Abtak Media Google News

તોફાની વાવાઝોડાને ધ્યાનમાં રાખતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં પાંચ દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર, લોકોને ઘરમાં રહેવાની સલાહ

રાજકોટમાં ચક્રવાતમાં પવનની ગતિ પ્રતિ કલાક 65 થી 75 કિ.મી. તેમજ 15 થી 33 મીમી વરસાદની સંભાવના

અરબી સમુદ્રમાં સર્જાયેલું બિપોરજોય વાવાઝોડું વધુ પ્રચંડ બની રહ્યું છે. આ વાવાઝોડાનો ઝુકાવ ગુજરાત તરફ જોવા મળી રહ્યો છે. બિપરજોય વાવાઝોડું પોરબંદરથી 320 કિલોમીટર અને દ્વારકાથી 350 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળી વાવાઝોડું બિપોરજોય માંડવી આસપાસ લેન્ડફોલ કરશે. સાથે જ વાવાઝોડું ટકરાશે ત્યારે પવનની ગતિ 150 કિમીની આસપાસ રહી શકે છે. જ્યારે રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો આજે અને કાલે હળવાથી મધ્યમ જયારે બુધ અને ગુરુવારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળશ.

Advertisement

બિપોરજોય વાવાઝોડાની અસર ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત અને રાજસ્થાનના ભાગોમાં પણ અસર દેખાશે. વાવાઝોડાના કારણે 15 જૂને ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે તો કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ છે. સાથે જ ગુજરાતમાં 14થી 17 જૂન સુધી હળવો વરસાદ જોવા મળશે.

સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાવાઝોડાની વધુ અસર થશે. ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી વાવાઝોડાની અસર થશે. આજથી 2 દિવસ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે. ગાજવીજ અને થંડરસ્ટ્રોમ સાથે વાવાઝોડું આવશે. વાવાઝોડા દરમિયાન થંડરસ્ટ્રોમનું પ્રમાણ ભયાનક રહેશે. વાવાઝોડામાં માલહાનિની શક્યતા હોવાથી તકેદારી રાખવી જરૂરી છે.

બિપોરજોય વાવાઝોડું જેમ જેમ ગુજરાતની નજીક આવી રહ્યુ છે. તેમ તેની સીધી અસર દરિયાકાંઠે જોવા મળી રહી છે, બિપોરજોય વાવાઝોડું છે અતિ પ્રચંડ બની શકે છે. આગામી 15મી જૂને વાવાઝોડું કચ્છના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરવાની શક્યતા છે. ગુજરાતના તમામ દરિયા કાંઠાના વહીવટી તંત્રને એલર્ટ અપાયું છે. પોરબંદર, જામનગર, ઓખા, સલાયા, મુન્દ્રા, માંડવી અને જખો પોર્ટ ઉપર નવ નંબરનું અતિભય જનક સિગ્નલ લગાવાયું છે. કચ્છના દરિયા કિનારા વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે 144મી કલમ લગાવવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે, 15 જૂને વાવાઝોડાને લઈ દરિયામાં 165 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાત્રીના સમયે દરિયામાં 195 કિમીની ઝડપે પવન ફૂંકાશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગે કચ્છ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબીમાં એલર્ટ જાહેર કર્યું છે.

અમદાવાદ, વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર, ડાંગ, જૂનાગઢ દિવમાં વરસાદ ખાબકી શકે છે. તો 13 જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, સોમનાથ, જામનગર, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદની આગાહી છે. 14 જૂને દમણ, દાદરનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ સહીત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો 15 જૂને સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતના દરિયાકાંઠેથી લોકોનું સ્થળાંતર શરૂ થયું

ચક્રવાતની ચેતવણીઓ વચ્ચે, ગુજરાતના કચ્છમાં સત્તાવાળાઓએ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવા અને તેમને અસ્થાયી આશ્રયસ્થાનોમાં ખસેડવાનું શરૂ કર્યું છે. છ જહાજો બંદર છોડી ગયા છે અને આજે વધુ 11 જહાજો રવાના થયા છે.પોર્ટ અધિકારીઓ અને શિપ માલિકોને પણ તકેદારી રાખવા માટે કહેવામાં આવ્યું છે. વાવાઝોડું દ્વારકાથી 300, તો નલિયાથી 320 કિ.મી દુર છે. જ્યારે મુંબઈથી 530 કિ.મી દુર છે.

દરિયાકાંઠાના રાજ્યો માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગાઈડલાઈન કરી છે. દરિયાકાંઠે તમામ પ્રકારની પ્રવાસન પ્રવૃતિ બંધ કરવાની કેન્દ્ર સરકારની સૂચના છે. વાવાઝોડું વિનાશ નોતરશે તેનો પણ કેન્દ્રની ગાઈડલાઈનમાં ઉલ્લેખ છે. વાવાઝોડાથી વીજળી, વૃક્ષો, કાચા મકાનોને નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડુ ત્રાટકે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઈએ

  1. વાવાઝોડા પહેલા
  • સમાચારો અને જાહેરાતોના સંપર્કમાં રહેવું
  • માછીમારોએ દરિયો ન ખેડવો, સલામત સ્થળે બોટને લંગારવી
  • દરિયાકાંઠાના અગરિયાઓએ સલામત સ્થળે ખસી જવું
  • ઘરના બારી-બારણાં અને છાપરાનું મજબૂતીકરણ કરવું
  1. વાવાઝોડા દરમિયાન
  • ઝાડ કે થાંભલાઓ પાસે ઉભા ન રહેવું
  • ઘરની બહાર નીકળવું નહિ
  • વીજપ્રવાહ તથા ગેસ કનેકશન બંધ કરી દેવા
  • કંટ્રોલરૂમમાંથી સાચી માહિતી મેળવવી
  • અફવાઓથી દૂર રહેવું
  1. વાવાઝોડા પછી
  • તંત્ર દ્વારા સૂચના મળ્યા બાદ જ બહાર નીકળવું
  • અજાણ્યા પાણીમાંથી પસાર થવું નહિ
  • ઇજા પામેલાઓને પ્રાથમિક સારવાર આપીને દવાખાને ખસેડવા
  • ખુલ્લા છુટા પડેલા વાયરોને અડવું નહિ
  • ક્લોરીનયુક્ત પીવાના પાણીનો ઉપયોગ કરવો
  • ગંદા ભરાયેલા પાણીમાં દવાનો છટકાવ કરવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.