Abtak Media Google News

વર્ષ ૨૦૨૨માં ભારતે ૨૧૯ મિલિયન બોટલની આયાત કરી !!

ફ્રાન્સને પછાડીને ભારત બ્રિટનની સ્કોચ વ્હિસ્કી માટે સૌથી મોટા બજાર તરીકે ઉભરી આવ્યું છે. આંકડા અનુસાર વર્ષ ૨૦૨૨માં બ્રિટનથી ભારતની સ્કોચ વ્હિસ્કીની આયાતમાં ૬૦ ટકાનો વધારો થયો છે.  સ્કોટલેન્ડની અગ્રણી ઉદ્યોગ સંસ્થાના આંકડા પરથી આ માહિતી સામે આવી છે.

સ્કોચ વ્હિસ્કી એસોસિએશન (એસડબ્લ્યુએ) એ શુક્રવારે જણાવ્યું હતું કે, ભારતે ગયા વર્ષે સ્કોચ વ્હિસ્કીની ૭૦૦ એમએલની ૨૧૯ મિલિયન બોટલ આયાત કરી હતી. જ્યારે ફ્રાન્સે ૨૦૫ મિલિયન બોટલની આયાત કરી હતી.

આંકડા દર્શાવે છે કે ભારતીય સ્કોચ માર્કેટ છેલ્લા દાયકામાં ૨૦૦ ટકાથી વધુ વૃદ્ધિ પામ્યું છે. આ સાથે ભારતે સ્કોચ વ્હિસ્કીની આયાતના મામલે ફ્રાંસને પાછળ છોડી દીધું છે. એસોસિએશને જણાવ્યું હતું કે બે આંકડામાં વૃદ્ધિ હોવા છતાં, સ્કોચ વ્હિસ્કીનો ભારતના સમગ્ર વ્હિસ્કી માર્કેટમાં માત્ર ૨ ટકા હિસ્સો છે.

ભારત અને બ્રિટન વચ્ચે મુક્ત વેપાર કરારમાં વ્હિસ્કીની આયાત એક મહત્વપૂર્ણ મુદ્દો છે. હાલમાં ભારતમાં સ્કોચ વ્હિસ્કીની આયાત પર ૧૫૦ ટકા ટેરિફ છે.  કહેવાય છે કે બંને દેશો વચ્ચે એફટીએ ડીલના કારણે સ્કોટિશ વ્હિસ્કી કંપનીઓને ઘણો ફાયદો મળી શકે છે. સ્કોચ વ્હિસ્કી એસોસિએશન અનુસાર તેઓ આગામી પાંચ વર્ષમાં વધારાના ૧ બિલિયન યુરોની વૃદ્ધિ જોઈ શકે છે.

મળતી માહિતી મુજબ સ્કોચ વ્હિસ્કીની બ્રિટનમાંથી સૌથી વધુ અમેરિકામાં નિકાસ કરવામાં આવી હતી.  સ્કોટલેન્ડથી યુએસમાં ૧૦૫.૩ મિલિયન ડોલરની વ્હિસ્કીની નિકાસ કરવામાં આવી હતી. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન ૨૮૨ મિલિયન પાઉન્ડ વ્હિસ્કી ભારત મોકલવામાં આવી હતી.

વર્ષ ૨૦૨૨-૨૩માં અનેક રાજ્ય સરકારની તિજોરીમાં જમા થયેલા દર સાતમાંથી એક રૂપિયો દારૂ પરનો આબકારી જકાત છે. ચોંકાવનારી બાબત એ છે કે, જો આલ્કોહોલ પરની ટેક્સ રેવન્યુ બંધ થઈ જાય તો આ રાજ્યોએ પેંશન બીલની અડધી ચુકવણી માટે ઉધાર લેવાની નોબત આવી જશે.

આલ્કોહોલની ટેક્સ રેવન્યુનો કુલ જીડીપીમાં ૧%નો હિસ્સો !!

રાજ્ય મુજબની સરખામણી સૂચવે છે કે કર્ણાટક, ઉત્તર પ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ એક્સાઈઝ ડ્યુટી પર વધુ આધાર રાખે છે. ડેટા અનુસાર, તેમની પોતાની કરવેરા આવકમાં દારૂનો ફાળો ૨૦% છે.  વિશ્લેષણ માટે ધ્યાનમાં લેવામાં આવેલા ૨૦ મોટા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પૈકી, રાષ્ટ્રીય સરેરાશ કરતા ૧૨નો હિસ્સો વધારે છે. વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતીય રિઝર્વ બેંકના સ્ટેટ ફાઇનાન્સના અહેવાલના ડેટા મુજબ રાજ્યની આબકારી જકાતની આવકમાં ૧૧.૪% હિસ્સો હતો જે વર્ષ ૨૦૨૨-૨૩માં વધીને ૧૪.૧% થવાની ધારણા છે. આબકારી જકાત ૨૦૨૨-૨૩માં રાજ્યોના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ૧% હિસ્સો ધરાવશે, જે ૨૦૧૩-૧૪ માં ૦.૭૨% હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.