Abtak Media Google News

ભારત માટે ‘ચંદ્રોદય’ પછી મંગળ હી મંગલ

‘સરસ્વતી’ સમાન વૈજ્ઞાનિકોની કુનેહ સસ્તાની સાથે આકાશી સુરક્ષા પણ પુરી પાડશે

ભારત માટે હવે ચંદ્રોદય પછી હવે મંગળ હી મંગલ છે. કારણકે ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે ઇસરોની ટિમ મંગળ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની છે. તેની સાથે જ હવે અવકાશી ખેતી આકાશી રોજીની સાથે દેશના સાર્વભૌમત્વમાં પણ અગત્યનો ભાગ ભજવવાની છે.

ભારતનું મહત્વાકાંક્ષી ચંદ્રયાન-3 મિશન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું છે. આ ક્ષણ ભારત માટે ઐતિહાસિક હતી.  ઈસરોના વડાએ પણ ચંદ્રયાન-3ની સફળતા પર ખુશી વ્યક્ત કરી હતી. આ ઘટનાની સાથે જ હવે ભારત માટે અવકાશી ખેતીના દ્રાર ખુલ્યા છે. જો કે ભારતે સેંકડો વિદેશી ઉપગ્રહો છોડીને પોતાની મહત્વકાંક્ષા સાબિત કરી દીધી છે. પણ ચંદ્રયાન-3ની સફળતા બાદ હવે સમગ્ર વિશ્વની નજર ઈસરો તરફ ખેંચાઈ છે.

ભારત ચંદ્ર પર પહોંચ્યું.  ઈસરોના ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો હતો.  ઈસરોના વડા એસ સોમનાથ બોલ્યા, ’ભારત ચંદ્ર પર છે!’  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન ઉતરનાર ભારત પહેલો દેશ બન્યો છે.  આ સફળતા ઘણી રીતે વિશેષ છે.  ચંદ્રયાન-3 મિશનની ઘણી વિશેષતાઓમાંની એક આ મિશનનું બજેટ છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારત હોલીવુડની ફિલ્મ કરતા ઓછા બજેટમાં ચંદ્ર પર પહોંચ્યું છે.

ઈસરોના વૈજ્ઞાનિકોએ દરેક ભારતીયને ગર્વ કરવાનું કારણ આપ્યું છે.  લોન્ચિંગથી લઈને લેન્ડિંગ સુધી દરેક પાસાઓ પર વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોએ ખાસ ધ્યાન આપ્યું હતું.  આ સિદ્ધિ બાદ હવે વાત ચંદ્રયાન-3ના બજેટની છે.  ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે ચંદ્રયાન-3ને ચંદ્ર પર મોકલવામાં કેટલો ખર્ચ થયો? ચંદ્રયાનનું બજેટ માત્ર રૂ. 619 કરોડ હતા.

સરસ્વતી સમાન વૈજ્ઞાનિકોની કુનેહે આ પ્રોજેક્ટને એકદમ સસ્તો બનાવી દીધો છે. અગાઉ અનેક દેશોએ મોંઘાદાટ પ્રોજેક્ટ કર્યા છે. પણ ભારતના આ પ્રોજેક્ટનું બજેટ જાણી વિશ્વ આખું સ્તબ્ધ બની ગયું છે.

ઉલ્લેખનીય છે કે પ્રજ્ઞાન ચંદ્રની સપાટીની રાસાયણિક રચના, માટી અને ખડકોની તપાસ કરશે.  તે ધ્રુવીય પ્રદેશોની નજીક ચંદ્રની સપાટી પર આયનો અને ઇલેક્ટ્રોનની ઘનતા અને થર્મલ ગુણધર્મોને માપશે. ઈસરો માહિતી મેળવવાનું ચાલુ રાખશે અને માત્ર રોવર દ્વારા જ નહીં, પરંતુ લેન્ડર દ્વારા પણ સંપૂર્ણ ટેકનિકલ માહિતી મેળવશે. રોવરમાં બે પેલોડ છે જે પાણી અને અન્ય કિંમતી ધાતુઓની શોધમાં મદદ કરશે.  રોવર ડેટા એકત્રિત કરશે અને તેને લેન્ડરને મોકલશે.  લેન્ડર વિક્રમ આ ડેટાને પૃથ્વી પર ટ્રાન્સમિટ કરશે.  ચંદ્રયાન-2નું ઓર્બિટર ડેટા પહોંચાડવામાં પણ મદદ કરશે.ચંદ્રયાન મિશનનું જીવન એક ચંદ્ર દિવસ છે.

ચંદ્રનો એક દિવસ પૃથ્વીના 14 દિવસ બરાબર છે.  લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન 14 દિવસ સુધી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પોતાનું કામ કરશે.  આ પછી ત્યાં અંધારું થઈ જશે.  વિક્રમ અને પ્રજ્ઞાન માત્ર સૂર્યપ્રકાશમાં જ કામ કરી શકે છે, તેથી તેઓ 14 દિવસ પછી નિષ્ક્રિય થઈ જશે.  14 દિવસમાંથી બે દિવસ વીતી ગયા છે. જો કે, ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનએ બીજા ચંદ્ર દિવસ સુધી લેન્ડર-રોવર કામ કરવાનું ચાલુ રાખવાની શક્યતાને નકારી નથી.  ઈસરોના ચીફ એસ. સોમનાથે જણાવ્યું હતું કે, “સૂર્ય અસ્ત થતાં જ ચંદ્ર પર અંધારું છવાઈ જશે. ત્યાંનું તાપમાન માઈનસ 200 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ જશે. ત્યાં ખૂબ જ ઠંડી હશે. તેથી સિસ્ટમ અસ્તિત્વ ટકાવી રાખવાનું નથી. જો 14 દિવસ પછી, જ્યારે સૂર્યપ્રકાશ ફરીથી ચંદ્રના તે ભાગમાં પડશે, તો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે લેન્ડર અને રોવર ફરીથી સક્રિય થઈ શકે છે.

મોદી ગ્રીસથી આવી સીધા ઈસરો પહોંચશે, વૈજ્ઞાનીકોને મળી અભિનંદન પાઠવશે

નરેન્દ્ર મોદી આજે તેમનો સાઉથ આફ્રિકા અને ગ્રીસ આ બે દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ ગ્રીસથી પૂર્વ નિર્ધારિત મુલાકાતે સીધા કર્ણાટકના બેંગલુરુ જશે.  તેઓ ચંદ્રયાન-3 મિશનમાં સામેલ ઈસરોની ટીમના વૈજ્ઞાનિકોને મળશે અને તેમને અભિનંદન આપશે. દિલ્હી જવાને બદલે મોદી પહેલા બેંગલુરુ જશે અને ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવશે.  આ અવકાશયાન 14 જુલાઈના રોજ શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.