Abtak Media Google News

કોરોનાથી પણ વધુ ખતરનાક વાયરસ સામે લડવા વિશ્વ આખાને તૈયારીઓ કરી લેવા સૂચન

ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો આ રોગથી મૃત્યુ પામ્યા. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ) ના પ્રમુખ ડો. ટેડ્રોસ અદનોમ ઘેબ્રેયેસસે ચેતવણી આપી છે કે વિશ્વને આગામી રોગચાળા માટે તૈયાર રહેવું જોઈએ, જે કોવિડ -19 રોગચાળા કરતા વધુ ઘાતક હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સથી મળેલી માહિતી અનુસાર, ડબ્લ્યુએચઓના વડા ડૉ. ટેડ્રોસ અદનોમે કહ્યું કે વિશ્વને એવા વાયરસ માટે તૈયાર રહેવું જોઈએ જે કોવિડ કરતા પણ વધુ ઘાતક છે. તેમણે કહ્યું કે કોરોનાથી ઓછામાં ઓછા 20 મિલિયન લોકોના મોત થયા છે. જો કે, વૈશ્વિક આરોગ્ય સંસ્થાએ તાજેતરમાં જાહેર કર્યું છે કે કોવિડ -19 રોગચાળો હવે સ્વાસ્થ્ય કટોકટી નથી.

ટેડ્રોસે સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવામાં આરોગ્ય બેઠકમાં જણાવ્યું હતું કે આગામી રોગચાળાને રોકવા માટે વાતચીત કરવાનો સમય આવી ગયો છે. ડબ્લ્યુઓચઓના વડાએ ચેતવણી આપી હતી કે કોવિડ-19 રોગચાળો હજુ સમાપ્ત થયો નથી. તેમણે કહ્યું કે તે અન્ય સ્વરૂપમાં ઉભરી આવવાનો ભય છે જે બીમારી અને મૃત્યુનું કારણ બનશે.

ડબ્લ્યુએચઓએ નવ પ્રાથમિક રોગોની ઓળખ કરી છે જે જાહેર આરોગ્ય માટે સૌથી મોટો ખતરો છે. મીડિયા અહેવાલો અનુસાર, સારવારના અભાવ અથવા રોગચાળો ફેલાવવાની તેમની ક્ષમતાને કારણે તેમને સૌથી જોખમી માનવામાં આવે છે. મિરરે ડબ્લ્યુએચઓ વડાને ટાંકીને કહ્યું કે વિશ્વ કોવિડ -19 રોગચાળા માટે તૈયાર ન હતી, જે સદીની સૌથી ગંભીર આરોગ્ય કટોકટી છે.

છેલ્લા ત્રણ વર્ષમાં, કોવિડ-19થી લગભગ 7 મિલિયન લોકો મૃત્યુ પામ્યા છે, પરંતુ આપણે જાણીએ છીએ કે આ આંકડો ઓછામાં ઓછો 20 મિલિયન છે. ડબ્લ્યુએચઓ ચીફે કહ્યું કે જો આપણે એવા ફેરફારો નહીં કરીએ જે કરવાની જરૂર છે, તો કોણ કરશે? અને જો તમે હવે તેના પર કામ કર્યું નથી, તો તમે ક્યારે કરશો?

તેમણે કહ્યું કે જ્યારે આગામી રોગચાળો દસ્તક આપી રહ્યો છે અને જ્યારે તે આવશે તે જાણીતું છે, ત્યારે આપણે નિર્ણાયક, સામૂહિક અને સમાન રીતે જવાબ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. ડો. ટેડ્રોસે કહ્યું કે આ પેઢી રોગચાળા સાથે સમાધાન ન કરવાની પ્રતિબદ્ધતા ધરાવે છે, કારણ કે તે લોકોએ અનુભવ કર્યો છે કે એક નાનો વાયરસ કેટલો ભયંકર હોઈ શકે છે.

વાયરસનું નામ અને ઓળખ હજુ બાકી

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરાયેલા રોગચાળાનું નામ અને ઓળખ હજુ નક્કી કરવામાં આવી નથી. પરંતુ જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થા તરફથી ચેતવણી આવે છે, ત્યારે તે ખરેખર ચિંતાનો વિષય બની જાય છે. ઈતિહાસ સાક્ષી છે કે છેલ્લી કેટલીક સદીઓથી દુનિયામાં દર 100 વર્ષે કોઈને કોઈ રોગચાળો આવે છે. પ્લેગ વર્ષ 1720 માં ફેલાયો હતો, જેમાં લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1820માં એશિયા મહાદ્વીપમાં કોલેરા ફેલાયો, તેમાં પણ લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા.

આ પછી 1920ની આસપાસ સ્પેનિશ ફ્લૂના કારણે કરોડો લોકોના મોત થયા હતા. 100 વર્ષ પછી પણ વર્ષ 2020માં કોરોના મહામારી આવી અને આખી દુનિયા લોકડાઉન થઈ ગઈ. આવી સ્થિતિમાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ સંયોગ કે દંતકથા કે દર 100 વર્ષે મહામારી આવે છે તે તૂટી જશે. તે જ સમયે, ફરી એકવાર લોકોને લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે.

કોઈ રોગ મહામારી ક્યારે બને છે?

જ્યારે કોઈ રોગ વિવિધ દેશોમાં ફેલાય છે, ત્યારે તે મહામારીનું સ્વરૂપ લે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, જ્યારે કોઈ રોગ બે શરતો પૂરી કરે છે ત્યારે તેને રોગચાળો કહી શકાય. પ્રથમ- જ્યારે તે રોગ એક દેશમાંથી બીજા દેશમાં ફેલાય છે, ત્યારે તે મહામારીનું લક્ષણ છે અને બીજું- તે રોગને લગતા તમામ લક્ષણો દર્દીમાં જોવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.