સાયલા: નવાગામમાં છોટા હાથીમાં બ્લાસ્ટ થતાં પિતા-પુત્ર બળીને ભડથું

  • એક સાથે પિતા અને પુત્રની અર્થી ઉઠતા ગામમાં ગમગીની: પરિવારજનોનો હત્યાનો આક્ષેપ
  • ગેસ લીકેજ કારણે દુર્ઘટના સર્જાઈ હોવાની આશંકા: ફોરેન્સિક પીએમ માટે મૃતદેહ રાજકોટ ખસેડાયા

સાયલા તાલુકા નજીક આવેલા નવાગામમાં એક કરુણ દુર્ઘટના સર્જાઈ છે. જેમાં છોટા હાથીમાં બ્લાસ્ટ થતાં એક સાથે પિતા – પુત્ર બળીને ભડથું થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જેમાં ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

તો બીજી તરફ મૃતકના પરિવારજનો હત્યાનો આક્ષેપ કરી રહ્યા હોવાથી બંને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મામલતદાર અને પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સાયલા તાલુકાના નવાગામ નજીક છોટા હાથી ટેમ્પામાં ગેસનો બાટલો ફાટતા ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી (ઉ.વ.30) અને અમિતભાઇ લાલજીભાઇ ખોરાણી (ઉ.વ.8) જીવતા બળીને ભડથું થઇ જતા તેમના ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજતા એમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.

આ અંગે ઘટનાની જાણ થતાં ધજાડાના મામલતદાર એમ.પી. કટીરા અને પીએસઆઈ એમ.કે. ઇસરાણી સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક લાલજીભાઈ ખોરાણી છોટા હાથીમાં સોડા લેવા દેવા જવાનું કામ કરતા હતા. જેના પગલે ગઇ કાલે પોતે નવાગામ નજીક હતા ત્યારે પત્નીના માવતરે તેમને તેડવા જવાનું નક્કી કર્યું હતું.

પરંતુ તે પહેલા જ વાડી વિસ્તારમાં એકાએક છોટા હાથીમાં ધડાકા સાથે પ્રચંડ વિસ્ફોટ સાથે આગ ભભુકી ઉઠતા પિતા અને પુત્ર બંને જીવતા ભડથું થયા હતા. ઘટના અંગે નોંધ કરી પોલીસે મૃતદેહને પીએમ અર્થે સાયલા ખસેડવામાં આવ્યા હતા. પરંતુ બોડીની હાલત પ્રમાણે પેનલ પીએમ જરૂરી હોવાનુ સાબિત થતા બંને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે.

તો બીજી તરફ મૃતક લાલાભાઇના પિતા મોતી ભાઈ ખોરાણીએ પોતાના પુત્ર અને પૌત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે પોલીસે મૃતદેહને પેનલ પીએમ માટે લાશ રાજકોટ ખસેડવામાં આવી છે. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની તપાસ હાથધરી છે.