વંથલીના સેંદરડા ગામે વૃધ્ધ દંપતીની હત્યા કરી રૂા.7 લાખની મત્તાની લૂંટ

 

જૂનાગઢના મહિલા કોન્સ્ટેબલના માતા-પિતાની હત્યા અને લૂંટની ઘટનાનો ભેદ ઉકેવા વિવિધ દિશામાં તપાસ

 

અબતક,જય વિરાણી કેશોદ

વંથલી તાલુકાના સેંદરડા ગામે વાડીએ એકલા રહેતા વૃધ્ધ આહિર દંપત્તીની અજાણ્યા શખ્સોએ હત્યા કરી રૂા.70 લાખની મત્તાની લૂંટ ચલાવતા સનસનાટી મચી ગઇ છે. જૂનાગઢના મહિલા કોન્સ્ટેબલની હત્યા અને લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વંથલી તાલુકાના સેંદરડા ગામે રાજાભાઇ દેવદાનભાઇ જીલડિયા (ઉ.વ.65) અને તેમના પત્ની જાલુબેન (ઉ.વ.70) ટીનમસ જવાના રસ્તે સીમમાં આવેલી પોતાની જમીનમાં બનાવેલા મકાનમાં રહેતા હતા. ગત તા.17મી જાન્યુઆરી ની રાત્રે બંને પતિ-પત્ની ઓસરીમાં સૂતા હતા. ત્યારે અજાણ્યા શખ્સોએ તેમની ઓશીકું દબાવી અને માથામાં બોથડ પદાર્થ ઝીંકી હત્યા કરી નાખી હતી. અને બાદમાં તેમના ઘરમાંથી રોકડ અને સોનાના દાગીના સહિત આશરે રૂ.7 લાખની માલમત્તાની લૂંટ કરી હતી. સીમમાં બનેલી આ ઘટના અંગે કોઇને તરત ખ્યાલ નહોતો આવ્યો. પણ ગામના કાજલબેન કાનાભાઇ ખટારિયા મંગળવારના સવારે 8:45 વાગ્યે તેમને ત્યાં દૂધ લેવા આવતાં તેઓએ ઓસરીમાંજ બંનેના લોહીલુહાણ મૃતદેહો જોયા હતા. આથી તેઓ ડરીને પોતાના પિતાને ત્યાં જતા રહ્યા હતા. અને બાદમાં રાજાભાઇના જૂનાગઢમાં કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા પુત્રી કુંવરબેન અને બાજુના ટીનમસ ગામેે ખેતી કરતા પુત્ર અશ્વિનભાઇને જાણ કરી હતી.

આ અંગે બનાવની જાણ થતાં વંથલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે ઓસરીની બાજુના બે ખુલ્લા રૂમોમાં તમામ ઘરવખરી અસ્તવ્યસ્ત જોઇ હતી. આથી અશ્વિનભાઇ અને કુંવરબેનને પૂછતાં ડાબી બાજુના રૂમમાં આવેલી દાણો ભરવાની કોઠીમાં સ્ટીલના ડબ્બામાં 3 લાખ જેવી રોકડ અને બીજી એક પેટીમાં આશરે રૂ.4,50,000ના સોનાના ઘરેણાં હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસ તપાસમાં રોકડ કે ઘરેણાં જોવા નહોતા મળ્યા. આથી વૃદ્ધ દંપતીની હત્યા લૂંટના ઇરાદે થયાનું માની અજણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. સાથે બનાવમાં કોઇ જાણભેદુ છે કે કેમ એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

જ્યાં બનાવ બન્યો ત્યાંથી નજીકના વિસ્તારમાં એક સ્થળે સત્યનારાયણની કથા હતી. આથી રાત્રે સાડા બાર એક વાગ્યા સુધી લોકોની અવરજવર ચાલુ જ હતી. જેથી મોડી રાતના એકાદ વાગ્યા બાદ જ હત્યારાઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શંકા સેવાઇ રહી છે.

પોલીસે ઘટનાની નોંધ કરી દંપતિના મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર ખસેડાયા હતા. આસપાસની વાડીઓમાં રહેતા ખેડુતોમાં પણ લૂંટ અને હત્યાના બનાવથી ડરનો માહોલ છવાઇ ગયો છે.

રાજાભાઇનો એક પુત્ર જગદીશ સુરત અને એક પુત્રી ખોરાસા રહે છે.મૃતકના કોન્સટેબલ પુત્રી કુંવરબેને મહિલા પીએસઆઇ ડોડિયાને ઘટના અંગે પોતે કાંઇક જાણતી હોવાના સંકેત કર્યા હતા. આથી પીએસઆઇ ડોડિયાએ તમામને રૂમની બહાર કાઢી દરવાજો બંધ કરી માહિતી મેળવી હતી.