટ મહિનો કોરોધ્રાકોડ ગયો છે. 125 વર્ષના ઇતિહાસમાં ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. હવે મોલાત મૂરજાવા માંડી છે ત્યારે ગુજરાત સરકાર ખેડૂતોને વ્હારે આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છના સાત સહિત રાજ્યના 14 જિલ્લાઓમાં ખેડૂતોને હવે સિંચાઇ માટે બે કલાક વધુ વિજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.

છેલ્લા એક મહિનાથી રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જેના કારણે હવે ખેતરોમાં ઉભા પાકને બચાવવા ખેડૂતો સિંચાઇ કરવા માંડ્યા છે. દરમિયાન ગઇકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય સરકારના મંત્રી મંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં રાજ્યના 14 જિલ્લા આઠના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલવારી ખૂબ જ ઝડપથી કરવા પણ તાકીદ કરાય છે.

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લા ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં ખેડૂતોને 2 કલાક વધુ વિજળી આપવામાં આવશે. જેનાથી 14 જિલ્લાના 12 લાખથી વધુ ખેડૂતોને સિંચાઇ માટે બે કલાક વધુ વીજળી મળશે. દરમિયાન સરદાર સરોવર ડેમ પણ 80 ટકાથી વધુ ભરાય ગયો હોય સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખેડૂતોને જરૂરિયાત મુજબ નર્મદાનું પાણી સિંચાઇ માટે આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.