Abtak Media Google News

અબતક, રાજકોટ :સરકારી જમીન ક્લિયર કરાવીને જમીન લેતી દેતીનું કામ કરતાં વડોદરાના એક દલાલને ગાંધીનગરના ગઠિયાએ ટોચના નકલી આઈએએસ અધિકારી બનીને જમીન સરકારી રેકોર્ડમાંથી ક્લિયર કરાવવાના નામે રુ. 4.3 કરોડની ટોપી પહેરાવી દીધી હતી. હદ તો ત્યારે થઈ આ ગઠિયાએ જમીન દલાલને બે ટોચના આઈએએસ અધિકારી છે તેમ કહીને પોતાના મળતિયાઓ સાથે મુલાકાત કરાવી બાટલીમાં ઉતાર્યો હતો. જેમાં એક વ્યક્તિ તો રાજ્યના ભૂતપૂર્વ ચીફ સેક્રેટરીના નામે મળ્યો હતો.

વડોદરાના 55 વર્ષના અનિલ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેના બંને દીકરા જમીનની લેતી દેતીનું કામ કરે છે. જે અંતર્ગત તેમણે રાજ્ય સરકારના 1976ના અર્બન લેન્ડ સિલિંગ એક્ટ હેટળ સરકારે મેળવેલી જમીનોને ફરી ક્લિયર કરાવવા માટે કેટલાક સોદા કર્યા હતા. જોકે આ જમીનો ક્લિયર થઈ રહી નહોતી અને પટેલને પોતાને હવે લાગતું હતું કે કોઈ પહોંચેલી વ્યક્તિની મદદ આ કામ માટે જરુર પડશે. આ દરમિયાન 2016માં એક સંગીત કાર્યક્રમમાં તેમના કોમન ફ્રેન્ડ દ્વારા ગાંધીનગરના રાયસણમાં રહેતા વિજયસિંહ ટાંક સાથે તેમની મુલાકાત થઈ હતી અને જ્યારે તેમણે જમીન બાબતે વાત કરી તો વિજયસિંહે પોતાની પહોંચની મોટી મોટી વાતો કરીને અનિલ પટેલને આંજી નાખ્યા હતા.

જે પછી જુન 2016માં એક દિવસ વિજયસિંહે અનિલ પટેલને ફોન કર્યો અને તેમની જમીન બાબતે એક ટોચના આઈએએસ સાથે મુલાકાત માટે ગાંધીનગર ઉદ્યોગ ભવનમાં બોલાવ્યા હતા. પટેલ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમણે એક બ્લુ બ્લેઝર અને ટાઈ સાથે એટીકેટીમાં રહેલા વ્યક્તિ સાથે મુલાકાત કરાવી અને કહ્યું કે તેઓ રાજ્ય સરકારમાં ટોચના આઈએએસ અધિકારી છે. પટેલે પોતાની એફઆઈઆરમાં જણાવ્યું કે તેણે અધિકારી સાથે પોતાની જમીન અંગે વાતચીત કરી અને તેમણે સોદો નક્કી કર્યો જે બાદ ત્યારે જ રુ. 7 લાખ પેલા નકીલ આઈએએસ અધિકારીએ તેમની પાસેથી ડાઈરેક્ટ લીધા હતા જ્યારે રુ. 25 લાખ ટાંક મારફત તેમને પહોંચાડ્યા હતા.

જે પછી જુલાઈ મહિનામાં ફરી એકવાર ટાંકે પટેલને બોલાવ્યા અને આ વખતે પૂર્વ ચીફ સેક્રેટરી તરીકે ઓળખ આપીને એક વ્યક્તિને મળાવ્યા હતા. જેણે પણ કામ કરી દેવા માટે રુપિયા માગ્યા હતા. પટેલે આરોપ મૂક્યો કે તેણે ટાંક અને તેના મળતિયાઓ બંને નકલી આઈએએસ અધિકારીને ચાર મહિનામાં કુલ મળીને રુ. 4.3 કરોડ જેટલી રકમ ચૂકવી હતી. જે બાદ સપ્ટેમ્બર 2016માં પટેલને રેવન્યુ વિભાગમાંથી લેટર મળ્યો હતો કે જે તે જમીન હવે સરકારી રેકોર્ડનો ભાગ નથી. જોકે જ્યારે તેઓ આ સેક્શન લેટર લઈને વડોદરાની અર્બલ લેન્ડ સીલિંગ ઓફિસ પહોંચ્યા તો અધિકારીએ પટેલને કહ્યું કે આ લેટર નકલી છે. અધિકારીએ કહ્યું કે જે જમીન ક્લિયર કરવાની વાત આ લેટરમાં કરવામાં આવી છે તે અરજીને હાલમાં જ સરકારે નકારી કાઢી છે.

જોકે આ ઘટના પછી પટેલે ટાંકને ફોન કર્યો તો તેમણે ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. તેમજ કોઈપણ પ્રકારના સંપર્કને પણ તોડી નાખ્યા હતા. જોકે આ ઘટના પછી પટેલે રુપિયાથી હાથ ધોવાઈ ગયા તેમ માની લીધું હતું પરંતુ તાજેતરમાં તેમની મુલાકાત સુરતના વકીલ મુકેસ મેઘાણી સાથે થઈ હતી. જેમની સાથે પણ ટાંકે બે નકલી આઈએએસ અધિકારી સાથે મળી ચિટિંગ કરી હતી. જે બાદ પટેલે તેમના ફોન કોલના વોઇસ રેકોર્ડિંગન ભેગા કર્યા અને ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસે ટાંક અને તેના સાગરીતો વિરુદ્ધ વિશ્વાસઘાત અને ચિટિંગનો કેસ દાખલ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.