Abtak Media Google News

મહેમાન બનેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સમક્ષ મોદીએ મુદ્દો મુક્યો, સામાં પક્ષે સુરક્ષાની ખાતરી પણ અપાઈ

ઓસ્ટ્રેલિયામાં હિન્દુઓની કુલ વસ્તી 6.84 લાખ છે. હિંદુ અહીંનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. તે ઓસ્ટ્રેલિયાની કુલ વસ્તીના 2.7% છે.  વિદેશી વિદ્યાર્થીઓમાં ચીન પછી ભારતીય વિદ્યાર્થીઓ બીજા નંબરે છે. મોટી સંખ્યામાં હિંદુઓ વસતા હોવાથી અહીં મંદિરો પણ મોટી સંખ્યામાં છે. જો કે આ મંદિરો ઉપર છાશવારે હુમલાની ઘટનાઓ સર્જાઈ રહી છે. ત્યારે ભારતની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સમક્ષ મોદીએ આ મુદ્દો પણ ઉઠાવ્યો હતો.

ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બાનીસ ભારતના પ્રવાસે છે. પીએમ મોદીએ તેમની સામે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સાથે મેં અનેક મુદ્દાઓ પર વાતચીત કરી છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોને નિશાન બનાવવા મુદ્દે પણ ચર્ચા થઈ છે.

અગાઉ મેલબર્ન, સિડની અને બ્રિસબેનમાં પણ મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ત્યારે છેલ્લે ગત અઠવાડિયે ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન સ્થિત શ્રી લક્ષ્મી નારાયણ મંદિરમાં ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી અને ભારત વિરોધી નારા લખ્યા હતા. મંદિરની દિવાલો પર ભારતના પીએમ નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરતા વાંધાજનક વાતો લખી હતી.આ અગાઉ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં 15 દિવસની અંદર 3 હિંદૂ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે મેં ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલાના અહેવાલો જોયા છે. મેં પીએમ અલ્બાનીસને આ મામલે જણાવ્યું છે. તેમણે મને આશ્વાસન આપ્યું છે કે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયની સુરક્ષા અને ભલાઈ તેમના માટે પ્રાથમિકતાનો વિષય છે.  પીએમ મોદીએ કહ્યુ કે હું ભારતમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સ્વાગત કરું છું. ગત વર્ષે બંને દેશોએ પીએમ સ્તરે વાર્ષિક સમેટ યોજવાનો નિર્ણય લીધો હતો. વડાપ્રધાન અલ્બાનીસની આ યાત્રાથી એ શ્રૃંખલાની શરૂઆત થઈ ચૂકી છે.

પીએમ મોદીએ કહ્યું કે ડિફેન્સ ક્ષેત્રમાં અમે ગત અમુક વર્ષોમાં ઉલ્લેખનીય કરારો કર્યા છે જેમાં એકબીજાની સેનાઓ માટે લોજિસ્ટિક સપોર્ટ પણ સામેલ છે. અમારી સુરક્ષા એજન્સીઓ વચ્ચે પણ નિયમિત અને ઉપયોગી સૂચનાની આપ-લે અને તેને વધુ સુદૃઢ બનાવવા અંગે ચર્ચા કરી છે. અમે ક્લીન હાઈડ્રોજન અને સોલરમાં પણ સાથે કામ કરી રહ્યા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.