Abtak Media Google News

એશિયાટિક લાયન અને ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે. સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે 8.5 કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવેલ સનસેટ પોઇન્ટ ઉપરાંત દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે વધુ રૂ. 6.5 કરોડના વિકસિત કરવામાં આવેલ સુવિધા તથા સાસણ સિંહ સદન સહિતની જગ્યાએ અંદાજે  રૂ. 7 કરોડના ખર્ચે આકર્ષક સ્કલપ્ચરને રાજ્યના પ્રવાસન કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાએ લોકાર્પિત કરી હતી.

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા ભાલછેલ હિલને સનસેટ પોઇન્ટ તરીકે વિકસાવવા માટે ખાતે અંદાજે રૂ.8.5 કરોડના ખર્ચે એમ્ફીથીએટર, ફૂડ કોર્ટ, ટોયલેટ બ્લોક, હેંગ આઉટ એરીયા, ટિકિટ બિલ્ડીંગ, લાઇટિંગ વર્ક, પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

પ્રવાસન કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રવાસનને વેગ આપતા રૂ. 22 કરોડના કામોનું કરાયું લોકાર્પણ

સાસણ આસપાસ  ટેન્ટ સીટી વિકસાવવા સહિતની યોજનાઓ આયોજન હેઠળ છે : પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા

દેવડીયા સફારી પાર્ક ખાતે અંદાજે 6.5 કરોડના ખર્ચે બસ અને કાર માટેનું પાર્કિંગ, એન્ટ્રીગેટની રીડિઝાઇન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ટીકીટ બુકિંગ ઓફિસ, કેન્ટીન ફૂડ કોર્ટ, સોવેનીયર શોપ,વોચ ટાવર, ટોયલેટ બ્લોક ,સીટીંગ એરેન્જમેન્ટ સહિત કામ આવરી લેવામાં આવ્યા છે.

અંદાજે રૂ.7  કરોડના ખર્ચે આર્ટવર્ક તથા સ્કલ્પ્ચરની કામગીરી કરવામાં આવી છે. જેમાં ચેક પોસ્ટ ગેટ, ગેટ પર વિવિધ પ્રાણીઓના સ્કલ્પચર, ઇન્ટરપ્રિટેશન ઝોન, સિંહ સદન, નેચર પાર્ક, દેવળિયા, અર્બોરેટમ, સનસેટ પોઈન્ટ ખાતે વિવિધ સ્કલ્પચર તેમજ આર્ટ વર્ક, બેન્ચીસ, ડસ્ટબિન ઇન્ફોર્મેશન બોર્ડ, મુરલ આર્ટ વર્ક, સન થીમ એન્ટ્રી ગેટ, ફોગ પોલ, ફૂટ પ્રિન્ટ બ્લોક, કેમ્પસ મેપ, સન ડાયલ ગેટ, 12 ફૂટ સાઈઝના બ્રાસના વિશાળ સિંહનુ સ્કલપચર  સહિતના કામ કરવામાં આવ્યા છે.

ભારતમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત પ્રથમ નંબરે છે, અને દેશમાંથી ગુજરાતમાં પ્રવાસીઓની સંખ્યામાં 14 માંથી 5 ક્રમે પહોંચ્યું છે. અને ગુજરાત સરકાર પણ પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે ખૂબ ભાર આપી રહી છે.  આ પ્રસંગે તાલાળા ધારાસભ્ય ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે, સાસણમાં સિંહ દર્શન અને ગીરનું સૌંદર્ય નિહાળવા દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશ  પ્રવાસીઓ આવતા હોય છે.  અંદાજે રૂ. 22 કરોડના  વિકાસના કામો લોકાર્પણ થતા પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે.જિલ્લાના કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ જણાવ્યું કે, સાસણ અને ગીરની નોંધ વિશ્વ ક્ષેત્રે લેવાઈ રહી છે. ગિરના લોકો સિંહ સાથે સદીઓથી સામંજસ્ય જાળવે છે, તેનો શ્રેય અહીંના સ્થાનિક લોકોને જાય છે.   ભાલછેલ હિલ સનસેટ પોઇન્ટથી સાસણ આવતા પ્રવાસીઓને સનસેટ નિહાળવા માટે અને આનંદ માણવા માટે નવું નજરાણું મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.