યુરો-2020 ટૂર્નામેન્ટ રોચક તબક્કામાં: ડેનમાર્ક અને બેલ્જીયમનો આખરી 16માં પ્રવેશ

યુરો કપ-2020 ચેમ્પીયનશીપ હવે રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. આજે વધુ બે ટીમોએ આખરી 16માં પ્રવેશ મેળવી લીધો હતો. જોરદાર અને આક્રમક  ફૂટબોલનું પ્રદર્શન કરીને ડેનમાર્કની ટીમે રશિયાને 4-1થી કચડી નાખી ગ્રુપ-બીમાં ટોપમાં રહીને આખરી 16માં પ્રવેશ પાકો કરી લીધો હતો. જ્યારે બીજા એક મહત્વના મેચમાં રોમેલુ લુકાકુના ગોલની મદદથી બેલ્જીયમે ફિનલેન્ડને 2-0થી પરાજીત કરી આખરી-16માં જગ્યા પાકી કરી લીધી હતી.

ઓપન હેગનમાં રમાયેલા રોમાંચકારી મેચમાં ડેનમાર્કે મેચના પ્રારંભથી જ પ્રભુત્વ સ્થાપિત કરી રાખ્યું હતું. ડેનમાર્ક પાસે પહેલા 2 મેચથી કોઈ પોઈન્ટ મળ્યા ન હોવાથી આ મેચમાં વિજય મેળવવાનું ડેનમાર્ક માટે અત્યંત જરૂરી હતું. જો બે ગોલથી રશિયાને હરાવે અને સામે ફિનલેન્ડ હારી જાય તો ડેનમાર્કનો આખરી 16માં પ્રવેશ  શકય હતો. ટેકેદારોની ચીચીયારી વચ્ચે ડેનમાર્કે જોરદાર રમતનું પ્રદર્શન કર્યું હતું અને રશિયા સામે 4-1થી જોરદાર વિજય પ્રાપ્ત કર્યો હતો. આ રીતે ગ્રુપ-બીમાં ડેનમાર્ક બીજા સ્થાને આવી ગયું હતું.

ડેનીશ સાઈટ તરફથી માઈકલ ડેમસ્ગાર્ડ, યુસુફ પોલશન, ક્રિસ્ટેન્શન અને જુવાકીમ માઈલેએ ગોલ ફટકાર્યા હતા. ટૂર્નામેન્ટમાં આ તેમનો પ્રથમ વિજય હતો. અન્ય મેચમાં તેમણે ડ્રો થી સંતોષ માનવો પડ્યો હતો. હવે અંતિમ 16માંં શનિવારે ડેનમાર્કનો મુકાબલો વેલ્સ સાથે થશે.

બીજા એક મેચમાં રોબેલુ લુકાકુના જાદૂઈ ગોલના કારણે બેલ્જીયમે ફિનલેન્ડને 2-0થી પરાજીત કરવામાં સફળતા મેળવી હતી. બીજો ગોલ ઓન ગોલ હતો જે ખુદ ફીનલેન્ડના ખેલાડીની ભુલના કારણે થયો હતો. સમગ્ર મેચમાં લુકાકુ છવાયેલો રહ્યો હતો. બેલ્જીયમ અત્યારે વિશ્ર્વની નંબર-1 ટીમ ગણાય છે. સેવીલેમાં આગામી રાઉન્ડમાં બેલ્જીયમનો મુકાબલો ત્રીજા સ્થાને આવેલી ટીમ સાથે થશે. ફિનલેન્ડે જો મેચ ડ્રો કરી લીધો હોત તો આખરી 16માં તેમનો પ્રવેશ નક્કી હતો પરંતુ લુકાકુ જીનીયસે બાજી ફેરવી નાખી હતી અને મોટો અપસેટ સર્જાતો રહી ગયો હતો. આ વખતે પહેલીવાર બેલ્જીયમે સૌથી શક્તિશાળી ટીમ મેદાનમાં ઉતારી હતી.

શું તમને ખબર છે વરસાદના 12 નામ વિશે….? બારેમેઘ ખાંગા કોને કહેવાય…?

કેપ્ટન એડલ હેજાર્ડ, કેવીન ડીબ્રુઈન અને વીકસેલ ઉપરાંત લુકાકુને રમાડ્યા હતા જેના પરિણામે ફિનલેન્ડની આશાઓ ધુળધાણી થઈ ગઈ હતી.ફિનલેન્ડની ટીમ દ્વારા મેચમાં પાછા ફરવા માટે ભરચક્ક પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ તેના ડિફેન્ડર થોમસ વર્મેલીને હેડર કરતી વખતે પોતાની જ ટીમના ગોલપોસ્ટમાં દડો નાખી દીધો હતો જેના કારણે ફિનલેન્ડ માટે પાછા ફરવાનું અશક્ય બની ગયું હતું. છતાં તેમણે બેલ્જીયમ જેવી પાવરહાઉસ ટીમ સામે 90 મીનીટ સુધી જોરદાર ટક્કર ઝીલીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.

યુરો કપ મુકાબલા વિશ્ર્વકપના આયોજન પહેલાની મહત્વની ચેમ્પીયનશીપ ટૂર્નામેન્ટ માનવામાં આવે છે જેમાં યુરોપની ટોચની ટીમો અને ખેલાડીઓના ફૂટબોલ કર્તવો જોવાનો પ્રેક્ષકોને લ્હાવો મળતો હોય છે હવે આ સ્પર્ધા નોકઆઉટ તબક્કામાં પ્રવેશી હોવાથી વધુ દિલધડક અને રોમાંચક મુકાબલા જોવાની પ્રેક્ષકોને તક મળશે.

હવે પછીના તમામ મુકાબલાઓ રોમાંચક રહેશે. આ વખતેનો યુરો કપ-2020 એકદમ અલગ સાબિત થઈ રહ્યો છે અને પ્રેક્ષકો પણ મન મુકીને મજા લઈ રહ્યા છે ત્યારે ગઈકાલના મુકાબલામાં ફિનલેન્ડની ટીમ દ્વારા મેચમાં પાછા ફરવાના અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ છેલ્લે બેલ્જિયમ પાવર હાઉસ ટીમ સામે 90 મિનિટ સુધી જોરદાર ટકકર આપ્યા બાદ પ્રેક્ષકોના દિલ જીતી લીધા અને મેચનો અંદાજ ખુબ જ જોરદાર રહ્યો છે.