Abtak Media Google News

“ત્રણ લોકોનો નાથ પણ ર્માં વિના અનાથ”

મધર્સ ડે

પિતાને ભલે ‘ઘરનો મોભી’ કહેવાય પરંતુ ‘ઘર’ તો ર્માં થી જ બને

મે માસના બીજા રવિવારના દિવસને સમગ્ર વિશ્ર્વ “મધર્સ ડે” તરીકે ઉજવે છે.  ખરેખર તો,દરેક દિવસ અને

પ્રત્યેક ક્ષણ ઉપકારી માતાની જ  હોવી જોઈએ.

મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે જૈન દર્શન અણમોલ છે.આગમકાર ભગવંતોએ એટલું વિપુલ સાહિત્ય આપેલું છે કે કોઈપણ પ્રસંગ કે ઘટના આગમના માધ્યમથી ઉજાગર કરી શકાય છે.

‘મા ’ અને તેના ઉપકારો વિશે અનેક વિદ્ગાન ચિંતકો, લેખકો, સાહિત્યકારો, કવિઓ સહિત અનેક લોકોએ દુહા, છંદ, કાવ્ય અને લેખો દ્રારા મમતાળુ મા નો અનેરો મહિમા વર્ણવ્યો છે. કવિ દુલા કાગ કહે છે…

“ભક્તિ થકી તો ભજતા

મહેશ્ર્વર આવી મળે,

ન મળે એક જ મા,

કોઈ ઉપાયે કાગડા”

એમ કહેવાય છે કે “મા” અર્થ દુનિયાની બધી જ ભાષાઓમાં “મા” થાય છે !

માત્ર મનુષ્ય જાતિમા જ નહીં પરંતુ દરેક જીવો માટે મા નો ફાળો અમૂલ્ય છે. ચીં…ચીં…કરતી ચકલીઓ પોતાની ચાંચ વડે પોતાના બચ્ચાના મુખમાં દાણા મૂકતું દ્ગશ્ય કેવું અદભૂત હોય છે.પોતાના વાછરડાને ઘડીભર ન જોતી વ્યાકુળતા અનુભવતી ગાયનો પ્રેમ કેવો અજોડ હોય છે.

કવિ બાલમુક્ધદ દવેએ પણ આ જ વાત કરી કે “ઈશ્વર બધે પહોંચી શકતો નહીં હોય તેથી તેણે માતાનું સર્જન કર્યુ હશે.” સુરેશ દલાલ મા નો મહિમા બતાવતા કહે છે કે… “મા” તું એક એવું વૃક્ષ કે જયાં ઝંઝાવાત પણ નિરાંત અને શાંતિનો શ્ર્વાસ લે.

કયારેક અચાનક ઠેસ વાગે ને તો સૌથી પહેલાં મા યાદ આવે.એ…..‘મા’ બોલાય જાય.એટલે જ કવિ કહે છે…

અણધાર્યા આવી ઘટમાં દુ:ખના ઘા,

નાભિથી વેણ નીકળે,

મોઢે આવે મા”

આઠ – દશ વર્ષના એક બાળકની માતાનું અચાનક અવસાન થતાં નિર્દોષ બાળક બોલી ઉઠ્યો…મારા માટે તો આખા જગતનું મૃત્યુ થઈ ગયું છે.બાળક કહે છે…હવે કોણ મારી શાંતિથી, પ્રેમથી,વાત્સલ્યથી, સ્નેહથી સાર સંભાળ લેશે ? હવે કોણ કહેશે કે બેટા તું જમ્યો ? એટલે જ કહેવાય છે કે પિતાને ભલે “ઘરનો  મોભ “કહેવાય પરંતુ “ઘરનું છાપરૂ અને છજ્જુ” તો માત્ર માતા જ બની શકે. અનરાધાર અમૃત જેનાં નયનોમાં નેહ બની અવિરત નીતરતું હોય એને મા કહેવાય.

કાઠીયાવાડની બહેનો વહેલી સવારના કવિ શ્રી બોટાદકરની પંક્તિ લલકારતી સાંભળવા મળે છે…

મીઠા મધુ ને મીઠા મેહૂલા રે લોલ,

એથી મીઠી તે મોરી માત રે,

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.

જૈનાગમ ઠાણાંગ સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યું કે જગતમાં ત્રણનો ઉપકાર કદી વાળી શકાતો નથી તેમાં જન્મદાત્રી માતાને પ્રથમ સ્થાન આપેલું છે. મધર્સ ડે હોય અને માતા ત્રિશલાના ઉપકારને કેમ વિસરી શકાય ? તારક તીથઁકર ત્રિલોકીનાથ પ્રભુ મહાવીરને પોતાની કૂખે જન્મ દેનારી રત્નકુક્ષિણી ત્રિશલા માતાનો ઉપકાર જિન શાસન ઉપર અનંતો છે.”ત્રિશલા માતા એટલે વાત્સલ્યની મૂર્તી” ગર્ભમાં રહેલા બાળકનું હલન – ચલન થોડી વાર માટે સ્થિર થતાં જ માતા ત્રિશલા ચિંતીત બને છે  કે મારા બાળકને કાંઈ થયું તો નહીં હોય ને ?

ભગવતી સૂત્ર શતક 9 મુજબ પ્રભુ મહાવીરની પ્રથમ માતા દેવાનંદા મોક્ષમાં બીરાજમાન છે.દેવાનંદા જયારે પ્રભુના દર્શન કરવા જાય છે ત્યારે પ્રભુ મહાવીરને નિહાળતા જ સાડા ત્રણ કરોડ રોમરાય રોમાંચિત અને પ્રફુલ્લિત થઈ જાય છે.અનિમેષ દ્રષ્ટિથી મહાવીરને જોયા જ કરે છે.ગૌતમ ગણધર પ્રભુને પુછે છે કે હે પ્રભુ ! આ કોણ છે ? ખુદ તીથઁકર પરમાત્મા કહે છે કે..

હે ગૌતમ ! આ દેવાનંદા મારી માતા છે.

આગમકાર ભગવંત કહે છે કે માતા ત્રિશલા બારમા દેવલોકે બીરાજમાન છે.ગર્ભથી લઈને પોતે જીવે ત્યાં સુધી પોતાના બાળકોની ખેવના કરે તેને મા કહેવાય શ્રી અંતગડ સૂત્ર કહે છે કે ત્રણ ખંડના નાથ શ્રી કૃષ્ણ વાસુદેવ પણ પોતાના ઉપકારી માવિત્રોને નિત્ય પાય વંદન કરતાં હતાં.જ્ઞાતાધર્મ કથામાં ઉલ્લેખ છે કે મલ્લિ ભગવતીજી અને બુદ્ધિનો બેતાજ બાદશાહ અભય કુમાર પણ ઉપકારી માવતરોને નમસ્કાર કર્યાબાદ પોતાની દિન ચર્યાનો પ્રારંભ કરતાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.