એપલના મોબાઈલની સાથે હવે સેમિકન્ડક્ટરમાં પણ ટાટા અગ્રેસર રહેશે

તામિલનાડુમાં મોબાઈલ કોમ્પોનન્ટ મેકિંગ યુનિટની સાથે સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કરવાની ટાટાની તૈયારી

ટાટા ગ્રુપ એપલના મોબાઇલની સાથે સાથે હવે સેમિકન્ડક્ટરમાં પણ અગ્રેસર રહેવાની તૈયારી કરી રહ્યું છે. હાલ સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશ બીજા ઉપર નિર્ભર છે. ત્યારે ટાટા સેમિકન્ડક્ટરનું નિર્માણ કરી આત્મનિર્ભર ભારત તરફ આગળ વધશે.

ટાટા ગ્રૂપ ટૂંક સમયમાં ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટરના માર્કેટમાં પ્રવેશ કરીને પોતાનો જલવો ફેલાવવા જઈ રહ્યું છે.  આ માટે કંપનીએ સંપૂર્ણ પ્લાન બનાવી લીધો છે.  કંપની આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે ઓએસએટી એટલે કે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને પરીક્ષણ વિક્રેતાઓ સાથે પણ વાતચીત કરી રહી છે.

તે જ સમયે, કંપની તમિલનાડુમાં તેના નવા પ્રોજેક્ટ માટે ઇલેક્ટ્રોનિક પ્લાન્ટની નજીક જમીન પણ શોધી રહી છે.  ટાટા ઈલેક્ટ્રોનિક્સનો તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લામાં પહેલેથી જ ઈલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ છે.  ટાટા ગ્રુપના મોટા પગલાથી ભારતને વૈશ્વિક સ્તરે ચિપ્સ સપ્લાય કરવાની તક મળી શકે છે.

ટાટા સન્સે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સેમિકન્ડક્ટર એસેમ્બલી ટેસ્ટિંગનો બિઝનેસ શરૂ કરવા જઈ રહી છે.  ટાટા ગ્રૂપે 2020માં ઈલેક્ટ્રોનિક ઘટકોના ગ્રીનફિલ્ડ મેન્યુફેક્ચરિંગ માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સની શરૂઆત કરી હતી.  ટાટા સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની તમિલનાડુના પશ્ચિમી જિલ્લાના કોઈમ્બતુરમાં જમીન લેવાની તૈયારી કરી રહી છે. જમીન લીધા બાદ કંપની તેના આગળના પગલા તરફ આગળ વધશે.

ટાટા ગ્રૂપની પેટાકંપની ટાટા ઈલેક્ટ્રોનિક્સે 2021માં તમિલનાડુ સરકાર સાથે 4,684 કરોડ રૂપિયાના રોકાણ સાથે ફોન પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ માટે મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે.  ટાટાના આ મહત્વપૂર્ણ પગલાથી 18,000 થી વધુ લોકોને રોજગાર મળવાની પણ આશા છે.જો ટાટાની આ યોજના સફળ થશે તો તે તમિલનાડુમાં મોબાઈલ પાર્ટસ બનાવતી ત્રીજી સૌથી મોટી કંપની બની જશે.  હાલમાં લોકોને તાઈવાનની ફોક્સકોન અને તમિલનાડુમાં પેગાટ્રોનની સુવિધા પણ મળી રહી છે.