Abtak Media Google News

એક વખતના જનસંઘના પ્રમુખ ડો. મધોકે એવો મત ઘોષિત કર્યો હતો કે, ભારતમાં રહેતી કોઈપણ વ્યકિતનું ભારતીયકરણ કરવું જોઈએ ! હિન્દુ-મુસ્લીમોને સ્પર્શતો આ મુદો સ્ફોટક છે અને હજુ જેવો હતો તેવો જ રહ્યો છે! ગમે ત્યારે ભભૂકવાની એમાં જામગરી છે !

લઘુમતિની સમસ્યા અંગે બે ધ્યાન રહેવાનું ભારતને પાલવે તેમ નથી… પાકિસ્તાન સહિત પડોશી રાષ્ટ્રો કોઈને કોઈ કારણે ભારતની સામે ઘૂરકયા કરે છે ? ભારતને ધોઈ નાખવા ૧૦૦ લડાઈઓ લડવી પહે તો લડવા જેવી શત્રુતા નું ઝેર પાકિસ્તાનના માજી વડા ઓકી ચૂકયા છે!

વર્ષોથી એમ કહેવાતું આવ્યું છે કે, ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી હમણા સુધીમાં, અર્થાત ગાંધીજી તરફથી કાયદે આઝમનું બિરૂદ પામેલા જિન્નાહને સમજવાનું કામ અતિશયે અધરૂ છે અને ભારત પાકિસ્તાન વચ્ચેની લાંબા વખતની દૂશ્મનાવટના કાર્ણે આ કામ ભારતવાસીઓ માટે વધારે અધરૂ છે.

કોમવાદી ધોરણે અલગ અને સ્વતંત્ર રાષ્ટ્રની માંગણી કરનાર જિન્નાહ (તેમની મૂળ અટક ઝીણા છે) કોમવાદી અથવા ધર્માંધ મુસલમાન નથી. જિન્નાહને કોઈ ધર્મચુસ્ત મૌલવી કે મૌલાના મુસલમાન તરીકે સ્વીકારે નહી. જિન્નાહ દારૂ પીવે, ખૂલ્લી રીતે પોર્ક (ડુકકરનું માંસ) ખાય, પારસીમાં પરણ્યા, કદી મસ્જિદમાં જાય નહી અને નમાઝ કે કુરાનમાં તેમને કશો રસ નહી, પોતાના જમાનાના સર્વશ્રેષ્ઠ બેરિસ્ટર જિન્નાહ એટલા ચુસ્ત, પ્રામાણીક કે અંગ્રેજો તેમને IncorruptibIe કહેતા, જિન્નાહને અપ્રામાણીક બનાવવાનું અશકય ગણાય.

લગભગ નાસ્તિક કહી શકાય તેવા જિન્નાહ પૂરેપૂરા દુન્યવી રંગે રંગાયેલા હોવા છતા તેમણે કોમવાદી મુસ્લિમોનો સાથ લઈને પાકિસ્તાન જેવા મજહબી રાષ્ટ્રની સ્થાપના કરી અતિશય ચૂસ્ત ધાર્મિક મનોવૃત્તિ ધરાવનાર ગાંધીજી પૂરેપૂરા સેકયુલર હતા તે ભારતીય ઈતિહાસની આશ્ર્ચર્યજનક ઘટના છે. ગાંધીજી અને જિન્નાહ વચ્ચે શરૂઆતથી જ ઉંધા ગણેશ બેઠેલા હતા. ગાંધીજીએ ઉપાડેલી રાજકીય ચળવળની શરૂઆત અસહકારની લડતથી થઈ તેમ કહેવાય છે.તેસાચુ નથી.

ભારતમાં ગાંધીજીના જાહેર જીવનની શરૂઆત ખિલાફત ચળવળથી થઈ. દુનિયાના ઈતિહાસમા ભાતભાતનાં આંદોલનો થયા છે, પણ ખિલાફત જેવી તદ્ન બેવકૂફ ચળવળનો જોટો જડે તેમ નથી. હિન્દુ મુસ્લિમ એકતા વગર સ્વરાજ અશકય છે. તેવું સમજનાર ગાંધીજીએ મુસ્લિમોને આઝાદીની લડતમાં સામેલ કરવાના એકમાત્ર હેતુથી આ ચળવળ શરૂ કરેલી અને રૂઢિચુસ્ત મુલ્લા મૌલવીઓનો સાથ મેળવેલો.

જિન્નાહ જેવા સુધારક અને સમજદાર મુસ્લિમ નેતાઓ આ ચળવળથી હજાર ગાઉ દૂર રહેલા અને ગાંધીજી રૂઢિચૂસ્તોને પ્રોત્સાહન આપે છે તેના કારણે ગાંધી વિરોધી પણ બનેલા ખિલાફત આંદોલન એટલી હદે ભાંગી પડયું કે કોઈ ગાંધીવાદી તેને યાદ કરવા પણ તૈયાર નથી. આ પછડાયથી હતાશ થયેલા ધર્માંધ મુસલમાન નેતાઓ પણ ગાંધી વિરોધી બન્યા અને કોમવાદ વધારે પ્રખર બન્યો. ઈસ્લામ સર્વ શ્રેષ્ઠ ધર્મ છે. અને તેથી કોઈ પણ મુસલમાન શરાબી હોય, વ્યભિચારી હોય છતાં ગાંધીજી કરતાં ચડિયાતો છે તેવું નિવેદન ગાંધીજીના એક વખતના સાથીદાર મૌલાનાશૌકત અલીના નામ સાથે જોડાયેલું છે. ગાંધીજીનું લોકપરસ્ત રાજકારણ તે જમાનામાં બીરબલ કહેવાતા આગેવાનોએ નકારી કાઢ્યું તેમાં જિન્નાહ પણ સામેલ હતા. પણ ગાંધીજીનો પ્રભાવ જામ્યો તેના કારણે જિન્નાહ રાજકારણમાંથી ફેંકાઈ ગયા અને છેવટે મુસ્લિમ લીગની આગેવાની તેમણે ઉપાડી લીધી.

7537D2F3 15

ભારતમાં લઘુમતીઓ ખાસવ કરીને મુસ્લિમો અસલામત હોવાની ફરિયાદ મુસ્લિમ આગેવાનો અવારનવાર કરતા રહે છે. લઘુમતીની સમસ્યા દરેક રાષ્ટ્રમાં, ખાસ કરીને દરેક લોકશાહીમાં હોય છે. અને તેનો કેલ આણવો અને લઘુમતીઓને સમરસ કરવાનું કામ અતિશય અઘરૂ છે અને તેમાં ઘણો સમય લાગે છે. ઈગ્લેન્ડમાં કેથોલિકોને યોગ્ય સ્થાન મેળવવામાં ત્રણસો વર્ષ લાગ્યા ૧૭૮૮માં સ્થપાયેલા અમેરિકામાં પહેલો કેથોલિક પ્રમુખ ૧૯૬૮માં ચૂંટાયો અને હબસી ઓબામાં તો ૨૦૧૨માં પ્રમુખ સ્થાને પહોચ્યા. ભારતમાં એવી કોઈ સમસ્યા છે જ નહી અને મુસ્લિમો, ખિસ્તીઓ, ભારતીય સમાજમાં એકરસ બની ગયા છે. તેવો ભ્રમ ભારતની લોકશાહીને વહેલાસર ખતમ કરી નાખશે.

કોઈ રોગીને વેદના થાય તેની ચીસ દર્દી જ પાડે છે. બીજુ કોઈ પાડતુ નથી. નસીરૂદીન શાહ કે આમિર ખાન જે કહે છે તે ધ્યાનથી સાંભળવું જોઈએ અને અત્યંત સહાનૂભૂતિપૂર્વક તેનું સમાધાન કરવું જોઈએ. આપણો કોઈ દોષ જ નથી અને લઘુમતીઓને પંપાળવાની કોઈ જરૂર નથી. તેવો અભિગમ કોઈ સંસ્કારી રાજવટને છાજતો નથી. યહુદીઓને ખતમ કરનાર હિટલર થવું છે કે સર્વધર્મ સમભાવના ઉપાસક ગાંધીના રસ્તે ચાલવું છે. તે ઠરાવી લેવામાં વિલંબ થાય તેટલુ જોખમ વધે છે. પાકિસ્તાનની માંગણીનો વિરોધ કરવા માટે ગાંધીજી જિન્નાહને મળ્યા ત્યારે જિન્નાહે ઉચ્ચારેલું વાકય મહત્વનું છે. ‘ગાંધી બધા હિન્દુઓ તમારા જેવા હોય તો પાકિસ્તાનની માગણી કદી થાત જ નહી. પણ બધા તમારા જેવા નથી તેથી અલગ રાજય માંગીએ છીએ’.

મૂસ્લિમોની ફરિયાદ વધારે પડતી લાગે તો પણ તેનું નિરાકરણ થવું જોઈએ. આગનો તણખો નાનો હોય, પણ ઉપેક્ષા કરવામાં આવે તો તેમાંથી દાવાનળ પ્રગટી શકે છે. લઘુમતીઓને સાચવવાની સંભાળવાની ફરજ બહુમતી સમાજે બજાવવી પડે છે. આ ફરજની બજવણી બરાબર થાય છે કે નહી તે ઠરાવવાનું કામ બહુમતી નહી, પણ લઘુમતીઓ જ કરી શકે. આપણુ મૂલ્યાંકન બીજા કરે તે યોગ્ય ગણાય. જાતે કરેલું મૂલ્યાંકન કદાચ મિથ્યાભિમાન હોઈ શકે છે. ભારત-પાકિસ્તાન વચ્ચેનું વૈમનસ્ય મિટાવવા માટેના પ્રયત્નો થતા જ રહ્યા છે પણ તે અસફળ જ રહ્યા છે. હિન્દુ-મુસ્લીમ સંબંધો અંગે હમણા હમણાં તો એવો મત દર્શાવાતો રહ્યો છે કે, ભારતમાં જન્મેલા સહુ કોઈ હિન્દુ છે આર.એસ.એસ.ના વડા શ્રી મોહન ભાગવતે આ વિધાન કર્યા બાદ એ સારી પેઠે વિવાદાસ્પદ બન્યું હતુ, અને શ્રી ભાગવતે એમનાવિધાન વિષે ખુલાસો કરવો પડયો હતો.

આ પહેલા અલ્હાબાદ કોર્ટે પણ એવો ચૂકાદો આપ્યો હતો કે જે, લોકો ભારતમાં -હિન્દુસ્તાનમાં જન્મ્યા છે તે બધા હિન્દુ છે !

એક સમયે જનસંઘ (હાલના ભાજપ)ના વડા ડો. બલરાજ મધોકે એવો પડઘો પાડયો હતો કે ભારતમાં રહેતા તમામ લોકોનું ભારતીયકરણ (ઈન્ડીઅનાઈઝેશન) કરવું જ જોઈએ…

એક સમયે દેશના ટોચના નેતાઓ પૈકીના એક રાજા મનમોહન રાયે સ્પષ્ટ પણે કહ્યું હતુ કે, જો મૂસ્લીમોએ ભારતમાં રહેવું હોય તો તેમણે ભારતના હિન્દુઓ સાથે હળીમળીને રહેવું જ પડે અને હિન્દુઓની જીવન પ્રણાલીકાને આદર આપવો જ પડે !

સદીઓથી આપણા દેશમાં લઘુમતિની સમસ્યા ઉભી જ છે. આપણા દેશમાં જ નહિ, યુરોપ-અમેરિકા સહિત લગભગ બધે જ એ મોજુદ રહી છે. લઘુમતિની સમસ્યાની ભીતરમાં કટ્ટર કોમવાદ અને આતંકી પરિબળોની સમસ્યા પણ પ્રછન્નપણે મૌજુદ છે. એ અંગે બેધ્યાન રહેતું ભારતને લગીરે પાલવે તેમ નથી.પાકિસ્તાન સહિત પડોશી રાષ્ટ્રોને ભારત વિરોધી બનાવવાની ‘ચીન’ની ચાલબાજી રહી છે. ભારતને પરાજિત કરવા ધોઈ નાખવા ૧૦૦ વખત લડવું પડે તો લડવાનો શયતાની મિજાજ પાકના ટોચના નેતા ઘોષિત કરી ચૂકયા છે. આ બધા આશ્ર્ચર્ય વચ્ચે પાક વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનમાં હિન્દુ મંદિર બાંધવાનું જાહેર કર્યું છે.

અહી ‘તૂર્કી ટોપી’ અને ‘પીળી ચામડી’નો ભરોસો ન કરવો, એવી સરદાર વલ્લભભાઈ પટેલની સલાહ યાદ આવ્યા વિના રહેતી નથી.

આપણા નેતાઓ આ સલાહ ન ભૂલે, તે જરૂરી ગણાવું જોઈએ ?

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.