Abtak Media Google News

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનનો મહત્વનો નિર્ણય : યાર્ડ ચાલુ કરવાને બદલે વેપારીઓ અને કમિશન એજન્ટોને ખેડૂતો પાસે જઈને અનાજ- કઠોળની ખરીદી કરવાની છૂટ અપાઇ

જિલ્લા કલેકટરના નિર્ણયનો ૧૫મીથી અમલ : વેપારીઓ અને એજન્ટોને પાસ ઇસ્યુ કરી અપાશે

હાલ લોકડાઉનની સ્થિતિમાં ખેડૂતોની જણસ લોકો સુધી પહોંચે તે માટે જિલ્લા કલેકટર રેમ્યા મોહને મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ હવે વેપારીઓ અને એજન્ટો ગામે ગામ ફરીને ખેડૂતોની જણસ ખરીદશે. આ નિર્ણયની આગામી તા. ૧૫થી અમલવારી થવાની છે. જે માટે વેપારીઓ અને એજન્ટોને પાસ પણ ઇસ્યુ કરી દેવામાં આવશે.

કોરોનાની મહામારીના પગલે લાગુ કરાયેલા લોકડાઉનમાં જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની અછત ન સર્જાય તે માટે જિલ્લા કલેકટર તંત્ર દ્વારા કમર કસવામાં આવી રહી છે. ખાસ કરીને અનાજ અને કઠોળ લોકો સુધી પહોંચે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવા માટે ગઈકાલે નાયબ મુખ્યમંત્રીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તંત્ર અને એપીએમસીના ચેરમેનો સાથે મહત્વની ચર્ચા કરી હતી. આ ચર્ચાના અંતે તેઓએ એપીએમસી શરૂ કરવા કે કેમ તે અંગે જિલ્લા કલેકટરો ઉપર નિર્ણય છોડ્યો હતો.

જેના પગલે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને નિર્ણય જાહેર કર્યો છે કે આગામી તા. ૧૫થી માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને કમીશન એજન્ટો ગામે ગામ જઈને ખેડૂતોની જણસો ખરીદી શકશે. માર્કેટિંગ યાર્ડ શરૂ કરીને હરરાજી કરવાથી ભારે ભીડ થતી હોય માટે માર્કેટિંગ યાર્ડ ચાલુ કરવાને બદલે વેપારીઓ અને એજન્ટો જ ખેડૂત પાસે જઈને જણસો ખરીદે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે વેપારીઓ અને કમીશન એજન્ટોને પાસ કાઢી આપવામાં આવશે.

આ મામલે માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં ખરીદી શરૂ કરવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થઈ શકે છે. માટે કલેકટર દ્વારા વેપારીઓ અને એજન્ટો ખેડૂત પાસે જઈને જણસ ખરીદે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. જો વેપારીઓ આ માટે તૈયાર નહિ થાય તો ટોકન સિસ્ટમ અમલમાં લાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.