Abtak Media Google News

સૌરાષ્ટ્રમાં અંતે મેઘરાજા રિઝયા: રાજકોટમાં સવા ત્રણ ઈંચ, ટંકારામાં ૩, બગસરામાં ૨, જામકંડોરણા, વાંકાનેર, મોરબીમાં ૧ ઈંચ વરસાદ: વાવણીકાર્યમાં પોરવાતો જગતાત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જેની ચાતક ડોળે રાહ જોઈ રહ્યા હતા તેવા મોંઘેરા મેઘરાજાનું શુક્રવારે સૌરાષ્ટ્રમાં શાહી આગમન થઈ ચુકયું છે. સૌરાષ્ટ્રમાં મેઘમહારથી જગતાતમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. રાજકોટમાં અનરાધાર સવા ત્રણ ઈંચ, ટંકારામાં ૩ ઈંચ, બગસરામાં ૨ ઈંચ, જામકંડોરણા, મોરબી અને વાંકાનેરમાં ૧-૧ ઈંચ વરસાદ વરસ્યો હતો.

દેશભરમાં નિર્ધારીત સમય કરતા ૧૭ દિવસ વહેલું નૈઋત્યનું ચોમાસું સક્રિય થઈ ગયું હોવાનું જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે ગુજરાત સહિત દેશના ૧૬ રાજયોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ચોમાસામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતને કવર કરી લીધા છે. જોકે સૌરાષ્ટ્રે હજી સાર્વત્રિક મેઘમહેર માટે થોડા દિવસ ઈંતજાર કરવો પડશે.2 109સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર આજે સવારે ૮:૦૦ કલાકે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજયના ૨૭ જિલ્લાના ૧૦૦ તાલુકાઓમાં વરસાદ થયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં ૯૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ઉતર, મધ્ય-પૂર્વ અને દક્ષિણ ગુજરાત પર અગાઉ મેઘરાજાએ અમીદ્રષ્ટિ કરી હતી. સૌરાષ્ટ્રમાં હેત વરસાવવામાં કરકસર રાખતા મેઘરાજા ગઈકાલે બપોર બાદ શાહી સવારી સાથે આવી પહોંચ્યા હતા. શુક્રવારે સવારથી અસહય ઉકળાટ વચ્ચે સાંજે ૫:૦૦ કલાકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાનું શાહી આગમન થયું હતું.3 72સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં વિજળીના કડાકા ભડાકા સાથે બે કલાકમાં અનરાધાર સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. ફાયર બ્રિગેડના રેકોર્ડ પર શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૫૯ મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં ૮૦ મીમી, ઈસ્ટ ઝોનમાં ૧૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જયારે હવામાન વિભાગના રેકોર્ડ પર શુક્રવારે રાજકોટમાં ૮૨.૮ મીમી વરસાદ વરસી ગયો હતો.

ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે શહેરમાં લીંબુવાડી વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું.જયારે બે સ્થળોએ પાણી ભરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. મહાપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રિ-મોનસુન કામગીરી પોલ પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. માત્ર સવા ત્રણ ઈંચ વરસાદમાં શહેરના મોટાભાગના નાળાઓ અને અંડરબ્રીજ ભરાઈ ગયા હતા અને વાહનચાલકોએ ભારે હાડમારી વેઠવી પડી હતી.4 64 શહેરના અનેક સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા. વિજળીના કડાકા-ભડાકા સાથે ત્રાટકેલા મેઘરાજાના કારણે શહેરમાં વિજળી ગુલ થવાની ફરિયાદોનો પણ ધોધ વછુટયો હતો. પ્રથમ વરસાદમાં રાજકોટવાસીઓ ગરમીથી રાહત મેળવવા માટે ન્હાવા નિકળી ગયા હતા. ઘેર-ઘેર ભજીયાના તાવડા મંડાયા હતા.

રાજકોટ ઉપરાંત ગઈકાલે સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાના ટંકારામાં ૭૦ મીમી, અમરેલીના બગસરામાં ૪૦ મીમી, રાજકોટના જામકંડોરણામાં ૨૧ મીમી, મોરબીના વાંકાનેરમાં ૨૧ મીમી, મોરબી શહેરમાં ૨૦ મીમી, જામનગરના કાલાવડમાં ૧૦ મીમી, સુરેન્દ્રનગરના વઢવાણમાં ૧૫ મીમી, રાજકોટના ધોરાજીમાં ૧૨ મીમી, બોટાદના બરવાળામાં ૧૧ મીમી, રાજકોટના પડધરીમાં ૩૦ મીમી, અમરેલીમાં ૯ મીમી વરસાદ વરસ્યો હતો.

આ ઉપરાંત છુટાછવાયા હળવાથી મધ્યમ ઝાપટા પડયા હોવાનું પણ નોંધાયું છે. જુન માસ વિતવા છતાં કચ્છ હજી કોરો ધાકડ છે. કચ્છના ૧૦ જિલ્લાઓ પૈકી એકમાત્ર નખત્રાણામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે દેશમાં નિર્ધારીત સમય કરતા ૧૭ દિવસ ચોમાસું વહેલું શરૂ થઈ ગયું છે. હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાત સહિત સમગ્ર દેશને ચોમાસાએ કવર કરી લીધું છે.

આજે ગુજરાત સહિત દેશના ૧૬ રાજયોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જોકે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપે તેવી એક પણ સિસ્ટમ હાલ સક્રિય ન હોવાના કારણે સૌરાષ્ટ્રવાસીઓએ સાર્વત્રિક વર્ષા માટે હજુ એકાદ સપ્તાહની રાહ જોવી પડશે. સૌરાષ્ટ્રમાં શુક્રવારે સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. જયારે દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાના મોટાભાગના તાલુકાઓ કોરા ધાકોડ રહ્યા હતા.

રાજકોટમાં મેઘરાજા ઝોન વાઈઝ વરસ્યાં5 58વેસ્ટ ઝોનમાં ૮૦ મીમી, સેન્ટ્રલ ઝોનમાં ૫૯ મીમી, ઈસ્ટ ઝોનમાં ૧૯ મીમી વરસાદ: મોસમનો કુલ ૪ ઈંચ વરસાદ

છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરમાં મેઘરાજા ઝોન વાઈઝ હેત વરસાવી રહ્યા છે. ગઈકાલે શહેરમાં ચાલુ સાલ ચોમાસાની સીઝનનો નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ પડયો હતો. જેમાં શહેરમાં વેસ્ટ ઝોન વિસ્તાર એટલે કે ન્યુ રાજકોટમાં સૌથી વધુ ૮૦ મીમી જેટલો વરસાદ પડયો હતો. જયારે સેન્ટ્રલ ઝોનમાં ૫૯ મીમી, ઈસ્ટ ઝોનમાં ૧૯ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

જયારે હવામાન વિભાગના રેકોર્ડ પર છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૮૨.૮ મીમી વરસાદ પડી ગયો છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં શહેરમાં મોસમનો કુલ ૯૯ મીમી એટલે કે ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. વરસાદના કારણે રાજકોટવાસીઓને કાળઝાળ ગરમી અને પરસેવે રેબઝેબ કરતા બફારામાંથી રાહત મળી છે.

અડધું રાજકોટ પ્રથમ વરસાદમાં ન્હાવા નિકળી પડયું: ઘેર-ઘેર ભજીયાના તાવડા મંડાયા

આફતમાં પણ અવસર જેવો આનંદ માણવોએ રાજકોટવાસીઓનો સ્વભાવ છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનમાં પ્રથમ નોંધપાત્ર કહી શકાય તેવો વરસાદ ગઈકાલે શહેરમાં વરસ્યો હતો. મેઘરાજાનું આગમન થતાની સાથે જ પ્રથમ વરસાદમાં ન્હાવા માટે રંગીલા રાજકોટવાસીઓ ઘરની બહાર નિકળી ગયા હતા. શહેરના તમામ રાજમાર્ગો પર રિતસર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા. અનરાધાર પડેલા સવા ત્રણ ઈંચ જેટલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા રાજકોટવાસીઓએ રાત્રે ભજીયાનું ભોજન લીધું હતું.

મેઘમહેરથી કૃષી મંત્રી ખુશખુશાલ: ન્હાવા નિકળ્યા6 43રાજય સરકારના કૃષિમંત્રી આર.સી.ફળદુ ગઈકાલે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જયારે તેઓ પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા ત્યારે જ મોંઘેરા મેઘરાજાનું સુખદ આગમન થતા કૃષિમંત્રી પણ પોતાના મનને રોકી શકયા ન હતા અને પ્રથમ વરસાદમાં ન્હાવા માટે નિકળી પડયા હતા. તસવીરમાં કૃષિમંત્રી આર.સી.ફળદુ ઉપરાંત ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવ અને જિલ્લા ભાજપના મીડિયા ઈન્ચાર્જ અરૂણભાઈ નિર્મળ વરસાદમાં ન્હાવાનો આનંદ ઉઠાવતા નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.