Abtak Media Google News

મોટામવા, વાવડી, ખોખડદળ અને મવડી રોડ સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં 1070 જેટલા વીજ કનેકશનો ચેક કરાતા 114 કનેકશનો ગેરરીતી કરતા પકડાયા: આજે સવારથી પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, આજી-1, ઉઘોગનગર અને લક્ષ્મીનગર સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં ચેકીંગ

પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારો-જિલ્લાઓમાં ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ ડ્રાઈવનું આયોજન કરીને આવા તત્વોને સબક શીખવવામાં આવે છે.

તા. 09.03.2023 નાં રોજ આવી જ ઇન્સ્ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને રાજકોટ  જિલ્લાની રાજકોટ શહેર-3 વિભાગીય કચેરી હેઠળની મોટા મવા, વાવડી, ખોખડદળ તેમજ મવડી રોડ પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારો જેવા કે વિષ્ણુ વિહાર, સરિતા વિહાર, નુરાની પરા, રવેચીપરા, ખોખડદલ ગામ, શીતલાધાર, ઉદયનગર, શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર, માં એસ.આર.પી. સ્ટાફ તથા પોલીસ સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ 42 જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી.

આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક વગેરે મળીને કુલ 1070 જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યાં હતા, જે પૈકી 114 વીજ જોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. 21.13 લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-22 થી જાન્યુઆરી-23 ના સમયગાળા દરમિયાન રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ કુલ 76139 વીજજોડાણો ચકાસવામાં આવ્યાં છે, જેમાંથી કુલ 6365 વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. 2026.37 લાખની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલ દ્વારા તાજેતરમાં જ ભુજ અને અંજાર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના અનેક સ્થળોએથી ખાનગી ટ્રાન્સફોર્મર દ્વારા થતી વીજચોરી પકડી પાડવામાં આવેલ છે અને સુરેન્દ્રનગર પંથકમાં આવેલી લાઈમસ્ટોન્સની અનેક ખાણોમાં ઓચિંતું ચેકિંગ કરીને કરોડો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવેલ છે. ઉપરાંત, મીઠાના અગરિયાઓ દ્વારા પણ મોટાપાયે વીજચોરી થતું હોવાનું ધ્યાને આવતા આવા તત્વો પર પણ લગામ કસવામાં આવી છે.

આગામી દિવસોમાં ચેકિંગની આ ઝુંબેશને વધુ વ્યાપક અને ગતિશીલ બનાવાશે તેવું વીજતંત્રના સૂત્રોએ જણાવ્યું છે. પીજીવીસીએલની આ કામગીરીને લીધે વીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ આજે પ્રહલાદ પ્લોટ, કોઠારીયા રોડ, આજી-1, ઉઘોગનગર, લક્ષ્મીનગર સહીતના સબ ડીવીઝન હેઠળના વિસ્તારોમાં સવારથી 4ર ટીમોએ ચેકીંગ હાથ ધર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.