Abtak Media Google News
  • IPL 2024નો ” અધૂરો” કાર્યક્રમ જાહેર
  • 26 મે ના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ ચેન્નાઇ ખાતે રમાશે

આઇપીએલ 2024ના બાકીના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવી છે. બીસીસીઆઇ દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ આ વર્ષે આઇપીએલની  તમામ મેચ ભારતમાં જ યોજાશે. લોકસભા ચૂંટણીને કારણે આઇપીએલ 2024 ની કેટલીક મેચો ભારતની બહાર યોજાશે કે કેમ તે અંગે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી, હવે આ પર વિરામ મૂકવામાં આવ્યો છે. આઇપીએલ 2024ની નોકઆઉટ મેચો અમદાવાદ અને ચેન્નાઈમાં રમાશે. આઇપીએલ 2024 ની પ્રથમ ક્વોલિફાયર અને એલિમિનેટર મેચ 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે બીજી ક્વોલિફાયર અને લીગની અંતિમ મેચ અનુક્રમે 24 અને 26 મેના રોજ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાશે.

ગયા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ ફાઇનલિસ્ટ હોવાને કારણે, એવું માનવામાં આવતું હતું કે આ બંને ટીમોના હોમ ગ્રાઉન્ડ પ્લેઓફ માટે પસંદ કરવામાં આવશે અને તેથી, નોકઆઉટ મેચો માટે અમદાવાદ અને ચેન્નાઈની પસંદગી અપેક્ષિત છે. આ સિઝનની ફાઇનલ મેચ આઇપીએલ 2023ની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સનાં હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ચેપોકે આ સિઝનની શરૂઆતની મેચનું આયોજન કર્યું હતું.

ભારતમાં આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને કારણે બીસીસીઆઇ અગાઉ માત્ર 17 દિવસનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ સમયગાળા દરમિયાન લીગની કુલ 21 મેચો 7મી એપ્રિલ સુધી રમવાની છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ બાકીનું શેડ્યૂલ 8 એપ્રિલથી છે, જેનો અર્થ છે કે તેમાં એક દિવસનું પણ અંતર નથી. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કાની પ્રથમ મેચમાં પણ ચેન્નાઈ સુપર કિંગ્સ રમી રહી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 8 એપ્રિલે ચેપોકમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ટકરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.