Abtak Media Google News

કોરોનાની વૈશ્વિક મહામારીની નકારાત્મક અસર છોડી ભારતીય અર્થતંત્ર પુરપાટ ઝડપે આગળ વધવા લાગ્યો છે. દેશની વેપાર તુલા પણ મજબૂત બની છે. નિકાસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તાજેતરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયેલે જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે વર્ષ 2030 સુધીમાં બે ટ્રીલિયન ડોલરની નિકાસનો લક્ષ્યાંક આવ્યો છે જેને પાર પાડવામાં અમેરિકા મહત્વનો ભાગ ભજવી શકે છે. જો કે અત્યાર સુધી યુએસએની ડ્રેગન સાથેની લડાઈથી ઘણી અડચણરૂપ હતી. પરંતુ હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત-અમેરિકાને એકબીજાની જરૂરિયાતોને જોતા વેપાર કરાર વધુ મજબૂત બનાવવો અનિવાર્ય બન્યો છે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ભારત દ્વિપક્ષીય વેપારને વેગ આપવા માટે બજારની પહોંચના મુદ્દાઓ પર અમેરિકા સાથે કામ કરવાનું વિચારશે. તેમણે કહ્યું કે અમેરિકાએ સંકેત આપ્યો છે કે તે અત્યારે નવા વેપાર સોદાને લઈ તૈયાર નથી. પણ ભારત આ માટે આમંત્રણ આપશે. મંત્રી ગોયલે કહ્યું કે ઓસ્ટ્રેલિયાએ ભારત સાથે પ્રારંભિક કરારની વાટાઘાટોમાં નોંધપાત્ર રસ દર્શાવ્યો છે. જે ભારતની નિકાસના વિકાસને વેગ આપશે. મુંબઈમાં નિકાસ પ્રમોશન કાઉન્સિલને સંબોધતા તેમણે કહ્યું કે, અમેરિકાએ  એવા સંકેતો આપ્યા છે કે તે હાલ નવા વેપાર કરારો પર વિચાર કરી રહ્યા નથી. જો કે, વૈશ્વિક બજારમાં પોતાની પહોંચ વધારવા માટે ભારત તેમને નવા કરાર માટે આમંત્રણ આપશે. અમેરિકા સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર અંગે તેમણે કહ્યું કે દરખાસ્ત સારી રીતે આગળ વધી રહી છે અને બંને દેશો વાતચીત કરી રહ્યા છે.

યુરોપિયન યુનિયનમાં 27 દેશો છે. તેમની સાથે કરાર ખૂબ લાંબી પ્રક્રિયા છે અને અમે તેને ઝડપી બનાવવા માટે ખૂબ જ મહેનત કરીશું. કેન્દ્રીય મંત્રીએ ખાતરી આપી કે ભારત અગાઉની મુક્ત વેપાર સંધિમાં થયેલી ભૂલોનું પુનરાવર્તન કરશે નહીં. આ સિવાય મંત્રી ગોયલે કોલ આપ્યો કે નિકાસ જગતને 2030 સુધીમાં 2,000 અબજ ડોલરની નિકાસનો લક્ષ્યાંક છે. જેમા 1,000 અબજ ડોલરની માલની નિકાસ અને 1,000 અબજ ડોલરની સેવા નિકાસનો સમાવેશ  છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.