Abtak Media Google News

શિક્ષણ જગતમાં સૌ પ્રથમ વખત વાર્ષિકોત્સવની ફિલ્મ બનાવી પિક્ચર સ્વ‚પે સિનેમા હોલમાં રજૂ કરાઈ

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ સંચાલિત રાજકોટની સરસ્વતી વિદ્યામંદિર સંકુલ અવનવા પ્રયોગ કરવામાં સદાય શિરમોર રહી છે. આ વર્ષે સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં એક એવા પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જે આજ સુધી એકપણ શૈક્ષણિક સંસ્થા કર્યો નથી. વિદ્યાર્થીઓને શિક્ષણ ઉપરાંતના ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના હેતુસર આ વર્ષે સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં સૌ પ્રથમ વખત વાર્ષિકોત્સવનું પિક્ચરાઈઝેશન કરી તેની ફિલ્મ બનાવવામાં આવી હતી અને ત્યારબાદ શહેરનાં કોસ્મોપ્લેક્સ સિનેમા હોલમાં તેના આઠ જેટલા શો યોજવામાં આવ્યા હતા. રાજકોટનાં મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળા વિસ્તારમાં આવેલી સરસ્વતી વિદ્યામંદિર સંકુલની ત્રણેય શાળાઓ દ્વારા ત્રણ અલગ-અલગ વાર્ષિકોત્સવનાં પિક્ચર બનાવવામાં આવ્યા હતા જેનું નામ કિલ્લોલ, કલરવ અને કસુંબલ રાખવામાં આવ્યું હતું. આ ત્રણેય પિક્ચરનાં શો ખૂબ જ સફળ રહ્યાં હતાં.

Advertisement

Img 20200229 Wa0161

સરસ્વતી વિદ્યામંદિર સંકુલ દ્વારા નિર્મિત કિલ્લોલ, કલરવ અને કસુંબલ વાર્ષિકોત્સવનાં પિક્ચરમાં વર્તમાન વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે આચાર્યો, પ્રધાનચાર્યો પણ જોડાયા

Img 20200229 Wa0159

હતા. આ શાળા સાથે સંકળાયેલા આશરે એક હજારથી વધુ લોકો આ ત્રણેય પિક્ચરનો ભાગ બન્યા હતા અને ત્યારબાદ પાંચ હજારથી વધુ લોકોએ આ ત્રણેય પિક્ચરને કોસ્મોપ્લેક્સ સિનેમા હોલનાં મોટા પડદા પર નિહાળી હતી. આ ત્રણેય પિક્ચરનું શુટિંગ મોમેન્ટ પાર્ટી પ્લોટમાં ભવ્ય સેટ બનાવી અને શાળા સંકુલમાં શણગાર-શુશોભન કરી કરવામાં આવ્યું હતું. કિલ્લોલ, કલરવ અને કસુંબલ ફિલ્મ દ્વારા સામાજમાં જાગૃતતા આવે એ મુજબનાં સંદેશાઓ આપતી વિવિધ કૃતિઓ અને કિસ્સાઓ રજૂ કરવામાં આવ્યા હતા જેને ફિલ્મી પડદા પર જોઈ દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા. ખાસ ઉલ્લેખનીય છે કે, સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ભૂતપૂર્વ વાલી અને વર્તમાન રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વયં ઓડિયો-વીડિયો ક્લીપ દ્વારા શુભેચ્છા પાઠવી શાળાનાં નવતર પ્રયોગને બિરદાવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓનાં પરફોર્મન્સને રાજકોટનાં મોટા થિયેટરમાં પિક્ચરનાં સ્વરૂપે દર્શાવવાનો આ અભિગમ સમયોચિત અને એક નવી કેડી કંડારનારો છે. સરસ્વતી શિશુમંદિરમાં પણ નવો પંથ કંડારીને વાર્ષિકોત્સવની ઉજવણી પિક્ચરનાં સ્વરૂપે કરવાનો જે યાદગાર પ્રસંગ બની રહ્યો છે. શાળા સ્તરે થતા આવા નવા પ્રયોગો, પ્રયોગોની ધરતી તરીકે ગુજરાતની શાખને વધુ મજબૂત બનાવે છે.  અપૂર્વભાઈ મણીઆરનાં નેતૃવમાં જે થઈ રહ્યું છે તેમને ખૂબ-ખૂબ અભિનંદન. વાર્ષિકોત્સવનો કાર્યક્રમ ફિલ્મ સ્વરૂપે બનાવી-દર્શાવી શૈક્ષણિક જગતનાં ઈતિહાસમાં ક્યારેય ન યોજાયો હોય એવા વાર્ષિકોત્સવનાં વિચારબીજથી લઈ તેને વાસ્તવિક બનાવનાર સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે આ તકે જણાવ્યું હતું કે, કિલ્લોલ, કલરવ અને કસુંબલ નામનાં ત્રણ વાર્ષિકોત્સવને પિક્ચર સ્વરૂપે બનાવી-દર્શાવી બાળકોમાં રહેલી કલા-આવડતને સૌ પ્રથમ વખત સમાજ સમક્ષ આટલા મોટા ફલક પર પ્રસ્તુત કરી છે એ બાબતનો ગૌરવ છે. સવિશેષ એ વાતનો આનંદ છે કે, વિદ્યાર્થીઓ સાથે વાલીઓએ પણ આ નવીનતમ પ્રકારનાં સમગ્ર કાર્યક્રમને સ્વીકાર્યો, બિરદાવ્યો અને જેણે-જેણે પણ આ પિક્ચર શો જોયો તેણે-તેણે તેને વખાણ્યો. આ ત્રણેય સંકુલોનાં અલગ-અલગ ત્રણેય પિકચરોમાં વિવિધ કૃતિઓ અને કિસ્સાઓ દ્વારા સંસ્કૃતિ, સંસ્કાર, સાહિત્ય, સંગીત, સામાજિક પ્રસંગો વડે સમાજને ઉપયોગી સંદેશા પાઠવવામાં આવ્યા છે. કિલ્લોલ, કલરવ અને કસુંબલ નામની વાર્ષિકોત્સવ ફિલ્મ સમાજમાં ઐતિહાસિક સ્થાન-માન મેળવશે. જેનો તમામ શ્રેય આજની પેઢીનાં બાળકોને ફાળે જાય છે.

સરસ્વતી વિદ્યામંદિર સંકુલ નિર્મિત કિલ્લોલ, કલરવ અને કસુંબલ નામની વાર્ષિકોત્સવ ફિલ્મમાં રાજકોટ પોલીસ કમિશ્નર અગ્રવાલ, રાજકોટ ડી.ઈ.ઓ. ઉપાધ્યાય તેમજ સંસ્થાનાં ટ્રસ્ટીશ્રીઓ ડો. બળવંતભાઈ જાની, રમેશભાઈ ઠાકર, રણછોડભાઈ ચાવડા, પલ્લવીબેન દોશી, કેતનભાઈ ઠક્કર, સમીરભાઈ પંડિત, ખંતીલભાઈ મહેતા, અનીલભાઈ કિંગર અને હસુભાઈ ખાખીએ ભાગ ભજવી શુભેચ્છા સંદેશ આપ્યા છે. કોસ્મોપ્લેકસ સિનેમામાં યોજાયેલા કિલ્લોલ, કલરવ અને કસુંબલ ફિલ્મ શોમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશનાં સંગઠન મંત્રી મહેશજી પતંગે, સૌ.યુનિ.નાં કુલપતિ નીતિનભાઈ પેથાણી, નાગરિક બેંકનાં જીવણભાઈ પટેલ, જીમ્મીભાઈ દક્ષિણી, અર્જુનભાઈ શિંગાળા, ચંદ્રેશભાઇ ધોળકિયા, વિશ્વ હિન્દુ પરિષદનાં શાંતુભાઈ રુપારેલીયા, રાજકોટ મહાનગર સ્વયંસેવક સંઘમાંથી ડોક્ટર અમલાણી , આશિષ ભાઈ શુક્લ, નરેન્દ્રભાઈ દવે વગેરે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો-મહેમાનોએ ઉપસ્થિત રહી ફિલ્મ વખાણી હતી. ત્રણેય ફિલ્મોનાં નિર્માણમાં શાળાનાં પ્રધાનચાર્ય હરિકૃષભાઈ પંડ્યા, મયુરભાઈ રૂપારેલીયા, કનુબેન ઠુમ્મર, ઈન્દિરાબેન કોરાટ, હિનાબેન તલાટિયા અને રિદ્ધિબેન રાવલ તથા આચાર્ય ભાવનાબેન વ્યાસ અને પારુલબેન પટેલે જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.