Abtak Media Google News

બિપરજોય વાવાઝોડા સંદર્ભે

વહીવટી તંત્રની સાથે સંકટ સમય સાંકળ બનતી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્થળાંતરીત લોકોની જમવાની વ્યવસ્થા માટે  મદદ કરી રહ્યા છે

સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માઈક્રોપ્લાનીંગ સાથે એકશન મોડમાં રાઉન્ડ ધી ક્લોક કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાવાઝોડાથી નાગરીકોને સુરક્ષિત રાખવા માટે શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે.

Advertisement

જેને અનુલક્ષીને રાજકોટ શહેરમાં 297, રાજકોટ પશ્ચિમમાં 4, ઉપલેટામાં પાંચ (5), ગોંડલમાં 107, જેતપુરમાં પાંચ (5), લોધીકામાં 42, વીંછીયામાં 51, કોટડાસાંગાણીમાં 96, ગોંડલ શહેર પાંચ (5) સહિત વિવિધ તાલુકાઓમાં રહેવા જમવાની વ્યવસ્થા સાથે આશરે 500 થી વધુ શેલ્ટર હોમની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ શેલ્ટરમાં હોમમાં અંતરિયાળ વિસ્તાર, નીચાણવાળા વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તાર, ખેતી વાડીઓમાં રહેતા, કાચા મકાનમાં રહેતા મજૂર વર્ગ સહિતના લોકોને સ્થળાંતરિત કરીને સુરક્ષિત કરવાની કામગીરી તંત્ર યુદ્ધના ધોરણે કરી રહ્યું છે. વહીવટી તંત્રની સાથે સંકટ સમય સાંકળ બનતી સેવા ભાવી સંસ્થાઓ દ્વારા પણ સ્થળાંતરિત થયેલ લોકોની જમવાની વ્યવસ્થા માટે મદદ કરી રહી છે.

જિલ્લાના 7 તાલુકાઓમાં સેંકડો લોકોને સુરક્ષિત સ્થળોએ આશરો અપાયો

રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા બિપરજોય વાવાઝોડાની અસર સામે બચાવ માટે આવશ્યક પગલાં લેવાઇ રહ્યા છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મામલતદારશ્રીઓની આગેવાનીમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિકોને સ્થળાંતરિત કરવાની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લામાં   જેતપુર શહેરમાં 51 બાળકો મળી કુલ 99 લોકો, ગોંડલ શહેર અને ગ્રામ્યમાં 95 બાળકો અને 3 સગર્ભાઓ મળી કુલ 340 લોકો, વિંછીયા તાલુકાના વિંછીયા, મોઢુકા અને આંકડીયા ગામના 41 લોકો, લોધીકા તાલુકામાં 82 લોકો, ધોરાજી તાલુકામાં 37 બાળકો અને 2 સગર્ભાઓ મળી કુલ 172 લોકો, ઉપલેટા તાલુકામાં 65 બાળકો મળી 180 લોકો તેમજ જામકંડોરણા તાલુકામાં 18 બાળકો મળી કુલ 112 લોકોને સ્થળાંતરિત કરાયા છે.

જસદણ તાલુકામાં સંભવિત વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા 300 લોકોને 6 જેટલા સલામત આશ્રયસ્થળોએ ખસેડાયા છે. આ ઉપરાંત હજુ 200 લોકોને પણ આશ્રયસ્થાનોમાં ખસેડવામાં આવી રહયા છે, તેમ જસદણ મામલતદાર સંજયભાઈ અશવાળે જણાવ્યું છે. આ અશ્રયસ્થળોની સાફ સફાઈ તેમજ  ફૂડ પેકેટ્સ, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ દિવસે જુદા જુદા સમય પર  સવારના નાસ્તો અને સાંજ જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પ્રાંત અધિકારી   રાજેશ આલ, ચીફ ઓફિસર રાજુભાઈ, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે  હાથ ધરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.