Abtak Media Google News

જે સરકાર વેપારી તેની પ્રજા ભિખારી !!!

હવે શરાબ વેંચાણ લાયસન્સ પણ ફક્ત ૨૧ વર્ષની વયે જ મળી જશે: નવી એક્સાઇઝ એમેડમેન્ટ એકટને મંજૂરી આપી દેવાઈ

હરિયાણા સરકારે દારૂના ખરીદ-વેચાણ માટે પહેલાથી જ નક્કી કરેલી ૨૫ વર્ષની ઉંમર ઘટાડી દીધી છે.  હવે ૨૧ વર્ષની ઉંમરે દારૂ વેચવાનું લાયસન્સ મળી શકશે અને સામે હવે ૨૧ વર્ષની ઉંમરના પીનારાઓને દારૂ વેંચી પણ શકાશે. હરિયાણા સરકારે એક્સાઇઝ એમેન્ડમેન્ટ બિલ પાસ કરી દીધો છે. જેનો સ્પષ્ટ મતલબ છે કે, રૂપિયા રળવા માટે હરિયાણા સરકારે દારૂ પીનારાઓની ઉંમરમાં ઘટાડો કરી દીધો છે.

હરિયાણામાં હવે ૨૧ વર્ષની વય વટાવી ચૂકેલા યુવાનો દારૂ વેચવાનું લાઇસન્સ મેળવી શકશે. સરકારે લાઇસન્સ આપવાની વય મર્યાદા ૨૫ વર્ષથી ઘટાડીને ૨૧ વર્ષ કરી છે જ્યારે હવે શરાબના સેવન માટે સમાન ઉંમર ગણવામાં આવશે. આ નિર્ણય દિલ્હી સરકારની તર્જ પર લેવામાં આવ્યો છે. હરિયાણા એક્સાઇઝ (સુધારા) બિલ, ૨૦૨૧ બુધવારે ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું, જેનાથી તેનો માર્ગ મોકળો થયો હતો.

કોંગ્રેસ વતી ધારાસભ્ય કિરણ ચૌધરી અને ગીતા ભુક્કલે આ સુધારા સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, દારૂના વેચાણ અને સેવન માટેની અધિકૃત ઉંમર વધારીને ૨૧ વર્ષ કરવાથી યુવાનોને શરાબ તરફ આકર્ષવામાં આવશે, યુવાનો નશાના રવાડે ચડશે, આ સુધારો અયોગ્ય છે, સરકારે તેને પાછું લેવું જોઈએ. જો કે, વાંધો હોવા છતાં સરકારે બિલ પાસ કરી દીધું છે.

નાયબ મુખ્ય પ્રધાન દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું હતું કે, હરિયાણા એક્સાઇઝ એક્ટ, ૧૯૧૪ ની કલમ ૨૭એમાં  જોગવાઈ છે કે, દેશી દારૂ અથવા માદક દ્રવ્યોના ઉત્પાદન, જથ્થાબંધ અથવા છૂટક વેચાણ માટે ૨૫ વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિને લાઇસન્સ આપી શકાતું નથી.

કલમ ૨૯માં પચીસ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને દારૂના વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મુકાયો છે.  કલમ ૬૨ જોગવાઈ કરે છે કે, જો કોઈ લાઇસન્સ ધારક અથવા તેનો કર્મચારી ૨૫ વર્ષથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિને કોઈપણ દારૂ અથવા ડ્રગનું વેચાણ કરે છે, તો તે અન્ય કોઈપણ સજા ઉપરાંત ૫૦ હજા રૂપિયા સુધીના દંડને પાત્ર રહેશે.

વર્ષ ૨૦૨૧-૨૨  માટે આબકારી નીતિ ઘડતી વખતે, નિશ્ચિત વય મર્યાદા ૨૫ વર્ષથી ઘટાડીને એકવીસ વર્ષ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. ભૂતકાળની સરખામણીમાં હવે સામાજિક-આર્થિક સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે.  યુવાનો હવે વધુ શિક્ષિત છે, અને જ્યારે શરાબની વાત આવે છે ત્યારે તેઓ તર્કસંગત નિર્ણયો પણ લઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.