Abtak Media Google News

ઉદ્યોગપતિ અરૂણ પિલ્લઈની ધરપકડ બાદ કે. કવિતાને પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવાયું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને દિલ્હી એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસના સંબંધમાં સમન્સ પાઠવ્યું છે. ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) પાર્ટી એમએલસી, 44 વર્ષના કવિતાને 9 માર્ચે રાષ્ટ્રીય રાજધાનીમાં સંઘીય એજન્સી સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસમાં ઇડીએ કવિતાના નજીકના અરુણ આર પિલ્લઈ અને સીએબુચી બાબુની ધરપકડ કરી છે.

ગયા વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઈ દ્વારા કવિતાની પૂછપરછ કરવામાં આવી હતી.ઇડીએ પિલ્લઈની ધરપકડ કરી દાવો કર્યો કે હૈદરાબાદ સ્થિત ઉદ્યોગપતિએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયાની લાંચ આપવા માટે “સાઉથ ગ્રૂપ” સાથે “સાંઠગાંઠ” કરી હતી. પિલ્લઈની સોમવારે રાત્રે ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને મંગળવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે પિલ્લઈને 13 માર્ચ સુધી ફેડરલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં મોકલી આપ્યો છે. ઇડી દ્વારા આ કેસમાં આ 11મી ધરપકડ છે.

ઇડીએ દાવો કર્યો હતો કે તે તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી અને વિધાન પરિષદના સભ્ય કે. કવિતા અને અન્ય લોકો સાથે જોડાયેલા કથિત લિકર કાર્ટેલ ’સાઉથ ગ્રુપ’નું પ્રતિનિધિત્વ કરે છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં સીબીઆઈ દ્વારા કવિતાની પૂછપરછ કરવામાં આવી હતી.

કેન્દ્રીય તપાસ બ્યુરો દ્વારા આ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની ધરપકડ બાદ આ સમન્સ પાઠવ્યું છે. સિસોદિયાની 26 ફેબ્રુઆરીએ એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતા સંબંધિત કેસમાં ચાલી રહેલી તપાસમાં ધરપકડ કરવામાં આવી હતી.

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે તેને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે.

એવો આરોપ છે કે દારૂના વેપારીઓને લાયસન્સ આપવા માટે દિલ્હી સરકારની 2021-22ની આબકારી નીતિએ ઉદ્યોગસાહસિકોને મિલીભગત કરવાની તક આપી હતી અને તેના માટે કથિત રીતે લાંચ આપનારા કેટલાક ડીલરોને અનુચિત તરફેણ કરવામાં આવી હતી. જોકે, આમ આદમી પાર્ટીએ આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો છે. બાદમાં આ નીતિને રદ કરવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી, જેના પગલે ઇડીએ પીએમએલએ હેઠળ આરોપીઓ સામે કેસ નોંધ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.