Abtak Media Google News

અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ માસ્ક પહેરવું ફરજીયાત કરાયું: ન પહેરનારને પ્રથમ વખત ૧૦૦૦, ત્યારબાદ ૫૦૦૦નો દંડ કરવામાં આવશે

કોરોનાનાં કહેર વચ્ચે રાજયનાં તમામ મહાનગરોમાં માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. વિશ્ર્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાનાં રોગચાળાને વૈશ્ર્વિક મહામારી જાહેર કરેલ છે ત્યારે ભારતમાં કોરોના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકારે અનેકવિધ આવશ્યક પગલાઓ લીધા હોવાનું સામે આવ્યું છે ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ મનપાનાં કમિશનર ઉદિત અગ્રવાલે શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે. ઘરથી બહાર નિકળનાર વ્યકિતએ મોઢુ અને નાક ઢંકાઈ તે માટે માસ્ક અથવા તો હાથ રૂમાલ બાંધવો ફરજીયાત છે. કોરોના વાયરસનાં સંક્રમણનાં પ્રસાર સામે લેવામાં આવતા પગલા અને અન્ય કાર્યવાહીમાં વહિવટી તંત્રને પૂર્ણત: સહયોગ મળી રહ્યો છે ત્યારે જાહેરનામા ભંગ કરનાર વ્યકિતને પ્રથમ વખત ૧૦૦૦નો દંડ ફટકારવામાં આવશે ત્યારબાદ બીજી વખત નિયમનો ભંગ કરનાર વ્યકિતને ૫ હજારનો દંડ વસુલવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. રાજયનાં તમામ મહાનગરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરતમાં પણ માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે. આ નિયમનો જે કોઈ ઉલ્લંઘન કરશે તો તેઓને કલમ ૧૮૮ મુજબ આકરી કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રતિબંધ અમલ સોમવારે સવારનાં ૬ વાગ્યાથી લાગુ પડી ગયો છે. સુરતમાં આ નિયમ એક અઠવાડિયા પહેલા જ લાગુ કરી દેવામાં આવ્યો છે ત્યારે રાજયનાં તમામ મહાનગરો જેવા કે અમદાવાદ, રાજકોટ અને વડોદરા કમિશનરનાં જાહેરનામા સાથે આ ઝુંબેશમાં બાકી રહેતા મહાનગરો જોડાયા હતા. જનહિતમાં લેવામાં આવેલા આ પગલાનાં કારણે ઘરઆંગણે વધતા પોઝીટીવ કેસ અને કોરોનાનાં સંક્રમણથી બચવા આ ઉપચાર અસરકારક હોવાનું સામે આવ્યું છે. કમિશનર દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું છે કે, લોકો માસ્કની અવેજીમાં રૂમાલ પણ ઉપયોગમાં લઈ શકાશે. આ અંગે જાહેરનામા ભંગ કરનાર પર સીસીટીવી કેમેરા અને સર્વેલન્સનાં અધિકારીઓ આ અંગેનું ધ્યાન કેન્દ્રિત કરશે અને જે કોઈ લોકો નિયમ ભંગ કરતા નજરે પડશે તો તેઓને દંડિત પણ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.