Abtak Media Google News

લોકગીતોમાં ભારતીય સંસ્કૃતિનું દર્શન થાય છે: નાનો ડેરો

‘કચ્છનો કોહિનૂર’ ખિતાબ મેળવનાર દેવરાજ ગઢવીએ સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશોમાં વસતા ગુજરાતીઓને ભજનની ભાતીગળ કલાથી મંત્રમુગ્ધ કર્યા છે

‘શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,વરખાંમાં ભલો કચ્છડો બારે માસ’

સૌરાષ્ટ્ર-ગુજરાતના પ્રસિધ્ધ ભજનીક અને કચ્છના કોહીનૂરનો ખિતાબ મેળવેલાં દેવરાજ ગઢવી ‘નાનોડેરો’ કે જેણે લોક સંગીત ક્ષેત્રે હરણફાળ ભરી છે. અનેક એવોર્ડ વિજેતા નાનાડેરાએ પોતાની આગવી ભજન પરંપરાની દેશીલઢણથી ભજનો વહેતાં કરી ભજનપ્રેમીઓના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આવા કચ્છના માણીગર મોરલારૂપી અષાઢી કંઠના ગાયક દેવરાજભાઇ ગઢવી નાનાડેરાની કલાક્ષેત્રેની યાત્રા ‘અબતક ચેનલ’માં કંડારી પ્રસારણ કરવામાં આવેલ. તેનો સંક્ષિપ્ત અહેવાલ અહીં રજૂઆત કર્યો છે.

આ પંક્તિને સાર્થક કરતાં કચ્છડાના માંડલી પંથકના ખોબા જેવડા ગામ પાંચોટીયામાં રહેતા ચારણ પરિવારમાં જન્મેલાં દેવરાજ ગઢવી ‘નાનોડેરો’ કે જેમનાં પરિવારમાં આજીવિકાનું સાધન માત્રને માત્ર ખેતી હતું. બે ભાઇઓમાં મોટા ભાઇ કરશન સામત ગઢવી કે જે ગામડે રહી અને ખેતીનું કામ કરતાં. પિતા સામતભાઇ પણ ભજન પ્યાસી અને ભજન ગાયક પણ હતાં જેથી દેવરાજ ગઢવી ‘નાનોડેરો’ ભજનની કલા વારસામાં જ મળી છે. માત્ર 4 ધોરણ સુધીના અભ્યાસ બાદ પિતા સામતભાઇને પગનું દર્દ ‘કિડીયારૂં’ થતાં અનેક સારવાર પછી આખરે પગને કપાવવો પડ્યો.

બાદમાં મોટાભાઇ અને દેવરાજ બંને સાથે નાનપણથી જ મંજૂરી કામે વળગી ગયાં હતાં. નાના એવા પંચોટીયા ગામે મંજુરી સ્ત્રોત ન હોય આખરે માતા-પિતાએ એવું નક્કી કર્યું  કે બાજુમાં જ જૈનોનું બાળા ગામ ખાતે રોજીરોટી કમાવવા પ્રણાન કર્યું અને બંને ભાઇ  મંજૂરી કામ કરતાં. પિતાજી ભજનના સારા ગાયક હોય ગામ અને આસપાસના ગામોમાં ભજન કરવા જતા તેની સાથે જ દેવરાજભાઇ પણ ભજનમાં જતાં અને ધીરેધીરે ભજનની થોડી ઘણી સૂઝ આવવા માંડી અને પિતાએ પુત્ર દેવરાજને ભજન શિખડાવવાનું શરૂ કર્યું.

જેમાં પ્રથમ ભજન દાસ હોથીનું જેના શબ્દો છે વેરાગ તો લાગ્યો ગુરૂજીની વાટડીએ, હાલો મારા હરિજનની હાટડીએ અને બીજું ભજનના નાવ તરે મધ સાગર તારો, ખાડે આવીને ખુંચાળીજમાં તરી શકે તો તરજે બીજાને ઉડાડીશમાં આ બે ભજનો શિખ્યા બાદ ગામમાં એક લગ્ન પ્રસંગના ડાયરામાં દેવરાજ ગઢવીએ આ ભજનોની રજૂઆત કરતાં એ સમય કે જેમાં એક રૂપિયાની કિંમત ગાડાના પૈડા જેવડી હતી. એ સમયે 3 રૂપિયા મળેલાં. ત્યારથી જ મનમાં એક ભાવ જાગ્યો કે ભજન ગાવાથી પડથો પારજન પણ થાય છે. આમ ધીરેધીરે ભજન યાત્રા શરૂ થઇ અને સૌ પ્રથમ તો રામ સાગર સાથે ભજનો ગાવાનું શરૂ કર્યું. ધીરેધીરે હાર્મોનિયમ સાથે કાર્યક્રમોની શરૂઆત થઇ અને નવરાશની પડોમાં મોટાભાઇને ખેતીમાં મદદરૂપ થતાં.

1989માં દેવરાજ ગઢવીના લગ્ન થયાં. લગ્ન પહેલાની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નાજુક હતી પરંતુ એક કહેવત છે કે દરેક સફળ પુરુષ પાછળ સ્ત્રીનો હાથ હોય છે. લગ્ન બાદ 1991માં દિકરાનો જન્મ થયો ત્યાર બાદ પ્રોગ્રામોની વણઝાર શરૂ થઇ અને એક મહિનામાં 20 થી 22 કાર્યક્રમો કરી અને ભજનનો આનંદ મેળવતાં. દેવરાજભાઇને ત્યાં દિકરી વંદનાનો જન્મ થયો અને ત્યારબાદ દિકરો ધનરાજનું આગમન થયું હતું. જો કે દેવરાજભાઇના કહેવા અનુસાર ભજનનો ભંડાર અને રાગધારી ભજનોના પ્રસિધ્ધ કલાકાર સંત પૂજ્ય નારાયણ સ્વામી સાથે 40 જેટલાં કાર્યક્રમો કર્યા છે.

જો કે દેવરાજ ગઢવીના દરેક ભજનોમાં શાસ્ત્રીય રાગોની છાંટ અને ખટક આવતી હોય એટલે સામાન્ય રીતે એવું લાગે દેવરાજ ગઢવીએ શાસ્ત્રીય સંગીતનું શિક્ષણ મેળવ્યું હતું. પરંતુ તેઓએ ક્યાંય પણ સંગીતનું શૈક્ષણિક જ્ઞાન મેળવ્યું નથી અને જે મળ્યું છે તે માત્રને માત્ર ઇશ્ર્વરની કૃપાથી મળ્યું છે કે જેને આપણે ગોડગીફ્ટ કહીએ છીએ.

કચ્છી ભજનો અને તેમાં પણ છલડો દેવરાજ ગઢવીના કંઠે ગવાયેલું ગીત જે આજે દેશ-વિદેશમાં ધૂમ મચાવી રહ્યું છે. તેઓએ પૂજ્ય મોરારાજી બાપુ સાથે અનેક દેશોની પ્રવાસ કરી અને ત્યાં વસતાં ગુજરાતીઓને પોતાની ગુજરાતીઓને મંત્રમુગ્ધ કર્યા હતાં. તેના કહેવા પ્રમાણે પૂજ્ય જગાબાપાની પણ તેના ઉપર લહેર રહી છે અને જગાબાપા પણ દેવરાજ ગઢવીને ખૂબ જ પ્રેમથી સાંભળતા અને માણતા.

ભજનના પરચા વિશે ‘અબતક ચેનલ’ને જણાવતાં તેઓ આનંદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે ભજનના કાર્યક્રમમાં રાત્રે 3:30ના સમય ગાળામાં ભજન ગાઇ રહ્યાં હતા ત્યારે એકાએક તેને ખોડીયાર માતાજીની ચરજ ગાવાની શરૂ કરી અને એ ચરજમાં આવતી એક પંક્તિ જેના શબ્દો છે ચકલી બની ભાલે ચડતી’તી, ખોડલમાં ખમકારી આ ચરજની શરૂઆતથી જ કાળી ચકલી સ્ટેજ પર આવી અને આખી ચરજ પૂરી થઇ ત્યાં સુધી બેઠી આ ચરજ પૂરી થયાં બાદ આ ચકલી ઉંડી અને મંદિરમાં ગઇ અને ત્યાર પછી બહાર જ નીકળી. કહેવાની વાત એટલી જ છે કે મંદિરમાં જતાં લોકો જોઇ પરંતુ બહાર નીકળતાં પ્રોગ્રામના અંત સુધી કોઇ જોઇ નહીં.

પોતાની ખેલદિલી વર્ણવતા દેવરાજ ગઢવીએ એમ પણ કહ્યું હતું કે હું કોઇની નકલ કરતો નથી, પરંતુ મારી નકલ જે કોઇ કરે તો તેનો મને આનંદ થાય છે. દેવરાજભાઇની દિકરી વંદના પણ આ લોકકલા ક્ષેત્રેમાં પર્દાપણ કરી ચૂકી છે અને એ પણ લોકગીતો, ભજનો, ગુજરાતી ગીતો, કચ્છી ગીતો અને સૂફી ગીતોના કાર્યક્રમો આપે છે. અંતમાં કચ્છના લોકગીતોની ખૂબ જ ટૂંકી વ્યાખ્યા આપતાં તેમણે કહ્યું કે કચ્છના લોકગીતોમાં ભારતીયો સંસ્કૃતિના દર્શન થયાં વિના રહેતાં નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.