Abtak Media Google News
  • સરપદડથી ખોડાપીપરના આરોગ્ય કેન્દ્ર સુધી 3 કિલો દવા પહોચાડવામાં આવી, હવે આવતીકાલે ફરી એક વખત ટ્રાયલ લેવાશે
  • હવે છેવાડાના ગામડાઓમાં દવાના અભાવે કોઈ જાનહાની નહિ થાય, ડ્રોન મિનિટોમાં દવા પહોંચાડવા સક્ષમ

સૌરાષ્ટ્રમાં આરોગ્ય ક્ષેત્રે એઇમ્સ ક્રાંતિ સર્જવાની છે. હવે થોડા જ દિવસોમાં એઇમ્સ સંપૂર્ણ રીતે કાર્યરત થવાની છે. જો કે આ ઉપરાંત એઇમ્સ દ્વારા ડ્રોનથી દવા પહોચાડવાની સેવા પણ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક વિશાળ જગ્યામાં એઇમ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં છેલ્લા ઘણા સમયથી ઓપીડી સેવા ધમધમી રહી છે. હવે થોડા દિવસોમાં આઈપીડી સેવા સાથે એઇમ્સ સંપૂર્ણ રીતે કાર્યરત થઈ જવાની છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એઈમ્સનું લોકાર્પણ કરવામાં આવે તે નિશ્ચિત છે.  આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયની રાહ જોવામાં આવી રહી છે. હાલ એઇમ્સ આઈપીડી સેવા માટે સજ બની ગયું છે. અહીં કરોડો રૂપિયાની મોંઘીદાટ અધ્યતન મશીનરીઓ પણ સજ્જ છે. આ ઉપરાંત નિષ્ણાંત તબીબોની આખી ફોજ અહીં તૈનાત કરવામાં આવી છે.

આ ઉપરાંત મળતી માહિતી અનુસાર એઇમ્સ દ્વારા મહત્વની એવી ડ્રોનથી દવાની ડીલીવરી કરવાની સર્વિસ પણ શરૂ કરવામાં આવનાર છે. હાલ હાઇવે તેમજ અન્ય રોડ ઉપર સતત ટ્રાફિક રહેતો હોય દવાને ઇમર્જન્સીમાં પહોંચાડવું કપરૂ બની જતું હોય છે.ત્યારે એઇમ્સ દ્વારા ડ્રોન મારફત દવાની ડીલીવરી કરવાની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે.

આ સંદર્ભે એઇમ્સ તેમજ અન્ય વિભાગોના સહયોગથી ગઈકાલના રોજ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પડધરી તાલુકાના સરપદડ આરોગ્ય કેન્દ્ર ખાતેથી ત્રણ કિલો દવાને ડ્રોન મારફત ખોડાપીપર ગામમાં આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવી હતી. આ ટ્રાયલ સફળ નિવડતા અધિકારીઓએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા  બીજી તરફ સૂત્રોના જણાવ્યા મુજબ હવે આવતીકાલે ફરી ટ્રાયલ ગોઠવવામાં આવ્યું છે.

ડ્રોનથી દવાની ડીલીવરી સૌરાષ્ટ્રમાં સૌપ્રથમવાર એઇમ્સ દ્વારા શરૂ કરવામાં આવનાર છે. વધુમાં આ ડ્રોન પાંચ કિલો દવા લઈને ઉડી શકે છે. પ્રથમ ટ્રાયલમાં ત્રણ કિલો દવા પહોંચાડવામાં આવી હતી. જ્યારે બીજા ટ્રાયલમાં વધુ દવાનો જથ્થો પહોંચાડવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટની એઇમ્સ હોસ્પીટલમાં નવા ચાર ઓપરેશન થિયેટર બનીને તૈયાર થઈ ગયા છે. આ હોસ્પીટલમાં 250 દર્દીને દાખલ કરી શકાશે. કહેવાઇ રહ્યું છે કે, આનું ઉદઘાટન પીએમ મોદીના હસ્તે બહુ જલદી કરવામાં આવી શકે છે. વડપ્રધાન નરેન્દ્ર મોદીને સમય મળે ત્યારે ટૂંક સમયમાં આનું ઉદઘાટન કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટ વાસીઓને વધુ એક બીજી પણ મોટી ભેટ મળશે. જનાના હોસ્પીટલનું પણ એઇમ્સ હોસ્પીટલની સાથે લોકાર્પણ કરવા માટે તંત્રની વિચારણા ચાલુ છે. નજીવા દરે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ એઇમ્સમાં સારવાર લઈ શકશે. ગંભીર પ્રકારના રોગો અને ઓપરેશન માટે થોડા દિવસ બાદ સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ સુધી નહીં જવું પડે. ખાસ વાત એ છે કે, આમાં 25 રૂપિયા દાખલ ચાર્જ છે અને એક દિવસનું બેડનું ભાડું ફક્ત રૂપિયા 35 રાખવામાં આવ્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.