Abtak Media Google News

૧ માસમાં ૩૦થી વધુ લૂંટ ચલાવ્યાની કબુલાત

જામનગરના તળાવની ૫ાળ સહિતના વિસ્તારોમાં નકલી અકસ્માત સર્જી એકલદોકલ વાહનચાલકને ધમકાવી લૂંટ કરાતી હોવાની ઉઠેલી બૂમ વચ્ચે હરકતમાં આવેલી એલસીબીએ ત્રણ શખ્સને પકડી પુછપરછ કરતા એક મહિનામાં આ પ્રકારની કરાયેલી ત્રીસ લૂટનો ભેદ ખુલ્યો છે. એલસીબીએ ત્રિપુટીની આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે.

જામનગરના લાખોટા તળાવની પાળ પર રાત્રિના સમયે પસાર થતા કેટલાક વાહનચાલકો સાથે પોતાનું વાહન અથડાવી ઝઘડો શરૃ કર્યા પછી પોતાના વાહનમાં ભારે નુકસાની થઈ છે તેમ કહી સામેવાળા વાહનચાલક પાસેથી પૈસા પડાવવામાં આવી રહ્યા છે તેવી ઉઠેલી વ્યાપક બૂમ વચ્ચે સ્થાનિક ગુન્હોશોધક શાખાએ ખાનગી રાહે તપાસ શરૃ કરતા તળાવની પાળ ઉપરાંત નગરના જુદા જુદા વિસ્તારોમાં આવી જ રીતે હાથે કરીને અકસ્માત સર્જી એકલદોકલ વાહનચાલકો પાસે પૈસા પડાવાતા હોવાની વિગત મળતા એલસીબીએ બાતમીદારોને કામે લગાડ્યા હતાં.

7537D2F3 13

તે દરમ્યાન એલસીબીના વનરાજ મકવાણા, ફિરોઝભાઈ દલ તથા ખીમભાઈ ભોચીયાને બાતમી મળી હતી કે આવી રીતે લૂંટ ચલાવતા ત્રણ શખ્સ સુભાષબ્રીજથી નુરી ચોકડી તરફના રોડ પર ઊભા છે. તે બાતમીથી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહિલને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.બી. ગોજીયાના વડપણ હેઠળ એલસીબીનો કાફલો ધસી ગયો હતો. તે સ્થળેથી જીજે-૧૦-ડીસી-૫૮૯૪ નંબરના એક્સેસ સ્કૂટર સાથે ત્રણ શખ્સ મળી આવ્યા હતાં. ધરારનગર નજીકના મારૃતિનગરમાં રહેતા મનહરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે ભીખા તેમજ અહેમદ સતાર પીંજારા અને ધરારનગર-૧માં મદ્રેસા પાસે રહેતા અનવર અબ્બાસ જુણેજા નામના આ ત્રણેય શખ્સે પોપટ બની જઈ છેલ્લા એક મહિનામાં તળાવની પાળ ઉપરાંત ત્રીસ સ્થળેથી આવી રીતે અકસ્માત સર્જી જુદી જુદી રકમ પડાવી લીધાની કબુલાત આપી છે.

આ શખ્સો પૈકીના મનહરસિંહ, અહેમદ તથા શાહરૃખ ઉર્ફે કાલીએ સુભાષબ્રીજ પાસે બાઈક ચાલક સાથે પોતાનું સ્કૂટર અથડાવી ધમકાવ્યા પછી રૃા. ૩૦૦૦ પડાવી લીધા હતાં. પ્રથમ ઘામાં જ સફળતા મળતા આ શખ્સોની હિંમત ખુલી હતી. તેઓએ નુરી ચોકડી, દરેડ જીઆઈડીસી, ગુલાબનગર, ભીમવાસ ઢાળીયા, મહાપ્રભુજી બેઠક, અંબર ચોકડી, લાલપુર ચોકડી, ઠેબા ચોકડી, સ્મશાન રોડ, નાગનાથ નાકા વિગેરે સ્થળેથી રૃા. ૫૦૦૦થી માંડી રૃા. ૧૩૦૦ સુધીની રકમ લૂંટી હતી. એલસીબીએ આ શખ્સોના કબજામાંથી રૃા. ૧૦,૦૦૦ રોકડા, મોબાઈલ, એક્સેસ સ્કૂટર કબજે લીધું છે. નવાગામ ઘેડની ઈન્દિરા સોસાયટીમાં રહેતા દર્શન પરેશભાઈ વાડોલીયા નામના યુવાને ગઈકાલે રાત્રે સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેઓ પોતાના મિત્ર મહેશ સાથે ગઈ તા. ૧૮ની રાત્રે કેવી રોડ પરથી બાઈકમાં જતા હતાં ત્યારે પાછળથી ત્રિપલ સવારીમાં આવેલા મોટરસાયકલમાંથી ઉતરેલા શખ્સે દર્શનને ફડાકો ઝીંકી તેનો મોબાઈલ અને મહેશના પાકિટમાંથી રૂા. ૨૦૦ની લૂંટ ચલાવી હતી. પીઆઈ જે.વી. રાઠોડે ઉપરોક્ત ગુન્હો આઈપીસી ૩૯૨, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ હેઠળ નોંધી તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.