Abtak Media Google News

એર ઇન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો સોદો કરવામાં આવ્યો છે. ટાટા ગ્રુપ દ્વારા વિશ્વના સૌથી મોટા ઉડ્ડયન સોદામાં એરબસ પાસેથી 250 વિમાન ખરીદશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે મંગળવારે જણાવ્યું હતું કે એર ઇન્ડિયા એરબસ પાસેથી 40 વાઇડબોડી એરક્રાફ્ટ, 210 નેરો બોડી એરક્રાફ્ટ સહીત 250 એરક્રાફ્ટ હસ્તગત કરશે. લાંબા અંતરની હવાઈ મુસાફરી માટે વાઈડ બોડી એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવશે.

એર ઈન્ડિયા તેના સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ નેટવર્કને મજબૂત કરવા માટે એરક્રાફ્ટના મજબૂત કાફલાની શોધમાં હતી. ટાટા ગ્રુપે ગયા વર્ષે જાન્યુઆરીમાં એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી અને ટાટાએ એરક્રાફ્ટના અધિગ્રહણ માટે એરબસ સાથે કરાર કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન પણ વર્ચ્યુઅલ ઇવેન્ટનો ભાગ હતા.

પીએમ મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન પણ હાજર હતા

એર ઇન્ડિયા એ ફ્રાન્સના એર બસ પાસેથી અઢીસો પ્લેન ખરીદવા માટે કરાર કર્યા હતા ત્યારે એ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને આ વર્ચ્યુઅલ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ તેને એક ઐતિહાસિક ઘટના ગણાવી અને કહ્યું કે તે માત્ર ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધોને જ પ્રતિબિંબિત કરતું નથી, પરંતુ ભારતના ઉડ્ડયન ક્ષેત્રની સફળતા પણ દર્શાવે છે.

પીએમ મોદીએ આ ઇવેન્ટમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, “રોકાણકારોને ઉડ્ડયન ઉદ્યોગમાં ભારત દ્વારા આપવામાં આવેલી તકોનો લાભ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે ‘ભારત MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓપરેશન)નું હબ બની શકે છે. આજે, તમામ વૈશ્વિક એરલાઇન્સ ભારતમાં હાજર છે, તેથી હું દરેકને આ તકનો લાભ લેવા વિનંતી કરું છું.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા અને અન્ય નેતાઓએ પણ વર્ચ્યુઅલ કોન્ફરન્સ દરમિયાન આ સોદા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.