રાજકોટ: 8મીએ દરેક બેઠકના 14-14 ટેબલ ઉપર 236 જેટલો સ્ટાફ કરશે મતગણતરી

  • એક ટેબલ ઉપર કાઉન્ટિંગ સુપરવાઈઝર, કાઉન્ટિંગ આસિસ્ટન્ટ અને માઇક્રોઓબ્ઝર્વર ફરજ બજાવશે
  • સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરાશે, પ્રથમ પોસ્ટલ બેલેટનું ટેબલ શરૂ કર્યા બાદ અંદાજીત 30 મિનિટ પછી ઇવીએમનું વોટ કાઉન્ટિંગ શરૂ થશે

રાજકોટ જિલ્લાની આઠેય બેઠકોની કણકોટ ખાતે મતગણતરી આગામી 8મીએ હાથ ધરવામાં આવનાર છે. જેમાં દરેક બેઠકના 14-14 ટેબલ ઉપર કુલ 236 જેટલા સ્ટાફ દ્વારા  મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022ને લઈને પૂરી સજાગતા અને સુદ્રઢ આયોજન સાથે કામગીરી કરી રહ્યું છે. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ  જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના  માર્ગદર્શન હેઠળ મત ગણતરીની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

ચૂંટણી તંત્રમાંથી મળતી માહિતી અનુસાર આગામી 8મીએ જિલ્લાની આઠેય બેઠકો માટે જે મતગણતરી થવાની છે. તેમાં તમામ વિધાનસભાની 14-14 ટેબલો ઉપર એટલે કે કુલ 112 ટેબલ ઉપર મતગણતરી કરવામાં આવશે. આ માટે દરેક વિધાનસભામાંથી 50-50 કર્મચારીઓના નામ મંગાવવામાં આવ્યા હતા. મતગણતરીની પ્રક્રિયામાં કુલ 236 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જેમાં દરેક ટેબલ ઉપર એક કાઉન્ટીંગ સુપરવાઈઝર, એક કાઉન્ટીંગ આસિસ્ટન્ટ અને એક માઈક્રો ઓબ્ઝર્વરની નિયુક્તી કરવામાં આવશે. આ ઉપરાંત બેઠક વાઈઝ પટ્ટાવાળાને નિયુક્ત કરવામાં આવશે.

આ તમામ સ્ટાફના ઓર્ડરમાં 20 ટકા રિઝર્વ સ્ટાફ પણ હશે. એટલે કે આ કામ માટે 120 ટકા સ્ટાફમાં ઓર્ડર કરવામાં આવશે. બીજી તરફ તમામ વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીઓ દ્વારા સ્ટાફને મત ગણતરીની તાલીમની પણ વ્યવસ્થા કરવામાં આવશે. ત્યારબાદ મતગણતરી પૂર્વે આ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરીને ફરજની બેઠક બદલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કણકોટ સરકારી ઈજનેર કોલેજ ખાતેના મત ગણતરી કેન્દ્રમાં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ઉપરાંત મતદાન ગણતરીના દિવસ પહેલાં મતદાન ગણતરી કેન્દ્રને સંલગ્ન દરેક આનુસંગિક વ્યવસ્થા પૂરી કરી લેવા કલેકટરે આદેશ આપ્યો છે.

મતગણતરીને લઈને કલેકટર દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધો

મતગણતરી દરમ્યાન કોઈપણ વ્યક્તિ ખલેલ પહોંચાડે નહી તથા મતગણતરી સ્થળે વ્યવસ્થામાં કોઈ બાધા કે વિક્ષેપ ન થાય તે માટે અરૂણ મહેશ બાબુ, જિલ્લા મેજીસ્ટ્રેટ, રાજકોટ, ખાતે આવેલ મતગણતરી કેન્દ્ર આસપાસના વિસ્તારમાં તા.01/12/2022 થી તા.08/12/2022 સધીના સમયગાળા માટે કેટલાક અમલવારી કરવા હુકમ ફરમાવ્યા છે.

જેમાં (1) કોઈપણ વ્યક્તિ સક્ષમ અધિકારી તરફથી ઈસ્યુ કરવામાં આવેલ ફોટોગ્રાફ સહિતના અધિકૃત પ્રવેશ પાસ વિના મતગણતરી કેન્દ્રમાં દાખલ થશે નહીં તેમજ આવા પ્રવેશ પાસ સરળતાથી દેખાઈ આવે તે રીતે પ્રદર્શિત કરશે. (2) મતગણતરી કેન્દ્રની આસપાસના ર00 મીટર વિસ્તારમાં સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી મેળવ્યા સિવાય ચાર કરતાં વધુ વ્યક્તિઓ એકત્રીત થઈ શકશે નહીં અથવા કોઈ સભા ભરી શકશે નહી કે કોઈ સરઘસ કાઢી શકશે નહીં. (3) ક્રોઈપણ વ્યક્તિ કે જેમાં ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ તેમજ મતગણતરી એજન્ટ સહિતના કોઈપણ વ્યક્તિ મતગણતરી હોલમાં કે મતગણતરી કેન્દ્રની કમ્પાઉન્ડ વોલ સહિતના પ્રીમાઈસીસમાં મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે સંદેશાવ્યવહારના અન્ય કોઈ ઉપકરણો લઈ જશે નહી કે તેનો ઉપયોગ કરી શકશે નહીં. (4) ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ કે તેમના મતગણતરી એજન્ટ કે જેમને જે વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશ માટે પ્રવેશ પાસ ઈસ્યુ કરવામાં આવેલ હોય તે સિવાયના અન્ય વિધાનસભા મતદાર વિભાગના મતગણતરી હોલમાં પ્રવેશી શકશે નહીં. 5) મતગણતરી ફરજ પર નિયુક્ત અધિકારીઓ / કર્મચારીઓ તથા આવશ્યક સેવાઓના કામે રોકેલ વ્યક્તિઓને મતગણતરી સ્થળમાં પ્રવેશ માટેના પાસ ઈસ્યુ કરવા માટે વિધાનસભા મતદાર વિભાગના સંબંધિત મદદનીશ ચૂંટણી અધિકારીને તેમના વિધાનસભા મતદાર વિભાગ માટેના પાસ તથા સમગ્ર મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ માટેના પાસ આપવા અધિક જિલ્લા ચૂંટણી અધિકારી, રાજકોટને અધિકૃત કરવામાં આવે છે. 6)મતગણતરી કેન્દ્ર પર સક્ષમ અધિકારીએ નકકી કરેલ પાર્કીંગ સ્થળે જ વાહન પાર્કીંગ કરવાનું રહેશે.