Abtak Media Google News
  • મહેશ રાજપુતને પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના વર્કિંગ ચેરમેન બનાવાયા: 13 શહેર-જિલ્લા પ્રમુખોના નામ જાહેર કરતી કોંગ્રેસ

લોકસભાની ચૂંટણીને આડે હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય ગાળો બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા સંગઠન માળખાને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આજે ગુજરાતના 13 જિલ્લા અને શહેર કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.આ ઉપરાંત ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વાઇસ ચેરમેન અને કાર્યકારી ચેરમેનના નામ  પણ જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ કોર્પોરેટર અતુલભાઇ રાજાણીની નિયુક્તિ કરવામાં આવી છે.

આજે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ગુજરાતના અલગ અલગ 13 જિલ્લા અને શહેરના પ્રમુખ નિયુક્ત કરવામાં આવી છે.જેમાં જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે મનોજભાઈ કથીરિયા, જુનાગઢ શહેર કોંગ્રેસના પ્રમુખપદે મનોજભાઈ જોશી, સુરેનગર જિલ્લાના પ્રમુખ તરીકે નૌશાદભાઈ સોલંકી, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદે કિશોરભાઈ ચીખલીયા, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે હિતેશભાઈ વ્યાસ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે હસમુખભાઈ ચૌધરી,સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અશોકભાઈ પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા, સુરત શહેર કોંગ્રેસના પ્રમુખપદે ધનસુખભાઈ રાજપુત, સુરત શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે દિનેશભાઈ સાવલિયા અને વિપુલભાઈ ઉધનાવાલા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે અતુલભાઇ રાજાણી, અમદાવાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમરસિંહ સોલંકી, મહીસાગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગુલાબસિંહ ચૌહાણ જ્યારે પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે ગેમરભાઇ રબારીની નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન તરીકે પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે ઓબીસી ડિપાર્ટમેન્ટના વર્કિંગ ચેરમેન તરીકે રમેશભાઈ દેસાઈ,રાજકોટના મહેશ રાજપુત અને મોરબીના રાજુભાઈ આહીરની નિયુક્તિ કરવામાં આવી છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સફળતા માટે શુભકામનાઓ પાઠવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.