Abtak Media Google News

જૂનાગઢના કોંગી આગેવાની સરા જાહેર થયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. મૃતકના પરિવાર દ્વારા ભાજપ આગેવાનના ઇશારે હત્યા થયાના કરેલા આક્ષેપ સાથે 19 સામે હત્યાનો ગુનો નોંધવાની માગ કરી મુખ્ય સુત્રધારની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. હત્યાના પગલે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી જૂનાગઢ દોડી ગયા છે. હત્યાના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને રાજકોટ તાલુકા પોલીસે ધરપકડ કરી જૂનાગઢ પોલીસને સોપી દીધા છે. જૂનાગઢ પોલીસે વધુ ચાર શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્ર અને કોંગી અગ્રણી ધર્મેશ લાખાભાઈ પરમારની ગઈકાલે સરાજાહેર કરવામાં આવેલ કરપીણ હત્યાથી જૂનાગઢ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે,  મૃતકના પરિવારજનો આ હત્યા રાજકીય રીતે કરવામાં આવી હોવાના આક્ષેપો કરી રહ્યા છે, ત્યારે એસપીના જણાવ્યા અનુસાર તમામ મુદ્દા ઉપર તપાસ ચાલી રહી છે. તો બીજી બાજુ આ હત્યાની ફરિયાદ હજુ લેવામાં આવી નથી, અને ફરિયાદ નોંધાય નહી અને મુખ્ય આરોપીઓ ઝડપાઈ નહિ ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કરી દીધો છે. દરમિયાન આ ઘટનામાં રાજકોટ તાલુકા પોલીસે ત્રણ શખ્સોને રાઉન્ડઅપ કર્યા છે.

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના 50 વર્ષીય પુત્ર ધર્મેશ લાખાભાઈ પરમારની ગઈકાલે બપોરના બાર વાગ્યાના અરસામાં શહેરના  બિલખા રોડ ઉપર આવેલા રામ નિવાસ નજીક હત્યા થવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસામ શેટ્ટી, જુનાગઢ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, એ-ડિવીઝન પી.આઇ તથા એલસીબી અને એસઓજીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી, હત્યારાઓને પકડી પાડવા તજવીજ હાથ ધરાઇ હતી. જે દરમિયાન ધારાસભ્યના પુત્ર મનોજભાઈ જોશી, જૂનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, રાજકીય અગ્રણી બટુક મકવાણા, તથા શહેરના આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.અને પૂર્વ લાખાભાઈ પરમારને સાંત્વના આપી હતી.  આ ઘટનાની જાણ થતા જૂનાગઢ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને અનુસૂચિત જાતિના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. અને મૃતકના પરિવારજનોએ આ હત્યામાં સંડોવાયેલા અમુક રાજકીય અગ્રણીઓ અને બૂટલેગરો તથા માથાભારે શખ્સોના જણાવેલ આરોપીના નામ સાથે ફરિયાદ  નોંધાય નહિ અને આ હત્યાના મુખ્ય આરોપીઓ જયા સુધી પકડાઈ નહિ ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવા ઇનકાર કરી દીધો છે.

જૂનાગઢના કોંગ્રેસના અગ્રણીની હત્યા અને તેમના મૃતદેહ સ્વીકારવાના ઇનકાર બાદ  હોસ્પિટલ ખાતે પણ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. અને સ્થિતિ સંવેદનશીલ જણાતા લાખાભાઈ પરમારના નિવાસસ્થાન અને આંબેડકર નગર તથા રામનિવાસ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે. જ્યારે ગઈકાલે હોસ્પિટલ ખાતે પણ પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસણ સેટીના માર્ગદર્શન નીચે જુનાગઢ વિભાગીય ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, ડીવાયએસપી ડામોર, એ ડિવિઝન પી.આઈ, એલસીબી અને એસઓજી સહિતના પોલીસ અધિકારીઓ આ ઘટનાના આરોપીઓને ઝડપી લેવા તેમની ટીમ સાથે જોતરાયા હતા.

દરમિયાન ધર્મેશ પરમારની હત્યા બાદ જૂનાગઢ પોલીસે શહેરમાંથી બહાર જતા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું જેમાં આ હત્યાના 3 આરોપીઓ રાજકોટ તરફ જતા હોવાનું જાણમાં આવતા, જુનાગઢ પોલીસ દ્વારા રાજકોટ પોલીસને જાણ કરાઇ હતી ત્યારે રાજકોટ તાલુકા પીએસઆઇ જે.વી. ધોળા, પીએસઆઇ ડામોર સહિતના સ્ટાફે કમલેશ ઉર્ફે મચ્છર સુરેશ સોલંકી, ઋષિરાજ ઠાકોર અને રામ જીવરાજ વાળાને ગઈકાલે જ રાજકોટની ગોંડલ ચોકડી નજીકથી પકડી પાડયા હતા અને જુનાગઢ પોલીસને જાણ કરાતા જૂનાગઢ એસ.ઓ.જી. ત્રણેય શખ્સોને જુનાગઢ લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી.

આ ઘટના અંગે મૃતક ધર્મેશ પરમારના પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃતક ધર્મેશભાઈ બિલખા રોડ ઉપર રામ નિવાસ વિસ્તાર માંથી પોતાના બાઈક જીજે 11 બીકે 7324 લઈ પોતાના છાત્રાલય જઈ રહ્યા  હતા ત્યારે કેટલાક શખ્સો આવી ચડ્યા હતા, અને ધર્મેશભાઈની બાઈક પછાડી દઈ, જમીન પર પટકાયેલા ધરમેશભાઈ પર તલવાર, ધારિયા અને કુહાડી જેવા ઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા અને આડેધડ અસંખ્ય જીવલેણ કરાયેલ ઘાના કારણે લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા, બાદમાં ધર્મેશભાઈને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ તે દરમિયાન ધર્મેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.

બીજી બાજુ જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમાર દ્વારા આ હત્યા રાજકીય રીતે અને રાજકીય ઈશારા પર થઇ હોવાના આક્ષેપ કરી રહ્યા છે. લાખાભાઈના જણાવ્યા અનુસાર આ બનાવ પાછળ રાજકીય દોરીસંચાર કારણભૂત છે અને ભાજપના આગેવાન પર ખુલ્લો આક્ષેપ કરી જ્યાં સુધી તેમના નામો એફઆઇઆરમાં ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે જ્યારે મરણ જનાર ધર્મેશભાઈના ભાઈ રાવણ લાખાભાઈ પરમારે પણ આક્ષેપ કર્યો છે કે મારા ભાઈની હત્યા રાજકીય ઈશારે થઈ છે અને અમને મારી નાખવાની સાજીસ બે વર્ષથી ચાલતી હતી અને પોલીસ રક્ષણ માંગતા હતા અને આ મામલે અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા રક્ષણ મળ્યું ન હતું જો પોલીસ રક્ષણ મળ્યું હોત તો આ ઘટના બની ન હોત.

દરમ્યાન આ મુદ્દે જૂનાગઢ જિલ્લા પોલીસ વાળા રવિ તેજા વાસમ્ સેટી ના જણાવ્યા અનુસાર ધર્મેશ પરમારની હત્યા રાજકીય રીતે થઈ છે કે કેમ ? તે કહી શકાય નહીં, કારણ કે મરણ જનાર ઉપર પણ  એક થી વધુ ગુના નોંધાયેલા છે અને ચૂંટણી પૂર્ણ થયા ને પણ ઘણો સમય વીતી ગયો છે તે દરમિયાન આવી કોઈ જ ઘટના બની નથી અને આ બનાવ પાછળ જૂનું મનદુ:ખ હોવાની થિયરી પણ કામ કરી રહી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે આ હત્યા બાબતે પોલીસ તમામ બાબતે તપાસ કરી રહી છે,

હાલમાં તો જૂનાગઢના પૂર્વ મેયર અને કોંગ્રેસના ધુરંધર અગ્રણીના પુત્ર ધર્મેશ પરમાર ની હતી અને લઈ દે શહેરમાં ચકચાર મચી જવા પામી છે અને મરણ જનારના પરિવારજનો દ્વારા જ્યાં સુધી ફ્રી ફાયર માં આરોપીઓના જણાવ્યા મુજબનાં નામો લેવામાં નહીં આવે અને મુખ્ય આરોપીઓને ઝડપી લેવા માં લેવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સંભાળવાની સંભાળવાનો ઇનકાર કરી દીધો છે ત્યારે ડીવાયએસપી સહિતના અધિકારીઓનો હાલમાં લાખાભાઈ પરમારના નિવાસસ્થાન અને આંબેડકર નગર તથા રામનિવાસ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને સતત પેટ્રોલિંગ હાથ ધરાયું છે. અને પોલીસની વિવિધ ટીમ બનાવી શકમંદ અને આરોપીઓને રાઉન્ડ અપ કરવા તજવીજ હાથ ધરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.