Abtak Media Google News

જૂની અદાવતમાં યુવાને ધોકો મારી જીવલેણ હુમલો કરનાર છત્રપાલ વાળા સહિત બે સકંજામાં

અમરેલીમાં પોલીસ ચોપડે અનેક વાર ચડી ચૂકેલા નામચીન શખ્સ છત્રપાલ વાળાએ ફરી લખણ ઝળકાવ્યા છે.તેને ગઈકાલે તેના મળતીયા સાથે મળી એક યુવાનને જુના ઝઘડાનો ખાર રાખી ધોકા વડે બેફામ માર મારતા તે યુવાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.જે મામલે બનાવની જાણ અમરેલી સીટી પોલીસને થતાં સ્ટાફ દ્વારા બે શખ્સો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તેઓને સકાંજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Advertisement

બનાવની મળતી વિગતો મુજબ અમરેલીના મોજે ખાતે રહેતા ધર્મેન્દ્રભાઈ બહાદુરભાઈ ભેડાએ અમરેલી સીટી પોલીસમાં પોતાની ફરિયાદમાં આરોપીઓમાં નામચીન છત્રપાલ વાળા અને પ્રતિક અશોક ગોહિલ નું નામ આપ્યું હતું જે ફરિયાદમાં તેઓએ જણાવ્યું હતું કે,તેને આરોપી પ્રતિક અશોક ગોહિલ સાથે આઠ માસ પહેલા ઝઘડો થયો હતો. જે વાતનું મન દુ:ખ રાખી તે ગઈકાલે આરોપી છત્રપાલ ચંદ્રકિશોર વાળાને તેની સાથે લઈને આવ્યો હતો. અને જુના ઝઘડા બાબતે બોલાચાલી કરી છત્રપાલ વાળાએ તેને માથાના ભાગે ધોકા ફટકારતા તેઓને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બનાવની જાણ અમરેલી સીટી પોલીસને થતા તેમના દ્વારા બંને શખ્સો વિરુદ્ધ હત્યાની કોશિશ નો ગુનો નોંધી તેઓને સકંજામા લીધા છે.

ઉલ્લેખનીય છે કે આરોપી છત્રપાલ વાળા સામે અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે જ્યારે તેનો પેટ્રોલ પંપ પર ખંડડી માંગી ધમકી દેતો હોવાનો વિડિયો પણ વાયરલ થયો હતો અને તેના દ્વારા અમરેલીના તત્કાલીન એસ.પીને પોતે ડોન છે અને મારું કોઈ ના બગાડી શકે તેવી ઓડિયો ક્લિપ પણ વાયરલ થઇ હતી ત્યારે એ એસપી દ્વારા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી સરભરા કરાવવામાં આવી હતી. જ્યારે આ નામચીન છત્રપાલ વાળાએ ફરી લખણ ઝળકાવતા પોલીસે તેને શકંજામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.