Abtak Media Google News

ગુજરાતના પ્રવાસન ઉદ્યોગનો પ્રચાર અને પ્રસાર કરવા દાયકા પહેલાં બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને ‘ખુશ્બૂ ગુજરાત કી’ ટેગલાઇન સાથે એક અભિયાન કર્યું હતું. જેની જાહેરાત ખૂબ વિખ્યાત બની હતી અને તેના પગલે ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યા પણ વધી હતી. હવે બીગ-બી ફરીથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગના પ્રચાર અને પ્રસાર માટે એક નવું અભિયાન શરૂ કરી રહ્યા છે અને આ અભિયાનમાં ગુજરાતના એક ડઝન જોવાલાયક સ્થળોને આવરી લેવાશે.

Advertisement

પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા સરકાર સજ્જ : નવા સ્થળો બનશે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

દેશ-વિદેશના પ્રવાસોને ગુજરાત તરફ આકર્ષવા અમિતાભ બચ્ચનની ‘ખુશ્બૂ ગુજરાત કી’નું સ્લોગન ફરી પાછું આવી રહ્યું છે. ગુજરાત સરકારનું પ્રવાસન ખાતું ફરીથી બોલીવૂડના આ મહાનાયકની મદદથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગનું માર્કેટિંગ કરવાની તૈયારી કરી રહ્યું છે. રાજ્ય સરકાર ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને ફરીથી વેગવંતો બનાવવા અમિતાભ બચ્ચનના નેતૃત્વ હેઠળ એક નવું અભિયાન શરૂ કરવા આગળ વધી રહી છે એમ ગુજરાત સરકારના એક ટોચના અધિકારીએ ‘નવગુજરાત સમય’ને જણાવ્યું હતું. સૂચિત નવા પ્રચાર અભિયાનમાં રાજ્યના તાજેતરમાં વિકસેલા એક ડઝન જેટલા જોવાલાયક સ્થળોને આવરી લેવાશે.

કોવિડના પ્રતિબંધો દૂર થયા બાદ રાજ્યના પ્રવાસન ઉદ્યોગમાં વાર્ષિક 60 ટકાનો વધારો નોંધાયો હતો, તદઅનુસાર રાજ્ય સરકારે પણ પ્રવાસન ઉદ્યોગની બજેટ ફાળવણીમાં પણ ધરખમ વધારો કર્યો હતો. પ્રવાસન ઉદ્યોગના વિકાસ માટે ગત વર્ષના બજેટમાં જેટલી ફાળવણી કરવામાં આવી હતી તેની તુલનાએ આ વર્ષના બજેટમાં 347 ટકા વધુ રકમની ફાળવણી કરાઇ છે એમ અધિકારીએ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ‘ખુશ્બૂ ગુજરાત કી’ ટેગલાઇન સાથે 2010માં શરૂ કરાયેલા પ્રચાર અભિયાનને જ્વલંત સફળતા મળી હતી અને આ જાહેરાતના પગલે ગુજરાતમાં પ્રવાસોની સંખ્યામાં પણ ધરખમ વધારો નોંધાયો હતો. આ જાહેરાત બાદ ગુજરાતમાં દર વર્ષે આવતા પ્રવાસીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો નોંધાયો હતો. અમિતાભ બચ્ચનના તે અભિયાનમાં સાપુતારા, કચ્છનું રણ, સોમનાથ-અંબાજી મંદિર અને ગીરના સિંહોના અભયારણ્યનો જોરદાર પ્રચાર કરાયો હતો.

નવા અભિયાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશેષ મહત્વ અપાયું

નવા અભિયાનમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીને વિશેષ મહત્વ અપાયું છે એમ કહેતાં અધિકારીએ ઉમેર્યું હતું કે સોમનાથ, દ્વારકા, અંબાજી પાવાગઢ અને માતાના મઢ જેવા પવિત્ર સ્થાનોએ આકાર લઇ રહેલાં નવા પ્રોજેક્ટોના કારણે આગામી સમયમાં પ્રવાસોની સંખ્યામાં મોટો ધસારો નોંધાઇ શકે છે. ધરોઇ ડેમ, નડા બેટ, ડાંગના જંગલો, શેત્રુંજ્ય ડેમ, બુદ્ધિસ્ટ સર્કિટ ને વડનગર જેવા વિકાસ પામી રહેલા નવા પ્રવાસન સ્થળોનો પણ પ્રચાર કરવામાં આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.