Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વોક વેનું લોકાર્પણ તેમજ પાર્વતી મંદિરનો શિલાન્યાસ

અબતક, રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સોમનાથમાં આજે વિકાસના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જય સોમનાથ સાથે લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત કરી હતી. સોમનાથ પ્રદર્શન ગેલેરી, જૂનું સોમનાથ મંદિર અને વૉક વેનું લોકાર્પણ અને પાર્વતી મંદિરનો શિલાન્યાસ કર્યો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સમુદ્ર દર્શન વૉક વે, અહલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર, સોમનાથ પ્રદર્શન ગેલેરીના કારણે જૂના સોમનાથના આકર્ષક સ્વરૂપના દર્શન કરી શકાશે. નવા અવસર અને નવી રોજગારી વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે.

Advertisement

પીએમ મોદી અને અમિત શાહ આ પ્રસંગે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે આજે મને નવીનીકરણ બાદ નવા સ્વરૂપમાં સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી અને જૂના સોમનાથ મંદિરનું ઉદ્ઘાટન કરવાનો લ્હાવો મળ્યો છે. હું ભગવાન સોમનાથના કરોડો ભક્તોને શુભકામનાઓ આપું છું અને સાથે જ લોખંડી પુરુષ સરદાર પટેલનાં ચરણોમાં નમન કરું છું. આપણી વિચારસરણી ઈતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની અને નવું ભવિષ્ય બનાવવાની હોવી જોઈએ. તેથી, જ્યારે હું ‘ભારત જોડો આંદોલન’ની વાત કરું છું ત્યારે તેનો અર્થ માત્ર ભૌગોલિક અથવા વૈચારિક જોડાણો પૂરતો મર્યાદિત નથી.

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે નાશ કરનાર દળો, આતંકના આધારે સામ્રાજ્ય ઊભું કરતી વિચારસરણી અમુક સમયગાળામાં અમુક સમય માટે પ્રભુત્વ ધરાવી શકે છે, પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય કાયમી હોતું નથી, તે માનવતાને લાંબા સમય સુધી દબાવી શકતું નથી. આતંક આસ્થાને કચડી શકતો નથી.  સેંકડો વર્ષોના ઈતિહાસમાં આ મંદિર કેટલી વખત તૂટી ગયું. અહીંની મૂર્તિઓ તૂટી ગઈ, તેના અસ્તિત્વને ભૂંસી નાખવાનો દરેક પ્રયાસ કરવામાં આવ્યો. તે શિવ છે જે વિનાશમાં પણ વિકાસના બીજને અંકુરિત કરે છે, વિનાશમાં પણ સૃષ્ટિને જન્મ આપે છે તેથી શિવ અવિનાશી, અવ્યક્ત અને શાશ્વત છે.

રાજ્યના પ્રવાસનમંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા.

સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે તે માટે ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહે કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં અનેક આક્રમણો વચ્ચે પણ મંદિર ભવ્યતાથી ઊભરી આવ્યું છે. વર્ષ 2010થી વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન મોદી સોમનાથના વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. સોમનાથ મંદિર સ્વચ્છતાના મામલે ટોચ પર છે. સોમનાથની આરતીને ડિજિટલી સૌથી વધુ દર્શનાર્થીઓ જુએ છે. ભીખુભાઈ નામના દાતાના સહયોગથી 30 કરોડના ખર્ચે પાર્વતી મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 1783માં બનેલા મંદિરનું આજે જીર્ણોદ્ધાર કરાયો છે. સોમનાથનો મહિમા વિશ્વભરમાં પ્રસરે એ રીતે ટ્રસ્ટ આગળ વધી રહ્યું છે.

વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સોમનાથના વિકાસને વેગવાન બનાવ્યો : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આ કાર્યક્રમમાં પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી હતી. તેઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભઈ શાહેએ સોમનાથ યાત્રાધામના વિકાસને વેગવાન બનાવ્યો છે. અને તેમના નેતૃત્વમાં સોમનાથમાં અનેક ઘણી યાત્રી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. હજુ પણ આગામી દિવસોમાં યાત્રીઓની સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો થતો રહે તે માટે તેઓ અને સરકાર પ્રયત્નશીલ છે.

મંદિર નજીક દરિયાકિનારે નિર્માણ કરાયેલો દોઢ કીમિનો વોક વે બનશે આકર્ષણનું કેન્દ્ર

સોમનાથ મંદિરની નજીક દરિયાકિનારે 45 કરોડના ખર્ચે  સાગર દર્શન ગેસ્ટહાઉસથી ત્રિવેણી સંગમના બંધાર સુધીનો વોક વે પથ બનાવવામાં આવ્યો છે. સોમનાથ આવતા યાત્રિકોને વોક-વે પરથી એક તરફ સોમનાથ મહાદેવનું મંદિર અને બીજી તરફ ઘૂઘવતા સમુદ્રનો નજારો માણી શકે એ માટે દૂરબીન પણ મુકાયેલું છે. વોક-વે પથ પર યાત્રિકો સાઈકલિંગ અને વોકિંગનો લહાવો લઇ શકશે. વોક-વેમાં યાત્રિકો સમુદ્ર સામે બેસી લહાવો લઇ શકે એ માટે બેસવાની સુવિઘા ઊભી કરવામાં આવી છે. વોક-વેની મઘ્‍યે ફૂડ કોર્ટ કાર્યરત કરવાનું આયોજન કરવામાં આવી રહેલું હોય, જેનો ટૂંક સમયમાં લહાવો યાત્રિકોને મળતો થશે. ઉપરાંત વોક-વે પર પ્રવાસી ભારતની સંસ્કૃતિને લગતાં ચિત્રો નિહાળી શકશે, અહીં ગેલરીમાં રામાયણના જુદા-જુદા પ્રસંગોને તાદૃશ્ય કરતાં ચિત્રો મૂકવામાં આવ્યાં છે. રાત્રિના સમયે મ્યુઝિક અને રંગબેરંગી લાઈટ્સ વોક- વેની સુંદરતામાં વધારો કરશે.

સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર ભવ્ય ભૂતકાળને કરશે ઉજાગર

સોમનાથ સાંનિઘ્‍યે ટૂરિસ્‍ટ ફેસિલિટી કેન્‍દ્રના બિલ્‍ડિંગમાં તૈયાર કરાયેલા સોમનાથ એક્ઝિબિશન કેન્દ્ર (મ્‍યુઝિયમ)માં ભવ્‍ય ભૂતકાળ ધરાવતા સોમનાથ મંદિરના જૂના ખંડિત અવશેષો, પથ્‍થરો અને ભૂતકાળના સોમનાથ મંદિરની નાગર શૈલીની મંદિરની વાસ્તુકલાવાળી પ્રતિમાઓને પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવી છે. આ ઉપરાંત ભૂતકાળના સોમનાથ મંદિર ઉપર ઘટેલી ઐતિહાસિક ઘટનાઓની પ્રતીતિ કરાવતું સાહિત્‍ય, ફોટોગ્રાફસ પણ પ્રદર્શિત કરવા માટે મૂકવામાં આવ્યાં છે. આ મ્‍યુઝિયમ વર્તમાન અને ભાવિ પેઢીને પ્રથમ આદિ જયોતિર્લિંગ સોમનાથ મંદિરના ભવ્‍ય ભૂતકાળથી અવગત કરાવશે.

જુના સોમનાથ મંદિર પરિસરને વધુ સુવિધાયુક્ત અને ભવ્ય બનાવાયું 

સાડા ત્રણ કરોડના ખર્ચે જૂના સોમનાથ મંદિર પરિસરનો વિકાસ કરી સુવિધા ઊભી કરવામાં આવી છે. આ મંદિરને અહિલ્યાબાઈ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એને ઈન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હતું. યાત્રાળુઓની સુરક્ષા અને સંવર્ધિત ક્ષમતા માટે સમગ્ર જૂના મંદિરના પરિસરનો સમગ્ર રીતે પુન:વિકાસ કરવામાં આવ્યો છે. એમાં મંદિરમાં યાત્રિકો સરળતાથી પ્રવેશ કરી બહાર નીકળી શકે એ માટે વિશાળ ખુલ્‍લું પરિસર અને પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યાં છે. પરિસરમાં જ 16 દુકાન બનાવવામાં આવી છે. આ મંદિર ઈન્દોરનાં મહારાણી અહિલ્યાબાઈ દ્વારા બનાવાયું હોવાથી તેમની પ્રતિમા પણ મૂકવામાં આવી છે.

પાર્વતી માતાના મંદિરનું ખાતમુહૂર્ત, કેવું હશે આ મંદિર ?

સોમનાથ તીર્થમાં શિવ અને શક્તિના સમન્વય સમું નિર્માણ થનારું પાર્વતી મંદિર 71 ફૂટની ઊંચાઇ ધરાવતું હશે. મંદિર અંબાજી પંથકના શ્વેત (સફેદ) આરસપહાણ પથ્‍થરોનું બનશે, જેની પ્લેન્થ એરિયા 18,891 ચોરસફૂટ સાથે 66 કોલમ, એટલે કે પિલરનું બાંધકામ થશે. સંપૂર્ણ મંદિર બેથી ત્રણ વર્ષમાં બની જશે. મંદિરમાં સભા મંડપ, ગર્ભગૃહ વિભાગો હશે. પાર્વતી માતાજીના સભા મંડપનું લેવલ હાલના સોમનાથ મંદિર જેટલું સમકક્ષ હશે. મંદિરનું ગર્ભગૃહ 14 બાય 14 ફૂટ રહેશે. મંદિર લાઇટિંગ રોશનીથી સુશોભિત કરાશે.

દિવ્યાંગ, અપંગ દર્શનાર્થીઓ માટે મંદિરનાં પગથિયાં પાસે વ્હીલચેર સહિત મંદિરમાં પહોંચી શકે એવા ઢોળ બનાવાશે. સોમનાથ મંદિરની જેમ દક્ષિણ દ્વારેથી સમુદ્ર દર્શન પણ થઇ શકશે. સોમનાથ મંદિરના સ્વપ્નદૃષ્ટા સરદાર વલ્લભભાઇ પટેલની સોમનાથ મંદિર પરિસરમાં આવેલી પ્રતિમા જેમ સોમનાથ મંદિર સન્મુખ જ માતા પાર્વતીજીનું મંદિર બનશે એમ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.