Abtak Media Google News
  • પુત્રને બચાવવા માતાએ પોતાના પ્રાણની આહુતિ આપી
  • બિહારનો પરિવાર ધાર્મિક વિધિ કરવા તળાવે ગયો અને કાળનો કોળિયો બન્યા : મહિલાએ પુત્રને બહાર ઘા કરી જીવ બચાવ્યો

રાજકોટની ભાગોળે નવાગામ આણંદપરમાં બિહારી પરિવારની મહિલાઓ તળાવની પૂજા કરવા ગઇ હતી ત્યારે તેમની સાથે તેમના બાળકો પણ ગયા હતા, એક બાળક સહિત ચાર બાળકી ડૂબવા લાગતાં મહિલાએ પોતાના પુત્રને બચાવવા તળાવમાં ઝંપલાવ્યું હતું, પુત્રને તો તેણે બચાવી લીધો હતો પરંતુ પોતે તથા તેની ભત્રીજી ડૂબી જતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં.બનાવની જાણ પોલીસને ફાયર બ્રિગેડ ટીમને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને બહાર કાઢવાની કામગીરી હાથધરી હતી.

બનાવની વિગતો મુજબ નવાગામ આણંદપરમાં મામાવાડી વિસ્તારમાં રહેતા તનુબેન ધીરજલાલ સીંગ (ઉ.વ.27) અને તેની પાડોશમાં રહેતી તેની ભત્રીજી જ્યોતિ ગોપાલભાઇ શર્મા (ઉ.વ.12) નવાગામમાં આવેલા નાના તળાવમાં ડૂબી ગયા હતા, ઘટના અંગે જાણ કરાતા ફાયર બ્રિગેડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા, ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી.જ્યારે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નવાગામ આણંદપરના મામાવાડી વિસ્તારમાં બિહાર પરિવાર મોટી સંખ્યામાં રહે છે, બિહારની પરંપરા મુજબ આજે કોઇ પર્વ હોઇ બિહારી પરિવારની મહિલાઓએ આખો દિવસ ઉપવાસ કર્યો હતો અને સાંજે તળાવની પૂજા કરવાની હતી, તનુબેન સહિતની મહિલાઓ તળાવની પૂજા કરવા ગયા હતા અને તેમની સાથે તેમના બાળકો પણ તળાવે ગયા હતા.

મહિલાઓ તળાવના કાંઠે પૂજા કરી રહી હતી ત્યારે તનુબેનનો 5 વર્ષનો પુત્ર તેમજ પાડોશમાં રહેતી જ્યોતિ (ઉ.વ.12),ખુશી (ઉ.વ.12) અને અર્ચના (ઉ.વ.11) તળાવમાં નહાવા લાગ્યા હતા અને એ ચારેય ડૂબવા લાગતા દેકારો મચી ગયો હતો.પુત્રને ડૂબતો જોઇ તનુબેને તળાવમાં ઝંપલાવી ડૂબી રહેલા પુત્રને ઉપાડી બહાર તેનો ઘા કરી તેને બચાવી લીધો હતો,

તળાવના કિનારે રહેલી અન્ય મહિલાઓએ ડૂબી રહેલી બાળાઓ અને તનુબેનને બચાવવા માટે તળાવમાં સાડીઓ ફેંકી હતી, સાડી પકડીને ખુશી તથા અર્ચના તળાવની બહાર નીકળી ગયા હતા.પરંતુ તનુબેને અને જ્યોતિ ડૂબી જતાં બંનેનાં મોત નીપજ્યાં હતાં. પર્વ પર એક બાળકી સહિત બેનાં મોતથી બિહારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, તનુબેનને સંતાનમાં એક જ પુત્ર છે, જે માસૂમ બાળકે માતાની હૂંફ ગુમાવી હતી તો જ્યોતિ એક ભાઇ અને ત્રણ બહેનમાં ત્રીજા નંબરની હતી અને સાતમા ધોરણમાં અભ્યાસ કરતી હતી, નજર સામે જ પુત્રીનાં મોતથી પરિવારમાં અરેરાટી વ્યાપી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.