Abtak Media Google News

ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે 50 થી વધુ સ્થળોએ વૃક્ષો ધરાશાયી: નીચાણવાળા વિસ્તારોમાં પાણી ગોઠણડુબ પાણી ભરાયા: વાતાવરણ એક રસ

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગઇકાલે રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે ત્રણ કલાકમાં રાજકોટમાં સાંબેલાધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી જતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ જવા પામી હતી. ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 50થી વધુ સ્થળોએ તોતીંગ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. લલુડી વોંકળી સહિતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઇ ગયા હતા. અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. વાતાવરણ હજુ એકરસ છે. આજે પણ શહેરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

બિપરજોય વાવાઝોડું ગઇકાલે રાતે કચ્છમાં ત્રાટક્યા બાદ મધરાતથી સૌરાષ્ટ્રમાં તેની અસર જોવા મળી હતી. રાજકોટ શહેરમાં મોડી રાત્રે જોરદાર પવન ફૂંકાયો હતો. આજે સવારથી શહેરમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ વરસી રહ્યો છે. કોર્પોરેશનના ફાયર બ્રિગેડના કંટ્રોલરૂમના સૂત્રોના જણાવ્યાનુસાર સવારે 6 થી 10 વાગ્યા સુધીના સમયમાં શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 58 મીમી (મોસમનો કુલ 135 મીમી), ઇસ્ટ ઝોનમાં 38 મીમી (મોસમનો કુલ 114 મીમી) અને વેસ્ટ ઝોનમાં સૌથી વધુ 74 મીમી (મોસમનો કુલ 146 મીમી) વરસાદ વરસી ગયો છે.

હાલ શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સવારથી ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 50 થી વધુ સ્થળોએ તોતીંગ વૃક્ષો ધરાશાયી થઇ ગયા હતા. જેને કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા છે. રસ્તા ખૂલ્લા કરાવવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. વૃક્ષો પડવાની ફરિયાદોમાં હજુ વધારો થવાની પણ સંભાવના જણાઇ રહી છે. પોપટપરાના નાલા અને રેલનગર અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે બંને બ્રિજ બંધ કરી દેવાની ફરજ ઉભી થઇ હતી.

લલુડી વોંકળીમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘૂસી જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. 150 ફૂટ રીંગ રોડ પર બીઆરટીએસ ટ્રેકની બંને બાજુ જાણે નદીઓ ચાલતી હોય તે રિતે પાણીનો ભરાવો થયો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાના કારણે સ્થિતિ વધુ કથળી હતી. પદાધિકારીઓએ મધરાતે જ કંટ્રોલરૂમનો હવાલો સંભાળી લીધો હતો. દરમિયાન સવારે ભારે વરસાદની સ્થિતિમાં નગરસેવકો ફીલ્ડમાં ઉતર્યા હતા. આ લખાઇ રહ્યું છે ત્યારે વરસાદે વિરામ લીધો છે પરંતુ વાતાવરણ એકરસ છે. આખો દિવસ મેઘાવી માહોલ રહેશે.

રૈયા રોડ પર રાત્રે 35 વ્યક્તિઓનું સ્થળાંતર કરાયું

ગઇકાલે રાત્રે શહેરમાં ફૂંકાયેલા ભારે પવનના કારણે વોર્ડ નં.9માં રૈયા રોડ પર સેલસ હોસ્પિટલ પાસે ખૂલ્લામાં વસવાટ કરી રહેલા 35 લોકોનું વોર્ડ નં.9ના ભાજપના કોર્પોરેટર જીતુભાઇ કાટોડીયા અને કાર્યકર્તાઓની ટીમ દ્વારા સલામત સ્થળે શાળા નં.64/બીમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આજે સવારે પણ વરસાદ ચાલુ રહેતા તમામ લોકોને અહિં આસરો આપવામાં આવ્યો છે. તેઓના રહેવાની અને જમવાની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

રાજકોટ એરપોર્ટ આજે પણ શટડાઉન

સતત બીજા દિવસે એરપોર્ટ પરથી એકપણ ફ્લાઇટ ઉડી નહિં

બિપરજોય વાવાઝોડાના કારણે ગઇકાલે આખો દિવસ રાજકોટ એરપોર્ટ પર શટડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. દરમિયાન ગઇકાલે સાંજે ભારે પવન ફૂંકાવાના કારણે એવી જાહેરાત કરવામાં આવી હતી કે શુક્રવારે બપોર સુધી એરપોર્ટ પરથી એકપણ ફ્લાઇટ ઉડાન ભરશે નહિં. સવારે જોરદાર પવન સાથે વરસાદ વરસતા એરપોર્ટ ઓથોરિટી દ્વારા બપોર પછીની ફ્લાઇટ પણ કેન્સલ કરી દેવામાં આવી છે. સતત બીજા દિવસે રાજકોટ એરપોર્ટ પર આખો દિવસ શટડાઉન રહેવાના કારણે મુસાફરોમાં ભારે દેકારો બોલી ગયો હતો. ઇન્ટરનેશનલ કનેક્ટિવીટી વાળા પેસેન્જરોએ અમદાવાદ સુધી જવાની ફરજ પડી હતી.

રાજકોટ સહિત 17 જિલ્લાઓમાં આજે પણ શાળા-કોલેજ બંધ

વાવાઝોડાની અસરના કારણે શૈક્ષણિક કાર્ય સતત ત્રીજા દિવસે પણ બંધ રખાયુ

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં આજે સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં આજે સતત ત્રીજા દિવસે શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. રાજ્યના મોટા મંદિરો બંધ છે.

બિપરજોય વાવાઝોડું ગઇકાલે રાત્રે સૌરાષ્ટ્રમાં ત્રાટક્યું હતું. મોડી રાત્રિથી સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેના કારણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના શિક્ષણાધિકારી દ્વારા જિલ્લા કલેક્ટરના આદેશ બાદ આજે સતત ત્રીજા દિવસે શાળા-કોલેજો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન જો કાલે વરસાદની સ્થિતી યથાવત રહેશે તો આવતીકાલે પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની ઘોષણા કરવામાં આવી શકે છે. આજે રાજકોટમાં શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ અને કોર્પોરેશનની આંગણવાડીઓ બંધ રાખવામાં આવી હતી. આજે બપોર સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હતો. સાંજથી પવન અને વરસાદનું જોર ઘટશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.